Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અમારા માટે ઘણું કરવા માગતી દીકરીનાં સપનાં રોળાઈ ગયાં

અમારા માટે ઘણું કરવા માગતી દીકરીનાં સપનાં રોળાઈ ગયાં

Published : 18 August, 2026 07:10 AM | IST | Mumbai
Mehul Jethva | mehul.jethva@mid-day.com

ટિટવાલા જવા નીકળેલી ૨૦ વર્ષની ગુજરાતી યુવતીને થાણેમાં ટેમ્પોએ મારી જીવલેણ ટક્કર, પિતાએ વ્યક્ત કરી ગંભીર શંકા

અકસ્માતમાં મૃત્યુ પામેલી વૈભવી જેઠવા.

અકસ્માતમાં મૃત્યુ પામેલી વૈભવી જેઠવા.


મુલુંડ-વેસ્ટમાં ચેકનાકા નજીક કિશનનગર 1માં આવેલા બાલાજી અપાર્ટમેન્ટમાં રહેતી ૨૦ વર્ષની વૈભવી જેઠવાનું શનિવારે તીન હાથ નાકા પાસે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના સર્વિસ રોડ પર કાલિકા મંદિર નજીક અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ અકસ્માત કરીને નાસી છૂટેલા ટેમ્પો-ડ્રાઇવર અબ્દુલ કલામ મણિયારની નૌપાડા પોલીસે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના અંગરક્ષકોની મદદથી અટકાયત કરી હતી. ૧૫ ઑગસ્ટે રજા હોવાથી વૈભવી તેની ઑફિસના કલીગ સાથે ટિટવાલા ફરવા જઈ રહી હતી. તે સર્વિસ રોડ પર ચાલીને જઈ રહી હતી ત્યારે પાછળથી આવેલા એક ટેમ્પોએ તેને જોરદાર ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઈજાઓ થવાથી તેનું મૃત્યુ થયું હતું. દરમ્યાન, ૧૫ ઑગસ્ટથી વૈભવીનો મોબાઇલ સતત બંધ આવતો હોવાથી ચિંતિત પરિવારજનોએ તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ ૧૬ ઑગસ્ટે પોલીસતપાસમાં પરિવાજનોને તેના અકસ્માતની અને મૃત્યુની જાણ થઈ હતી એટલે રવિવારે તેની અંતિમક્રિયા કરવામાં આવી હતી. 

મારી બે દીકરીઓ અને એક દીકરામાં સૌથી મોટી વૈભવી ખૂબ જ હોશિયાર હતી અને તેણે પોતાની આવડત પર નોકરી મેળવી હતી એમ જણાવીને વૈભવીના પિતા ભાવેશ જેઠવાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેનાં ખૂબ જ મોટાં સપનાં હતાં. તે અમારા માટે ઘણુંબધું કરવા માગતી હતી, પણ નિયતિને કંઈક અલગ જ મંજૂર હતું. વૈભવી થાણેના એક કૉલ સેન્ટરમાં નોકરી કરતી હતી. શનિવારે ૧૫ ઑગસ્ટ નિમિત્તે રજા હોવાથી તે ઑફિસના કલીગ સાથે ટિટવાલા ફરવા જવાની હતી. કેટલાક લોકો શુક્રવારે રાત્રે જ ત્યાં પહોંચી ગયા હતા, પરંતુ વૈભવીએ શનિવારે સવારે જવાનો પ્લાન બનાવ્યો હોવાથી તે વહેલી સવારે ૬ વાગ્યે ઘરેથી નીકળી હતી. ત્યાર બાદ મને સવારે સાડાઆઠ વાગ્યાની આસપાસ એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે રસ્તા પરથી વૈભવીની ઑફિસનું આઇડેન્ટિટી કાર્ડ મળ્યું હોવાનું કહેતાં હું ત્યાં જઈને એ કાર્ડ લઈ આવ્યો હતો. દરમ્યાન, મેં વૈભવીને ફોન કરવાની કોશિશ કરી પણ તેણે ફોન ઉપાડ્યો નહોતો. મને લાગ્યું કે તે ફરવામાં વ્યસ્ત હશે. જોકે બપોર પછી પણ તેણે ફોન ન ઉપાડતાં મને શંકા ગઈ એટલે હું તાત્કાલિક તેની ઑફિસે પહોંચ્યો હતો, પરંતુ ઑફિસ બંધ હતી. ત્યાં કામ કરતા લોકોનો સંપર્ક કરતાં જાણવા મળ્યું કે વૈભવી ટિટવાલા પહોંચી જ નથી. એટલે મને ખૂબ જ ટેન્શન થવા લાગ્યું હતું. મેં જે વિસ્તારમાંથી આઇડેન્ટિટી કાર્ડ મળ્યું હતું ત્યાં શોધખોળ કરી અને મોડી રાત સુધી તે ન મળતાં અંતે શ્રીનગર પોલીસ-સ્ટેશનમાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.’



બીજા દિવસે અકસ્માતની જાણ થઈ 
બીજા દિવસે પોલીસે અમને નૌપાડા પોલીસ-સ્ટેશનમાં અકસ્માતનો કેસ નોંધાયો હોવાની જાણ કરી હતી એમ જણાવીને ભાવેશ જેઠવાએ કહ્યું હતું કે ‘ત્યાં જઈને તપાસ કરતાં એ અકસ્માત વૈભવીનો જ થયો હોવાની ખાતરી થઈ હતી. પોલીસે અમને ટેમ્પોએ પાછળથી ટક્કર મારી હોવાનું જણાવ્યું હતું, પરંતુ અમને શંકા છે કારણ કે અકસ્માતના સ્થળથી આશરે ૨૫૦ મીટર દૂર વૈભવીની બૅગ અને તેનું આઇડેન્ટિટી કાર્ડ મળ્યાં હતાં. આ પરથી અમારી દીકરી સાથે કંઈક અલગ જ અનિચ્છનીય ઘટના બની હોવાની અમને શંકા છે.’


શું કહેવું છે પોલીસનું?
નૌપાડા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર યોગેશ આવ્હાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે સવારે અકસ્માત કરીને ટેમ્પો-ડ્રાઇવર અબ્દુલ કલામ મણિયારે ઘટનાસ્થળ પરથી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એ સમયે રસ્તા પરથી પસાર થતા લોકોએ ટેમ્પોનો પીછો કર્યો હતો. અકસ્માત-સ્થળથી આશરે દોઢ કિલોમીટર દૂર નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ઘર પાસે અંગરક્ષકો તહેનાત હતા. તેમણે લોકોને ટેમ્પોની પાછળ દોડતા જોઈને તરત જ ટેમ્પોને અટકાવ્યો હતો. ત્યાર બાદ અમને જાણ કરવામાં આવતાં અમે ટેમ્પો-ડ્રાઇવરની અટકાયત કરી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

18 August, 2026 07:10 AM IST | Mumbai | Mehul Jethva

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK