ભારતના મજબૂત વીટો પાવર અને વિરોધને કારણે આર્થિક સંકટમાં ઘેરાયેલા પાકિસ્તાન માટેના રસ્તા બંધ
ફાઇલ તસવીર
આર્થિક સંકટમાં ઘેરાયેલા પાકિસ્તાને ૨૦૨૩માં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા (BRICS) સંગઠનમાં સભ્યપદ માટે સત્તાવાર માગણી કરી હતી; પરંતુ હજી સુધી એને એન્ટ્રી મળી શકી નથી. ગયા વર્ષે બ્રિક્સ સંગઠને ઇજિપ્ત, ઇથિયોપિયા, ઈરાન અને યુનાઇટેડ આરબ ઍમિરેટ્સ (UAE)ને નવા સભ્યો તરીકે સ્વીકારીને સંગઠનનો વિસ્તાર કર્યો હતો. એમ છતાં ભારતના મજબૂત વીટો પાવર અને સખત વિરોધને કારણે પાકિસ્તાન આ વૈશ્વિક સંગઠનથી હજી પણ બહાર જ રહ્યું છે.
પાકિસ્તાન એ ૨૯ દેશોમાં સામેલ છે જેમણે બ્રિક્સના સભ્યપદ માટે અરજી કરી છે. વર્લ્ડ બૅન્ક અને ઇન્ટરનૅશનલ મૉનેટરી ફન્ડ (IMF) પરની નિર્ભરતા ઘટાડવા માટે પાકિસ્તાને બ્રિક્સ સમર્થિત ન્યુ ડેવલપમેન્ટ બૅન્કમાં આશરે ૪૮ અબજ રૂપિયા (૫૮૦ મિલ્યન ડૉલર)નું રોકાણ પણ કર્યું છે. પાકિસ્તાન સરકારનું માનવું છે કે બ્રિક્સમાં જોડાવાથી તેમને વૈશ્વિક આર્થિક સહયોગ મળશે. રશિયા અને ચીન દ્વારા પાકિસ્તાનના પ્રવેશને સમર્થન આપવામાં આવ્યું હોવા છતાં બ્રિક્સના સર્વસંમતિ આધારિત પ્રવેશ નિયમો હેઠળ ભારતનો વિરોધ પાકિસ્તાન માટે એક અભેદ્ય દીવાલ સાબિત થયો છે. જ્યાં સુધી તમામ સભ્યોની મંજૂરી ન મળે ત્યાં સુધી પાકિસ્તાન બ્રિક્સનો હિસ્સો બની શકશે નહીં.
