ચીનમાં SCO શિખર સંમેલનમાં પહલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ ન ધરાવતા દસ્તાવેજ પર સહી કરવાનો કર્યો ઇનકાર
ચીનની મીટિંગમાં રાજનાથ સિંહ.
ચીનના કિંગદાઓમાં આયોજિત શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO)ના શિખર સંમેલનમાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ગુરુવારે એવા દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો જે આતંકવાદ પરના ભારતના અભિગમને હળવો બનાવતો હતો. આ દસ્તાવેજમાં પહલગામ આતંકવાદી હુમલાનો જરા પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો, પરંતુ જાફર એક્સપ્રેસને હાઇજૅક કરવાની ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આમ છૂપી રીતે ભારત પર બલૂચિસ્તાનમાં તંગદિલી પેદા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આના પગલે બેઠક પછી કોઈ સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું નહોતું.
સમિટ બાદ રજૂ થનારા સંયુક્ત નિવેદનમાં ચીન અને પાકિસ્તાને બાવીસમી એપ્રિલે ભારતના જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ છોડી દેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ જાફર એક્સપ્રેસ હાઇજૅકની ઘટનાનો સમાવેશ કરવા માગતા હતા. આના પગલે આ અંગે કોઈ સર્વસંમતિ થઈ નહોતી.
ADVERTISEMENT
આ મુદ્દે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે પહલગામ આતંકવાદી હુમલા પર ભારતનું વલણ સ્પષ્ટપણે રજૂ કર્યું હતું, જેમાં ૨૬ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. આ સિવાય તેમણે એવા દેશોની સખત નિંદા કરી હતી જેઓ સરહદ પાર આતંકવાદનો નીતિગત સાધન તરીકે ઉપયોગ કરે છે અને આતંકવાદીઓને આશ્રય આપે છે.


