શાદમાનીને ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ સૌથી નજીકના લશ્કરી સલાહકાર માનવામાં આવતા હતા. તેમનું મૃત્યુ ઈરાન માટે કોઈ મોટા ફટકાથી ઓછું નથી
અલી શાદમાની
સોમવાર અને મંગળવારની રાત્રે તેહરાનના મધ્ય વિસ્તારમાં ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)ના હુમલામાં ચાર દિવસ પહેલાં ઈરાનના વૉરટાઇમ ચીફ ઑફ સ્ટાફ પદે નિયુક્ત કરવામાં આવેલા અલી શાદમાનીનું મૃત્યુ થયું છે. આ હુમલો IDFની ગુપ્તચર શાખા પાસેથી મળેલી સચોટ માહિતીના આધારે કરવામાં આવ્યો હતો. પાંચ દિવસમાં આ બીજી વખત છે જ્યારે ઇઝરાયલે ઈરાનના વૉરટાઇમ ચીફ ઑફ સ્ટાફને નિશાન બનાવ્યા છે. આ પહેલાંના ઇઝરાયલી હુમલામાં શાદમાનીના પુરોગામી લેફ્ટનન્ટ જનરલ ગુલામ અલી રશીદ પણ મૃત્યુ પામ્યા હતા.
શાદમાનીને ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ સૌથી નજીકના લશ્કરી સલાહકાર માનવામાં આવતા હતા. તેમનું મૃત્યુ ઈરાન માટે કોઈ મોટા ફટકાથી ઓછું નથી. શાદમાનીએ ઈરાની સશસ્ત્ર દળોના ઇમર્જન્સી કમાન્ડના કમાન્ડર તરીકે પણ સેવા આપી છે જેમાં ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ (IRGC) અને ઈરાની સેના બન્ને તેમના કમાન્ડ હેઠળ છે.
ADVERTISEMENT
ઇઝરાયલને અમેરિકા પાસેથી જોઈએ છે ૧૩,૬૦૦ કિલોનો બંકર બસ્ટર બૉમ્બ
ઈરાનનાં ઊંડાં પરમાણુ સ્થળોને તોડી પાડવામાં મદદ કરી શકે છે આ બૉમ્બ
ઇઝરાયલને અમેરિકા પાસેથી ૩૦,૦૦૦ પાઉન્ડ (આશરે ૧૩,૬૦૦ કિલોગ્રામ)નો બંકર બસ્ટર બૉમ્બ જોઈએ છે. આ બૉમ્બ ઈરાનનાં ઊંડાં પરમાણુ સ્થળોને તોડી પાડવામાં મદદ કરી શકે એમ છે.
આ બૉમ્બ બોઇંગ કંપની દ્વારા અમેરિકાની ઍરફોર્સ માટે વિકસાવવામાં આવ્યો છે. આ બૉમ્બનું નામ GBU-57A/B મૅસિવ ઑર્ડનન્સ પેનિટ્રેટર (MOP) છે અને એ ગાઇડેડ બૉમ્બ છે. આ બૉમ્બ ફૉર્ટિફાઇડ બંકરો અને ઊંડે દટાયેલી સુવિધાઓ જેમ કે પરમાણુ શસ્ત્રોના વિકાસ માટે ઉપયોગમાં લેવાતા કમાન્ડ અને નિયંત્રણ માળખાને ભેદવા માટે બનાવવામાં આવ્યો છે.
લગભગ ૨૦ ફીટ લાંબા આ વિશાળ બૉમ્બમાં લગભગ ૫૩૦૦ પાઉન્ડ ઉચ્ચ વિસ્ફોટક છે અને વિસ્ફોટ પહેલાં ૬૦ મીટર (૨૦૦ ફુટ) નીચે સુધીના કૉન્ક્રીટને ખોદવાની ક્ષમતા ધરાવે છે. MOPને જમીનમાં ઊંડાં દટાયેલાં લક્ષ્યોને નષ્ટ કરવા માટે વિકસાવવામાં આવ્યો છે. લક્ષ્યની અંદર વિસ્ફોટ કરતાં પહેલાં એ પૃથ્વી, કૉન્ક્રીટ અથવા ખડકોના સ્તરોને તોડી નાખવાની તાકાત આપે છે.


