ન્યુ યૉર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયની બહાર ઇન્ટરનૅશનલ યોગ ડે નિમિત્તે ઇન્ટરનૅશનલ સેલિબ્રેશન દરમ્યાન વડા પ્રધાને આમ જણાવ્યું હતું
ન્યુ યૉર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે ઇન્ટરનૅશનલ યોગ-ડેના સેલિબ્રેશન્સ દરમ્યાન એક યોગ સેશનમાં સૌથી વધુ દેશોના નાગરિકો દ્વારા ભાગીદારી માટેનો રેકૉર્ડ રચવામાં આવ્યા બાદ યુએન ખાતેના ભારતનાં કાયમી પ્રતિનિધિ રુચિરા કમ્બોજ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ સર્ટિફિકેટ બતાવી રહ્યા છે ત્યારે આ સિદ્ધિને તાળી પાડીને વધાવી લેતા પીએમ નરેન્દ્ર મોદી. તસવીર પી.ટી.આઇ.
યોગ-ડે બન્યો રેકૉર્ડ્સ-ડે : ન્યુ યૉર્કમાં યુએનના હેડ ક્વૉર્ટર્સ ખાતે પીએમ મોદીની હાજરીમાં એકસાથે સૌથી વધુ દેશોના લોકોની યોગ કાર્યક્રમમાં ભાગીદારી બદલ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ રચાયો, જ્યારે સુરતે પણ યોગ કરીને વિશ્વવિક્રમ રચ્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જણાવ્યું હતું કે યોગની પ્રાચીન પદ્ધતિ ખરેખર વૈશ્વિક છે અને એ કોઈ પણ પ્રકારના કૉપીરાઇટ, પેટન્ટ્સ અને રૉયલ્ટીથી મુક્ત છે. વડા પ્રધાને ઇન્ટરનૅશનલ યોગ ડે નિમિત્તે ન્યુ યૉર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયની બહાર વિશેષ અને સામાન્ય લોકોને સંબોધતાં આમ જણાવ્યું હતું.
વડા પ્રધાનના આ કાર્યક્રમમાં એકસાથે સૌથી વધુ દેશોના લોકોની ભાગીદારી માટેનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ રચાયો હતો. અહીં ૧૩૫ દેશોના લોકોએ ભાગ લીધો હતો. આ સાથે જ ૧૧૪ દેશોના લોકોનો એકસાથે એક સ્થળે યોગ કરવાનો આ પહેલાંનો રેકૉર્ડ તૂટ્યો હતો.
ADVERTISEMENT

ન્યુ યૉર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે યોગાસન કરી રહેલા પીએમ મોદી.
વડા પ્રધાન મોદીએ અહીં કહ્યું હતું કે ‘તમને બધાને જોઈને હું પ્રસન્ન થયો છું. મને કહેવામાં આવ્યું છે કે અહીં લગભગ દરેક રાષ્ટ્રીયતાનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું છે. યોગનો અર્થ થાય છે કે જોડવું. એટલે તમે બધા સાથે આવ્યા છો એ યોગના બીજા એક સ્વરૂપની અભિવ્યક્તિ છે. યોગનું સ્રોત ભારત છે પરંતુ આ પદ્ધતિ કૉપીરાઇટ, પેટન્ટ્સ અને રૉયલ્ટીથી મુક્ત છે.’
વડા પ્રધાને કહ્યું હતું કે ‘૨૦૨૩ને જાડા ધાન્યના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે સેલિબ્રેટ કરવા માટેના ભારતના પ્રસ્તાવને સપોર્ટ આપવા ગયા વર્ષે સમગ્ર દુનિયા સાથે આવી હતી. હવે યોગ માટે સમગ્ર દુનિયાને ફરી સાથે આવતી જોવી એ વન્ડરફુલ છે. યોગ તમને શાંત અને ઇમોશનલી સંતુષ્ટ બનાવે છે. એ માત્ર મૅટ પર એક્સરસાઇઝ જ નથી, એ આરોગ્ય અને સુખાકારી માટેનો સર્વાંગી ઉપાય છે. વાસ્તવમાં એ પોતાની જાત સાથે, બીજા તેમ જ કુદરતની સાથે સુસંવાદિતતાથી જીવવા માટેનો એક માર્ગ છે.’
મોદી પ્રેસિડન્ટ જો બાઇડન અને ફર્સ્ટ લૅડી જિલ બાઇડનના આમંત્રણ પર અમેરિકાની રાજકીય વિઝિટ પર ગયા છે.
