પુણેની મીઠાઈની દુકાને લાઇસન્સ સસ્પેન્ડ થયા પછી ૯૮ ટકા ચોખ્ખાઈ મેળવી લીધી એ છતાં એનું લાઇસન્સ રીસ્ટોર ન થયું એટલે અદાલત ભડકી
બૉમ્બે હાઈ કોર્ટ
બૉમ્બે હાઈ કોર્ટે સોમવારે મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ની ભારે ઝાટકણી કાઢી હતી અને ૯૮ ટકા પાલન-અહેવાલ હોવા છતાં લાઇસન્સ સસ્પેન્ડ રાખવા બદલ પુણેની મીઠાઈની દુકાનને પાંચ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ફૂડ-સેફ્ટી નિરીક્ષણો હાથ ધરવાનો FDAનો ઇરાદો પ્રશંસનીય છે, પરંતુ એ અતિશય થઈ રહ્યો છે.
ગુરુનાનક ડેરી ઍન્ડ સ્વીટ્સ નામની દુકાને હાઈ કોર્ટમાં કરેલી અરજીમાં FDAના પગલાને પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે જૂનમાં બંધ થયા પછી એને ૮.૭૪ લાખ રૂપિયાની આવકનું નુકસાન થયું છે. ઍક્ટિંગ ચીફ જસ્ટિસ રવીન્દ્ર ઘુગે અને જસ્ટિસ ગૌતમ અણખડની બેન્ચે જણાવ્યું હતું કે ખાણી-પીણી અને હોટેલનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો FDAનો આદેશ વિચિત્ર અને વિકૃત હતો.
દુકાનને ફરીથી વ્યવસાય શરૂ કરવાની મંજૂરી આપતી વખતે વિભાગને એક મહિનાની અંદર માલિકોને પાંચ લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ‘અમે જોયું છે કે તમારો ઇરાદો પ્રશંસનીય છે, પરંતુ તમે વધુ પડતું કરી રહ્યા છો. ૯૮ ટકા પાલન (રી-ઇન્સ્પેક્શન રિપોર્ટમાં) નોંધાયા પછી તમારે તાત્કાલિક લાઇસન્સનું સસ્પેન્શન રદ કરવું જોઈતું હતું.’
અરજી મુજબ ૧૨ જૂને FDAના એક ફૂડ-સેફ્ટી ઑફિસરે ફૂડ-પૉઇઝનિંગની ફરિયાદના આધારે દુકાનના પરિસરનું નિરીક્ષણ કર્યું હતું અને સ્વચ્છતા અને સ્ટાફની સ્વચ્છતા વિશે ચિંતા વ્યક્ત કરી હતી. એ જ દિવસે વિભાગે દુકાનનું લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો આદેશ પસાર કર્યો હતો.
ADVERTISEMENT
ત્યાર બાદ દુકાને FDAના કમિશનર સમક્ષ અપીલ દાખલ કરી હતી અને અહેવાલ પણ રજૂ કર્યો હતો. ૧૩ જુલાઈએ ફરી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને દુકાન ૯૮ ટકા પાલન કરતી હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ લાઇસન્સ રીસ્ટોર કરવામાં આવ્યું નહોતું. ત્યાર બાદ દુકાનના માલિકોએ FDAને સસ્પેન્શન આદેશ રદ કરવાની માગણી કરતી રજૂઆત રજૂ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી જેના પગલે તેમણે હાઈ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
