ઈરાને ઇઝરાયલનાં ૧૪ શહેરો પર મિસાઇલ છોડ્યાં, ઈરાનમાં ૬૫૭ અને ઇઝરાયલમાં ૨૪ લોકોએ જીવ ગુમાવ્યા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના પ્રેસિડન્ટ સાથે વાતચીત કરી
પ્રતીકાત્મક તસવીર
ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી, અમેરિકાએ પહેલી વાર યુદ્ધમાં GBU-57 જેવા બન્કર બસ્ટર બૉમ્બનો ઉપયોગ કર્યો, ઈરાનનાં પરમાણુ સ્થળો પર્વતો કાપીને બનાવવામાં આવ્યાં હોવાથી એમને નષ્ટ કરવા માટે B-2 બૉમ્બર વિમાનોની જરૂર, હુમલા પહેલાં આ વિમાનોએ અમેરિકાથી ૩૭ કલાક સુધી નૉન-સ્ટૉપ ઉડાન ભરી, હવામાં જ ઘણી વાર ઈંધણ પુરાવ્યું
૧૦ દિવસથી ચાલી રહેલા ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં હવે અમેરિકાની એન્ટ્રી થઈ ચૂકી છે. અમેરિકાએ ભારતીય સમય મુજબ ગઈ કાલે વહેલી સવારે ૪.૩૦ વાગ્યે ઈરાનનાં ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન એવાં ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યો હતો. અમેરિકન આર્મીએ ફોર્ડોમાં પરમાણુ સ્થળ પર પાંચથી ૬ B2 બૉમ્બ ફેંક્યા હતા. અમેરિકાએ ઇસ્ફહાન અને નતાન્ઝમાં ૩૦ ટૉમહૉક ક્રુઝ મિસાઇલો છોડ્યાં હતા, જે ૬૪૩ કિલોમીટર (આશરે ૪૦૦ માઇલ) દૂર એક અમેરિકન સબમરીન પરથી છોડવામાં આવ્યાં હતાં.
ADVERTISEMENT
અમેરિકાને મોટી સફળતા મળી : ડોનલ્ડ ટ્રમ્પ
ઈરાન પર હુમલો કર્યાના ૩ કલાક બાદ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રવ્યાપી સંબોધનમાં કહ્યું હતું કે ‘હું વિશ્વને કહી શકું છું કે આ હુમલો એક મોટી લશ્કરી સફળતા હતી. હુમલાઓનો હેતુ ઈરાનને પરમાણુ બૉમ્બ બનાવતાં અટકાવવાનો અને વિશ્વને પરમાણુ ભયથી બચાવવાનો હતો. મેં ઘણા સમય પહેલાં નક્કી કરી લીધું હતું કે હું ઈરાનને પરમાણુ શસ્ત્રો મેળવવા નહીં દઉં. ઈરાન ફક્ત ઇઝરાયલ માટે જ નહીં પણ અમેરિકા માટે પણ ખતરો છે. ઈરાન છેલ્લાં ૪૦ વર્ષથી અમેરિકા અને ઇઝરાયલના વિનાશની વાત કરી રહ્યું છે. જો ઈરાન શાંતિ સ્થાપિત નહીં કરે તો આનાથી પણ મોટો હુમલો થશે. બધાં વિમાનો સુરક્ષિત રીતે ઘરે પાછાં ફરી રહ્યાં છે. દુનિયામાં બીજું કોઈ સૈન્ય નથી જે આ કરી શક્યું હોત. ઈરાનનાં મહત્ત્વપૂર્ણ પરમાણુ સ્થળોનો નાશ થઈ ગયો છે, આ સ્થળો સંપૂર્ણપણે નાશ પામ્યાં છે. ફોર્ડો પર બૉમ્બનો આખો જથ્થો ફેંકી દેવામાં આવ્યો હતો.’
નેતન્યાહુએ ટ્રમ્પનો આભાર માન્યો
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે ‘આભાર પ્રેસિડન્ટ ટ્રમ્પ, તમે ઈરાનની અંદર પરમાણુ ઠેકાણાંઓ પર હુમલો કરવા માટે કડક પગલું ભર્યું છે. આ ઇતિહાસ બદલી નાખશે. ઇતિહાસ યાદ રાખશે કે પ્રેસિડન્ટ ટ્રમ્પે દુનિયાના સૌથી ખતરનાક શાસનને દુનિયાનાં સૌથી ખતરનાક શસ્ત્રોથી દૂર રાખવા માટે જરૂરી પગલાં લીધાં હતા. ઇઝરાયલે ‘ઑપરેશન રાઇઝિંગ લાયન’ હેઠળ ઈરાન પર ઘણા અસરકારક હુમલા કર્યા, પરંતુ અમેરિકાનો હુમલો ખરેખર અજોડ હતો. દુનિયાનો બીજો કોઈ દેશ અમેરિકાએ જે કર્યું છે એવું કરી શકતો નથી.’
