ઈરાની મિસાઇલ-હુમલા બાદ ઇઝરાયલમાં ઓછામાં ઓછા ૪૭ લોકો ઘાયલ થયા હતા. ઇઝરાયલી મીડિયાએ હૉસ્પિટલમાં થયેલા હુમલાનાં વિઝ્યુઅલ્સ પ્રસારિત કર્યાં
સાઉથ ઇઝરાયલમાં ૧૦૦૦ બેડ ધરાવતી સોરોકા મેડિકલ સેન્ટર ઍન્ડ હૉસ્પિટલ પર ઈરાની મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો
ગુરુવારે વહેલી સવારે સાઉથ ઇઝરાયલમાં ૧૦૦૦ બેડ ધરાવતી સોરોકા મેડિકલ સેન્ટર ઍન્ડ હૉસ્પિટલ પર ઈરાની મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. હૉસ્પિટલને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુએ સોરોકા મેડિકલ સેન્ટર પર હુમલો કરવા બદલ ઈરાન પાસેથી ભારે કિંમત વસૂલ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
સોરોકા મેડિકલ સેન્ટરમાં ૧૦૦૦થી વધુ બેડ છે અને સાઉથ ઇઝરાયલના આશરે ૧૦ લાખ રહેવાસીઓને સેવાઓ પૂરી પાડે છે. હૉસ્પિટલના ઘણા ભાગોને નુકસાન થયું હતું અને એ બધા નવા દરદીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ઈરાની મિસાઇલ-હુમલા બાદ ઇઝરાયલમાં ઓછામાં ઓછા ૪૭ લોકો ઘાયલ થયા હતા. ઇઝરાયલી મીડિયાએ હૉસ્પિટલમાં થયેલા હુમલાનાં વિઝ્યુઅલ્સ પ્રસારિત કર્યાં હતાં જેમાં બિલ્ડિંગની અંદર અરાજકતા ફેલાયેલી દેખાતી હતી અને અનેક જગ્યાએથી કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.
આ ઘટનાના અનેક વિડિયો સોશ્યલ મીડિયામાં જોવા મળ્યા હતા, જેમાં વિનાશ દર્શાવવામાં આવ્યો હતો.
ઇઝરાયલના સત્તાવાર સોશ્યલ મીડિયા અકાઉન્ટ દ્વારા શૅર કરાયેલી ક્લિપમાં હૉસ્પિટલના કર્મચારીઓ ધુમાડાથી ભરેલા કૉરિડોરમાંથી દોડતા જોઈ શકાય છે, જ્યારે કાચના ટુકડા ફ્લોર પર ફેલાયેલા છે. તૂટેલી બારીઓ, તૂટેલી બેન્ચ અને ખુરસીઓનો કાટમાળ સમગ્ર વિસ્તારમાં ફેલાયેલો છે. આ વિડિયોમાં હૉસ્પિટલના કર્મચારીઓ અને દરદીઓ હુમલા પછી રડતા અને બૂમો પાડતા દેખાય છે.


