હજી તો ટ્રમ્પ ગ્રીનલૅન્ડ પર ગાજ્યા છે ત્યાં રશિયાના વિદેશપ્રધાન સર્ગેઈ લાવરોવે ડપકું મૂક્યું
સર્ગેઈ લાવરોવ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના ગ્રીનલૅન્ડ હાંસલ કરવાના ક્રેઝે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં તોફાન મચાવ્યું છે. ગ્રીનલૅન્ડ ખરીદવાની અથવા તો નિયંત્રણમાં લઈ લેવાની ધમકીઓ અને સાથ ન આપનારાઓ સાથે ટૅરિફ-યુદ્ધની ધમકીઓ વચ્ચે હવે રશિયાના વિદેશપ્રધાને વિવાદાસ્પદ નિવેદન કરીને ખળભળાટ મચાવ્યો છે. સર્ગેઈ લાવરોવે કહ્યું છે કે સૈદ્ધાંતિક રીતે ગ્રીનલૅન્ડ એ ડેન્માર્કનો પ્રાકૃતિક હિસ્સો નથી. એ કદી નૉર્વે કે ડેન્માર્કનો હિસ્સો નહોતું. એ તો કોલોનિયલ ઍક્વિઝિશન હતું. અહીં રહેતા લોકો પણ આ હકીકતથી ટેવાઈ ગયા છે અને હવે એમાં જ સહજ મહેસૂસ કરે છે.’
કોલોનિયલ ઍક્વિઝિશન એટલે કોઈ શક્તિશાળી દેશ દ્વારા કોઈ કમજોર ક્ષેત્ર કે દેશ પર રાજનૈતિક નિયંત્રણ કરવામાં આવે છે.
નિષ્ણાતોનું માનવું છે કે રશિયાના પ્રધાનનું આ નિવેદન અમેરિકા-યુરોપના વિવાદમાં ઘી હોમવાનું કામ કરશે. આમેય ટ્રમ્પે પહેલાં જ આરોપ મૂક્યો હતો કે રશિયા પણ આ દ્વીપ પર નિયંત્રણ હાંસલ કરવાની કોશિશ કરી રહ્યું છે એનાથી રશિયા નારાજ છે. મંગળવારે મૉસ્કોમાં પત્રકારો સાથેની વાતચીતમાં ગ્રીનલૅન્ડને કોલોનિયલ ઍક્વિઝિશન ગણાવીને સર્ગેઈ લાવરોવે એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે તેમને આ મામલે હસ્તક્ષેપ કરવામાં કોઈ રસ નથી.
ADVERTISEMENT
ગ્રીનલૅન્ડ વિશે ટ્રમ્પની ધમકી પર જર્મનીનો જવાબઃ હવે હદ થઈ છે, અમે બ્લૅકમેઇલ સહન નહીં કરીએ
અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની ગ્રીનલૅન્ડને અમેરિકા સાથે જોડવાની ધમકી વચ્ચે જર્મનીના નાણાપ્રધાન લાર્સ ક્લિંગબેલે કહ્યું હતું કે આપણે સતત નવી ઉશ્કેરણીઓનો અનુભવ કરી રહ્યા છીએ. રાષ્ટ્રપતિ ટ્રમ્પ જે માગી રહ્યા છે એ વિશે યુરોપિયનોએ સ્પષ્ટ કરી દેવું જોઈએ કે હવે હદ પાર થઈ ગઈ છે. સહકાર માટે અમારો હાથ લંબાયો છે, પરંતુ અમે બ્લૅકમેઇલ થવા તૈયાર નથી. અમને તનાવ વધારવામાં કોઈ રસ નથી, કારણ કે આનાથી ઍટ્લાન્ટિક મહાસાગરની બન્ને બાજુની અર્થવ્યવસ્થાઓને નુકસાન થશે. જર્મની અને ફ્રાન્સ મક્કમ છે કે અમે પોતાને બ્લૅકમેઇલ થવા દઈશું નહીં. જર્મની અને ફ્રાન્સ અમેરિકાને સંપૂર્ણ તાકાતથી જવાબ આપશે.
ટ્રમ્પે શનિવારે ધમકી આપી હતી કે જો અમેરિકાને ગ્રીનલૅન્ડ ખરીદવાની મંજૂરી આપવામાં નહીં આવે તો તેઓ ૮ યુરોપિયન સાથી દેશો પર હજી ટૅરિફ વધારશે. ટ્રમ્પની જાહેરાતથી ડેન્માર્કના વિશાળ આર્કટિક ટાપુના ભવિષ્ય વિશેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે.


