વૉલોદિમીર ઝેલેન્સ્કી ભડક્યા, ‘આ આતંકવાદ છે, દુનિયાએ એ નજરઅંદાજ ન કરવું જોઈએ’
આ હુમલામાં ૩૦ લોકો ઘાયલ થયા હતા
રશિયાએ યુક્રેનના ઉત્તરીય સુમી ક્ષેત્રના એક સ્ટેશન પર ડ્રોનથી હુમલો કર્યો હતો. એમાં એક પૅસેન્જર ટ્રેનને નુકસાન થયું હતું. આ હુમલામાં ૩૦ લોકો ઘાયલ થયા હતા. રશિયાના આ હુમલા પછી યુક્રેનના રાષ્ટ્રપતિ વૉલોદિમીર ઝેલેન્સ્કીનો ગુસ્સો ફાટ્યો હતો. તેમણે ટેલિગ્રામ પર સળગતા ટ્રેનના ડબ્બા અને કેટલાક ડબ્બાની બારીઓના ફુરચેફુરચા ઊડતા હોય એવો વિડિયો પોસ્ટ કર્યો હતો. સાથે લખ્યું હતું, ‘સુમી ક્ષેત્રના શોસ્તકામાં રેલવે-સ્ટેશન પર રશિયન ડ્રોનનો ક્રૂર હુમલો. રશિયનોને એ વાતનું ધ્યાન નહીં રહ્યું હોય કે તેઓ નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. આ આતંકવાદ છે જે દુનિયાએ નજરઅંદાજ ન કરવો જોઈએ.’


