કૅરટેકરના હાથપગ બાંધી, મોઢામાં ડૂચો ભરીને તેને પૂરી દીધી: પુણેના હડપસરમાં આવેલા રેસ્ક્યુ ફાઉન્ડેશનમાંથી ૧૩ બંગલાદેશી યુવતીઓ કૅરટેકર અને સિક્યૉરિટી ગાર્ડ પર હુમલો કરીને ભાગી ગઈ હતી.
પ્રતીકાત્મક તસવીર
પુણેના હડપસરમાં આવેલા રેસ્ક્યુ ફાઉન્ડેશનમાંથી ૧૩ બંગલાદેશી યુવતીઓ કૅરટેકર અને સિક્યૉરિટી ગાર્ડ પર હુમલો કરીને ભાગી ગઈ હતી. છોકરીઓએ કૅરટેકર પર હુમલો કર્યો અને તેને દોરડાથી બાંધીને તેના મોઢામાં ડૂચો ભરાવીને ભાગી ગઈ હતી. આ ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે અને ભાગી ગયેલી છોકરીઓની શોધખોળ ચાલી રહી છે.
ખરેખર શું બન્યું?
મોહમ્મદવાડી રોડ પર આવેલા રેસ્ક્યુ ફાઉન્ડેશનમાંથી ૧૩ બંગલાદેશી છોકરીઓએ ભાગી જવાની યોજના બનાવી હતી. એક બંગલાદેશી છોકરીએ સંસ્થાની કૅરટેકર લક્ષ્મી કાંબળેને દવા લેવાના બહાને દરવાજો ખોલવાનું કહ્યું હતું. દરવાજો ખોલતાંની સાથે જ વધુ ચાર છોકરીઓએ કૅરટેકર લક્ષ્મી કાંબળે પર હુમલો કર્યો, તેના મોઢામાં ડૂચો ભરાવી દીધો અને તેના હાથ-પગ બાંધીને તેને મેડિકલ રૂમમાં બંધ કરી દીધી હતી.
ADVERTISEMENT
બીજી તરફ સફાઈ કરતી વખતે સુરક્ષા ગાર્ડે મુખ્ય દરવાજો ભૂલથી ખુલ્લો છોડી દીધો હતો. એનો લાભ લઈને ૧૩ છોકરીઓએ સિક્યૉરિટી ગાર્ડ પર પણ હુમલો કર્યો અને તેને બચકાં ભરીને ભાગી ગઈ હતી. પોલીસે તાત્કાલિક શોધખોળ શરૂ કરીને એમાંની બે છોકરીઓની ધરપકડ કરી હતી. બાકીની ૧૧ હજી ગુમ છે.
ફાઉન્ડેશન પાસે પોલીસ-સુરક્ષા નથી
ફાઉન્ડેશન પાસે પોલીસ સુરક્ષા હતી, પરંતુ ૨૦૨૪ની ૧૬ માર્ચે પોલીસ સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી. ફાઉન્ડેશનને પોલીસ-કમિશનર સમક્ષ સુરક્ષાની માગણી કરી હતી, પરંતુ ફરીથી સુરક્ષા આપવામાં આવી નહોતી.
