SCO સંરક્ષણપ્રધાનોની બેઠક વખતે રાજનાથ સિંહ ચીનના સંરક્ષણપ્રધાનને મળ્યા
રાજનાથ સિંહ, ચીનના સંરક્ષણપ્રધાન ઍડ્મિરલ ડૉન્ગ જુન
શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO) સમિટ દરમ્યાન ભારતના સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ચીનના સંરક્ષણપ્રધાન ઍડ્મિરલ ડૉન્ગ જુન સાથે મુલાકાત કરી હતી અને સરહદ સીમાંકનનો કાયમી ઉકેલ લાવવા પર ભાર મૂક્યો હતો. બન્ને પ્રધાનોએ ભારત-ચીન સરહદ પર શાંતિ અને સુલેહ-શાંતિ જાળવવાની જરૂરિયાત પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.
રાજનાથ સિંહે ભારત-ચીન સરહદ પર શાંતિ, કાયમી જોડાણ અને તનાવ ઓછો કરવાના માળખાગત રોડમૅપ દ્વારા મુદ્દાઓનું નિરાકરણ લાવવા પર ભાર મૂક્યો હતો.
ADVERTISEMENT
રાજનાથ સિંહે બન્ને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયાનાં ૭૫ વર્ષ સુધી પહોંચવાના મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે પાંચ વર્ષના સમયગાળા પછી કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાની પણ પ્રશંસા કરી હતી.
રાજનાથ સિંહે પહલગામમાં નિર્દોષ નાગરિકો પર કરવામાં આવેલા ઘૃણાસ્પદ આતંકવાદી હુમલા અને પાકિસ્તાનમાં આતંકવાદી નેટવર્કને તોડી પાડવાના હેતુથી ભારતના ઑપરેશન સિંદૂર વિશે પણ માહિતી આપી હતી.
બન્ને પ્રધાનો હાલના મેકૅનિઝમ દ્વારા તનાવ ઓછો કરવા, સરહદ-વ્યવસ્થાપન અને આખરે મર્યાદા ઘટાડા સંબંધિત મુદ્દાઓ પર પ્રગતિ પ્રાપ્ત કરવા માટે વિવિધ સ્તરે પરામર્શ ચાલુ રાખવા સંમત થયા હતા.


