Racist Attack in Ireland: ભારતીય મૂળની છ વર્ષની બાળકી આયર્લેન્ડમાં જાતિવાદી હુમલાનો ભોગ બની; હુમલાખોરોએ તેને ગંદી ભારતીય કહીને ટોણો માર્યો હતો અને ભારત પાછા જવાનું કહેતા માર માર્યો હતો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આયર્લેન્ડ (Ireland)માં ભારતીયો પર વધુ એક જાતીય હુમલો (Racist Attack in Ireland) થયો છે. આયર્લેન્ડમાં ભારતીય મૂળના લોકો પર જાતિવાદી હુમલાઓ ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન, એક માસૂમ છ વર્ષની બાળકીને ક્રૂરતાનો શિકાર બની છે. હુમલાખોરોએ છ વર્ષની બાળકીને ‘ડર્ટી ઇન્ડિયન’ કહીને માત્ર મજાક જ નથી ઉડાડી, પણ `ભારત પાછા જાઓ` એમ કહીને તેના પર હિંસક હુમલો પણ કર્યો. એટલું જ નહીં, હુમલાખોરોએ છોકરીના ગુપ્ત ભાગોને પણ ઇજા પહોંચાડી. આ હૃદયદ્રાવક ઘટનાથી આઘાત લાગ્યો છે અને આયર્લેન્ડમાં ભારતીય મૂળના લોકોની સુરક્ષા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે.
આયર્લેન્ડ થયેલા એક જાતિવાદી હુમલામાં, આ અઠવાડિયાની શરૂઆતમાં બાળકોના એક જૂથ દ્વારા છ વર્ષની બાળકી પર હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક અહેવાલો અનુસાર, હુમલાખોરો ‘ભારત પાછા જાઓ’ની બૂમો પાડતા હતા ત્યારે છ વર્ષની ભારતીય બાળકીના ચહેરા પર મુક્કો મારવામાં આવ્યો હતો અને તેના ગુપ્ત ભાગોમાં માર મારવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
એક પોર્ટલ સાથે વાત કરતા છોકરીની માતાએ કહ્યું હતું કે, હુમલોન સોમવાર ૪ ઓગસ્ટના રોજ થયો હતો. નાની છોકરીની માતાએ ઉમેર્યું કે, હુમલો ત્યારે થયો જ્યારે છ વર્ષની બાળકી તેના ઘરની બહાર મિત્રો સાથે રમી રહી હતી. તેમની પુત્રી પર હુમલો કરનારા બાળકોની ટોળકીમાં આઠ વર્ષની આસપાસની એક છોકરી અને ૧૨થી ૧૪ વર્ષની વચ્ચેના છોકરાઓનો સમાવેશ થતો હતો.
પીડિત બાળકીની માતા આઠ વર્ષથી આયર્લેન્ડમાં રહે છે, જે તાજેતરમાં આઇરિશ નાગરિક બની છે. તે વ્યવસાયે નર્સ છે. માતાએ જણાવ્યું હતું કે, ‘મારી દીકરીએ મને કહ્યું કે બાળકોના ગ્રુપમાંથી પાંચે તેના ચહેરા પર મુક્કા માર્યા હતા. એક છોકરાએ સાયકલનું વ્હીલ તેના ગુપ્તાંગ પર ધકેલી દીધું, જેને કારણે તેને દુખાવો થતો હતો. તેઓએ F શબ્દ અને `ડર્ટી ઇન્ડિયન, ભારત પાછા જાઓ` એવું પણ કહ્યું. તેણીએ મને આજે (બુધવારે) કહ્યું કે તેઓએ તેની ગરદન પર મુક્કા માર્યા અને તેના વાળ મચકોડ્યા.’
પોતાની પુત્રી પર થયેલા હુમલા બાદ, ભારતીય નર્સે આઇરિશ દૈનિક સાથે દેશમાં આઠ વર્ષ રહ્યા પછી અનુભવેલી કેટલીક જાતિવાદી ઘટનાઓ શેર કરી. એક ન્યૂઝ આઉટલેટે અહેવાલ આપ્યો છે કે, માતા તેના ૧૦ મહિનાના બાળકને દૂધ પીવડાવવા માટે અંદર પાછી ગઈ ત્યારે તેની દીકરી પર હુમલો થયો હતો. માતાએ આગળ ઉમેર્યું, ‘મેં તેણીને કહ્યું હતું કે હું બાળકને દૂધ પીવડાવીને એક સેકન્ડમાં પાછી આવીશ. પણ તે ઘરે દુઃખી થઈને આવી. તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ હતી, તે રડવા લાગી. તે બોલી પણ શકતી નહોતી, તે ખૂબ ડરી ગઈ હતી.’
ભારતીય મહિલાએ ગાર્ડા પોલીસ (Garda police)માં ફરિયાદ નોંધાવી છે. તેની પુત્રી પર થયેલા ક્રૂર હુમલા છતાં, મહિલા છોકરાઓ માટે સજાની માંગ કરી રહી નથી, પરંતુ આશા રાખે છે કે તેમને જરૂરી કાઉન્સેલિંગ અને માર્ગદર્શન મળશે.


