આ ખુલાસો કર્યો છે ભૂતપૂર્વ આઇપીએસ ઑફિસર મીરા બોરવણકરે પોતાની બુક ‘મૅડમ કમિશનર’માં : મુંબઈના હુમલાખોરને પુણે લઈ જવાની માહિતી માત્ર દસ જણને જ હતી
કસાબ, મીરા બોરવણકર
ભૂતપૂર્વ આઇપીએસ ઑફિસર મીરા બોરવણકરના પુસ્તક ‘મૅડમ કમિશનર’માં અજિત પવારે યેરવડાની ત્રણ એકર જમીન એક પ્રાઇવેટ બિલ્ડરને વેચી નાખી હોવાનો ગંભીર આરોપ કર્યા બાદ રાજકારણ ગરમાયું છે ત્યારે આ પુસ્તકમાં મુંબઈમાં ૨૬ નવેમ્બર ૨૦૦૮માં મુંબઈ પર હુમલો કરનારા અજમલ કસબ વિશે પણ વિગતવાર લખ્યું છે. છેક પાકિસ્તાનથી મુંબઈ આવીને હુમલો કરનારો મોટો આતંકવાદી ફાંસીની સજા અપાઈ એ પહેલાં નાના બાળક જેવો લાગતો હતો અને ભારતની જેલમાં બંધ હતો ત્યારે તેણે એક પણ વખત બિરયાની નહોતી ખાધી એમ મીરા બોરવણકરે નોંધ્યું છે.
મીરા બોરવણકરે લખેલું ૨૮૮ પેજનું પુસ્તક ‘મૅડમ કમિશનર’ રવિવારે પ્રકાશિત કરવામાં આવ્યું હતું. એમાં તેમણે પાકિસ્તાની આતંકવાદી અજમલ કસબ વિશે કેટલીક મહત્ત્વની બાબતો વિશે લખ્યું છે. આર્થર રોડ જેલમાં ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસની સુરક્ષામાં કસબ હતો. આ સિક્યૉરિટી વચ્ચે તે દરરોજ એક્સરસાઇઝ કરતો હતો. આથી જ અજમલ કસબનું વજન ઘણું ઓછું થઈ ગયું હતું અને તે નાના બાળક જેવો લાગતો હતો. આ સિવાય જીવતો પકડાયાથી ફાંસી થઈ ત્યાં સુધી અજમલ કસબે એક પણ વખત બિરયાની ખાધી નહોતી. એ સમયે તપાસ અધિકારી તરીકે મેં તેને સવાલો પૂછ્યા હતા ત્યારે તે હસતો. કસબ બાબતે જેલ સહિત અન્ય અધિકારીઓએ અનેક ખોટી વાતો ફેલાવી હતી, પણ પકડાવાથી લઈને ફાંસી અપાઈ ત્યાં સુધી ભારત સરકારે કાયદાના પાલન સાથે બધી પ્રક્રિયા પૂરી કરી હતી.
ADVERTISEMENT
પ્લાન લીક થતાં આત્મવિશ્વાસ ડગમગ્યો
મીરા બોરવણકરે પુસ્તકમાં લખ્યું છે કે ‘અજમલ કસબને મુંબઈથી પુણે લાવતી વખતે અનેક અધિકારીઓના મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા હતા. આથી કેટલાક અધિકારીઓ મારા પર નારાજ થઈ ગયા હતા. દસ લોકોને જ કસબને પુણે લાવવામાં આવી રહ્યો હોવાની જાણ હતી. એક રિપોર્ટરને જોકે આની ભનક લાગી ગઈ હતી એટલે તેણે તત્કાલીન ગૃહપ્રધાન આર. આર. પાટીલ અને મને પણ ફોન કરીને આ વિશે પૂછ્યું હતું. અમે તેને કોઈ માહિતી નહોતી આપી. જોકે પ્લાન લીક થવાથી મારો આત્મવિશ્વાસ કેટલાક અંશે ડગમગી ગયો હતો.’
નાનું બાળક લાગતો હતો
ભૂતપૂર્વ આઇપીએસ ઑફિસરે તેમના પુસ્તકમાં નોંધ્યું છે કે ‘ફાંસીના આગલા દિવસે હું યેરવડા જેલમાં ગઈ હતી. બધા પ્રોટોકૉલ અને સુરક્ષા-વ્યવસ્થા બાજુમાં મૂકીને મેં યુનિફૉર્મને બદલે બ્લેઝર પહેર્યું હતું. એક દિવસ બાદ જ યેરવડા જેલમાં ૩૦ વર્ષ પછી કોઈ કેદીને ફાંસી આપવાની હતી એટલે જેલની સિક્યૉરિટી ચકાસી હતી. એ દિવસે અજમલ કસબ એક નાના બાળક જેવો લાગતો હતો. આટલો મોટો આતંકવાદી આ બાળક છે એ મારા માનવામાં નહોતું આવ્યું. જેલમાં આવ્યા બાદ કસબ નિયમિત એક્સરસાઇઝ કરતો હતો એટલે તેનું વજન ઘણું ઓછું થઈ ગયું હતું. તેણે ક્યારેય બિરયાની નહોતી ખાધી. કસબને ફાંસી આપવામાં આવી ત્યારે મેં સૌથી પહેલાં તત્કાલીન ગૃહપ્રધાન આર. આર. પાટીલને ફોન કરીને માહિતી આપી હતી.
સીબીઆઇની કાર્યવાહીએ જમીન બચાવી
પુસ્તક ‘મૅડમ કમિશનર’માં અજિત પવારનું નામ લીધા વિના ગંભીર આરોપ કરવામાં આવ્યો છે. આ વિશે ગઈ કાલે ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી અને લેખિકા મીરા બોરવણકરે કહ્યું હતું કે ‘પુસ્તકમાં ૩૮ પ્રકરણ છે. યેરવડાની જમીન પર માત્ર એક જ પ્રકરણ છે. આથી એક જ પ્રકરણ સુધી પુસ્તકને સંકુચિત ન કરો. યેરવડા જેલની જમીનની લિલામી અજિત પવારે નહોતી કરી એ સત્ય છે. પુણે પોલીસની જમીનની લિલામી સરકારની એક સમિતિએ કરી હતી. હું પોસ્ટ પર હતી ત્યારે જમીનનો તાબો છોડવાની પ્રક્રિયા કરવાની સૂચના આપવામાં આવી હતી. પુણેના તત્કાલીન ગૃહપ્રધાન અજિત પવારે પણ આવો અભિગમ રાખ્યો હતો. મેં તેમને કહ્યું હતું કે જમીન મહત્ત્વની છે. પોલીસનાં ઘરો બનાવવા માટે એનો ઉપયોગ થઈ શક્યો હોત. 2G સ્પેક્ટ્રમના આરોપી બિલ્ડર શાહિદ બલવાને એ જમીન આપવામાં આવી હતી. જોકે સીબીઆઇએ શાહિદ બાલવાની ધરપકડ કરવાથી અમને જમીન બચાવવા માટેની શક્તિ મળી હતી.’