B-2 બૉમ્બરનું ૩૭ કલાકનું ઉડ્ડયન : હવામાં ઘણી વખત ઈંધણ ભર્યું,જમીનમાં ૨૯૫ ફુટ નીચે આવેલાં પરમાણુ સ્થળો પર બૉમ્બ વરસાવ્યા
અમેરિકાએ ગઈ કાલે સવારે B-2 બૉમ્બરથી ઈરાનનાં ત્રણ પરમાણુ ઠેકાણાં પર હુમલો કર્યો હતો. ઈરાનનાં આ પરમાણુ સ્થળો પર્વતો કાપીને બનાવવામાં આવ્યાં છે અને એમને નષ્ટ કરવા માટે B-2 બૉમ્બર વિમાનોની જ જરૂર હતી. હુમલા પહેલાં B-2 બૉમ્બર વિમાનોએ અમેરિકાના મિઝોરીથી લગભગ ૩૭ કલાક સુધી નૉન-સ્ટૉપ ઉડાન ભરી હતી અને મિડ-ઍરમાં ઘણી વખત ઈંધણ ભર્યું હતું. અમેરિકાએ પહેલી વાર યુદ્ધમાં GBU-57 જેવા બન્કર બસ્ટર બૉમ્બનો ઉપયોગ કર્યો હતો. B-2 બૉમ્બરે ફોર્ડો સાઇટ પર ૩૦,૦૦૦ પાઉન્ડ (આશરે ૧૩,૬૦૦ કિલો) વજનના ૬ GBU-57 બૉમ્બ (બન્કર બસ્ટર્સ) ફેંક્યા હતા. નતાન્ઝ પર બે બૉમ્બ ફેંક્યા હતા. એ જ સમયે ઇસ્ફહાન અને નતાન્ઝ પર ૩૦ ટૉમહૉક ક્રૂઝ મિસાઇલો છોડવામાં આવ્યાં હતાં.
અમેરિકાએ ફોર્ડોને કેમ નિશાન બનાવ્યું?
ફોર્ડો એનરિચમેન્ટ પ્લાન્ટ ઈરાનમાં એક ટેકરીમાં ૨૯૫ ફુટની ઊંડાઈ પર એટલે કે લગભગ ૯૦ મીટરની ઊંડાઈ પર આવેલો છે. એનું માળખું અને વ્યૂહાત્મક સ્થાન એવું છે કે કોઈ પણ દેશ હવાઈ હુમલાથી એનો નાશ કરી શકે નહીં. ફોર્ડો બેઝ સુધી પહોંચવા માટે પાંચ ટનલ કાપી નાખવામાં આવી છે અને ઊંડાઈમાં બન્કર જેવી સુવિધાઓ બનાવવામાં આવી છે. એનું નિયંત્રણ ઍટમિક એનર્જી ઑર્ગેનાઇઝેશન ઑફ ઈરાન (AEOI) પાસે છે. નતાન્ઝ પછી આ ઈરાનનો બીજો યુરેનિયમ શુદ્ધીકરણ પ્લાન્ટ છે. ઇઝરાયલ લાંબા સમયથી આ બેઝને નષ્ટ કરવા માગતું હતું. ફક્ત અમેરિકાના GBU-57 મેસિવ ઑર્ડનન્સ પેનિટ્રેટર બન્કર-બસ્ટર બૉમ્બ અને B-2 સ્ટીલ્થ ઍરક્રાફ્ટ જ એને નષ્ટ કરવા સક્ષમ છે.
ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નૉમિનેટ કર્યા પછી પાકિસ્તાને ઈરાન પરના અમેરિકાના હુમલાની નિંદા કરી
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નૉમિનેટ કર્યાના એક દિવસ પછી પાકિસ્તાને ઈરાનની ત્રણ પરમાણુ સુવિધાઓ પર અમેરિકાના હુમલાની નિંદા કરી છે. આ સંદર્ભમાં એક નિવેદનમાં પાકિસ્તાને કહ્યું હતું કે ‘ઈરાન સામે ચાલી રહેલા આક્રમણને કારણે તનાવ અને હિંસામાં અભૂતપૂર્વ વધારો ખૂબ જ ચિંતાજનક છે. તનાવમાં વધુ વધારો થવાથી પ્રદેશ અને એનાથી આગળના દેશો માટે ગંભીર નુકસાનકારક પરિણામો આવશે. અમે નાગરિક જીવન અને સંપત્તિનું સન્માન કરવાની અને તાત્કાલિક સંઘર્ષનો અંત લાવવાની અનિવાર્ય જરૂરિયાત પર ભાર મૂકીએ છીએ. બધા પક્ષોએ આંતરરાષ્ટ્રીય કાયદાનું અને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પાલન કરવું જોઈએ. યુનાઇટેડ નેશન્સ ચાર્ટરના સિદ્ધાંતો અને હેતુઓ અનુસાર સંઘર્ષનો અંત લાવવા માટે સંવાદ અને રાજદ્વારી વાતચીત પર આગળ વધવું જોઈએ.’
ઇઝરાયલનાં ૧૪ સ્થાન પર મિસાઇલ છોડ્યાં ઈરાને
અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાને ઇઝરાયલ પર સૌથી મોટો હુમલો કરીને ૧૪ મહત્ત્વપૂર્ણ સ્થળોને નિશાન બનાવ્યાં હતાં. ઈરાની મિસાઇલો હાઇફા અને તેલ અવિવમાં લશ્કરી અને રહેણાક ઠેકાણાંઓ પર પડ્યાં છે. અત્યાર સુધીમાં ઇઝરાયલમાં ૮૬ લોકો ઘાયલ થયા છે. ઇસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ્સ કૉર્ઝ (IRGC)એ આ હુમલા કર્યા હતા.
અમેરિકાના હુમલા પછી ઈરાનનું નિવેદન
અમેરિકાએ ઈરાનની પરમાણુ સુવિધાઓ પર કરેલા હવાઈ હુમલાની નિંદા કરતાં ઈરાનના વિદેશપ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચીએ કહ્યું હતું કે ‘અમેરિકાએ યુનાઇટેડ નેશન્સ ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદા અને નૉન-પ્રોલિફરેશન ટ્રીટી (NPT)નું ગંભીર ઉલ્લંઘન કર્યું છે. આ ગુનાહિત વર્તન છે અને ઈરાન એના સાર્વભૌમત્વની રક્ષા કરવા માટે તમામ વિકલ્પો અનામત રાખે છે.’
હવે આપણો વારો : ખામેનેઇના પ્રતિનિધિ
ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઇના પ્રતિનિધિ હુસેન શરિયતમાદારીએ બૉમ્બમારા પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘હવે આપણો વારો છે કે આપણે વિલંબ કર્યા વિના કાર્યવાહી કરીએ. આપણે બાહરિનમાં અમેરિકન નૌકાદળના કાફલા પર મિસાઇલ હુમલો કરવો જોઈએ અને સાથે-સાથે અમેરિકન, બ્રિટિશ, જર્મન અને ફ્રેન્ચ જહાજો માટે હોર્મુઝ સ્ટ્રેઇટ બંધ કરવી જોઈએ.’
ઈરાનની પરમાણુ એજન્સીએ નિવેદન જાહેર કર્યું
ઈરાનના પરમાણુ ઊર્જા સંગઠને દેશનાં પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલાની નિંદા કરીને આ હુમલાઓને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. એજન્સીએ કહ્યું કે તે એના રાષ્ટ્રીય ઉદ્યોગના વિકાસને રોકવા દેશે નહીં, જે દેશના પરમાણુ વિકાસનો સ્પષ્ટ સંદર્ભ છે.
સિચુએશન રૂમમાં હાજર રહ્યા ટ્રમ્પ
અમેરિકાએ ઈરાનનાં પરમાણુ સ્થળો પર હુમલો કર્યો ત્યારે પ્રેસિડન્ટ ટ્રમ્પ તેમના વરિષ્ઠ અધિકારીઓ સાથે સિચુએશન રૂમમાં હાજર રહ્યા હતા. વાઇટ હાઉસે આ તસવીરો હુમલાની કાર્યવાહીના કલાકો પછી શૅર કરી હતી.
મોદીએ ઈરાનના પ્રેસિડન્ટ સાથે વાતચીત કરી
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના પ્રેસિડન્ટ મસૂદ પાઝ્શ્કિયાન સાથે ફોન પર વાત કરી હતી. આ વિશે તેમણે સોશ્યલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું હતું કે ‘અમે વર્તમાન પરિસ્થિતિ પર વિગતવાર ચર્ચા કરી હતી.
તાજેતરની ઘટનાઓમાં વધી રહેલા તનાવ પર અમે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. પરિસ્થિતિને તાત્કાલિક શાંત કરવાની, વાતચીત અને રાજદ્વારી કાર્યવાહી આગળ વધારવાની જરૂર છે.’
ઈરાનમાં ૬૫૭, ઇઝરાયલમાં ૨૪ લોકોએ જીવ ગુમાવ્યા
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો દસમો દિવસ છે. અમેરિકાસ્થિત માનવઅધિકાર કાર્યકર્તાઓના જણાવવા મુજબ ૧૩ જૂનથી ઈરાનમાં ૬૫૭ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૨૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે ઈરાનના આરોગ્ય મંત્રાલયે ફક્ત ૪૩૦ નાગરિકોનાં મૃત્યુ અને ૩૫૦૦ લોકો ઘાયલ થયાની પુષ્ટિ કરી છે. બીજી તરફ ૨૧ જૂન સુધી ઇઝરાયલમાં ૨૪ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ૯૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

