યુદ્ધ રોકવા માટેની ડોનલ્ડ ટ્રમ્પની ૧૫ મુદ્દાની પ્રપોઝલને ઈરાને ઠુકરાવી દઈને માંડ્યા પાંચ મુદ્દા
ગઈ કાલે પણ ઈરાને ઇઝરાયલ પર મિસાઇલમારો ચાલુ રાખ્યો હતો. ઇઝરાયલના શહેર નેતન્યાના આકાશમાં આ હુમલાઓના પુરાવા દેખાતા હતા.
પાકિસ્તાને અમેરિકા તરફથી ઈરાનને ૧૫ પૉઇન્ટની સીઝફાયર પ્રપોઝલ ઑફિશ્યલી જણાવી એ પછી ઈરાને એનો જવાબ આપ્યો હતો. અમેરિકાએ આપેલા સીઝફાયરના પ્રસ્તાવને વધુપડતો ગણાવીને ઈરાને એને નકારી દીધો છે અને કહ્યું છે કે ‘અમે યુદ્ધ માત્ર પોતાની શરતો પર પૂરું કરીશું. ડોનલ્ડ ટ્રમ્પ એની ટાઇમલાઇન નક્કી નહીં કરીને કોઈ હુકમ નહીં ચલાવી શકે. ચાલી રહેલું યુદ્ધ અમે ત્યારે જ પૂરું કરીશું જ્યારે અમારી શરતો પૂરી થશે.’
ઈરાનના પ્રેસ-ટીવી અનુસાર બુધવારે એક અધિકારીના માધ્યમથી આ જવાબ આપ્યો હતો કે તેહરાને યુદ્ધ પૂરું કરવાના અમેરિકાના પ્રસ્તાવનો રિવ્યુ કર્યો છે, પરંતુ તેમને એની ઘણી શરતો મંજૂર નથી. એક સિનિયર અધિકારીએ ન્યુઝ-એજન્સી રૉઇટર્સને જણાવ્યું હતું કે ઈરાનનો પ્રાથમિક રિસ્પૉન્સ તો પૉઝિટિવ નથી, જોકે હજીયે એના પર રિવ્યુ ચાલી રહ્યો છે.
ADVERTISEMENT
ઈરાને ભાર દઈને પાંચ મુદ્દાઓ કહ્યા હતા...
યુદ્ધ ક્યારે પૂરું કરવું છે એનો નિર્ણય પૂરી રીતે ઈરાનનો છે. અમે અમેરિકા કે ટ્રમ્પને યુદ્ધ પૂરું કરવાનો સમય નક્કી કરવા નહીં દઈએ. આ યુદ્ધ ત્યારે જ રોકવા પર રાજી થઈશું જ્યારે અમારી શરતો પૂરી રીતે પૂરી થશે.
હોર્મુઝ સ્ટ્રેટ પર અમારી સંપ્રભુતાને માન્યતા આપવામાં આવે કેમ કે એ ઈરાનનો નૅચરલ અને લીગલ હક છે.
યુદ્ધને કારણે થયેલા નુકસાનની જવાબદારી સ્પષ્ટ કરવામાં આવે અને ગૅરન્ટેડ કમ્પૅન્સેશન આપવામાં આવે. યુદ્ધ ફરીથી ન થાય એનો પાકો ભરોસો આપવામાં આવે.
માત્ર અમારી સાથેનું યુદ્ધ જ નહીં, આ વિસ્તારમાં બીજાં રેઝિસ્ટન્સ ગ્રુપ સાથે જોડાયેલી દુશ્મની પણ ખતમ કરવામાં આવે.
જ્યાં સુધી તમામ શરતો પૂરી નહીં થાય ત્યાં સુધી અમારું ડિફેન્સિવ ઑપરેશન ચાલુ રહેશે.
આ પહલાં અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના ૨૬મા દિવસે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાનને ૧૫ મુદ્દાની શાંતિયોજના મોકલી હતી જેમાં તેહરાનના પરમાણુ કાર્યક્રમ પર કડક નિયંત્રણો, પ્રૉક્સી જૂથોને ટેકો આપવાનો અંત અને હોર્મુઝ સ્ટ્રેટને ફરી ખોલવા જેવી શરતોનો સમાવેશ હતો. વૉશિંગ્ટન વાટાઘાટોને સક્ષમ બનાવવા માટે એક મહિનાના યુદ્ધવિરામ માટે પણ દબાણ કરી રહ્યું છે.
પ્રસ્તાવિત શાંતિયોજનાના અન્ય મુખ્ય ઘટકોમાં ઈરાનની મિસાઇલ ક્ષમતાઓ અને સંબંધિત લશ્કરી માળખાગત સુવિધાઓનો નાશ કરવાનો સમાવેશ થાય છે. બદલામાં અમેરિકા પ્રતિબંધોમાં આંશિક રાહત આપશે, ઈરાનની બહાર સ્થિત ઈંધણ સુવિધા સાથે યુનાઇટેડ નેશન્સના નિરીક્ષણ હેઠળ નાગરિક પરમાણુ કાર્યક્રમને મંજૂરી આપશે અને તેહરાનના અર્થતંત્રને પુનર્જીવિત કરવામાં મદદ કરવા માટે આર્થિક જોડાણની મદદ કરશે.
ઈરાને અમેરિકાને મોટી ગિફ્ટ મોકલી : ટ્રમ્પ
ડોનલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાને અમેરિકા માટે ગિફ્ટ મોકલી છે. આ મુદ્દે ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘આ ખૂબ જ મોટી ગિફ્ટ હતી જેની કિંમત ખૂબ જ મોટી હતી. હું તમને એ ગિફ્ટ
શું છે એ કહેવાનો નથી. એ તેલ અને ગૅસ સંબંધિત હતી. આ ગિફ્ટે મને બતાવ્યું છે કે આપણે સાચા લોકો સાથે વ્યવહાર કરી રહ્યા છીએ.’ જોકે ટ્રમ્પે ચોક્કસ સ્પષ્ટતા કરી નહોતી કે ગિફ્ટ શું છે. જોકે આ ગિફ્ટ હોર્મુઝ સ્ટ્રેટ વિશે છે એવો સંકેત તેમણે આપ્યો હતો. જોકે એવું માનવામાં આવે છે કે અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકૉફ અને જેરેડ કુશનર વાટાઘાટોમાં ભાગ લઈ શકે છે. આ વાતને ટ્રમ્પ મોટી ગિફ્ટ જણાવી રહ્યા છે.
ટ્રમ્પની ૧૫ મુદ્દાની યોજનાના મુખ્ય મુદ્દાઓ શું છે?
૧. તાત્કાલિક એક મહિનાનો યુદ્ધવિરામ : વાટાઘાટો શરૂ કરવા માટે બન્ને પક્ષો તરફથી હુમલા તાત્કાલિક બંધ કરવા જોઈએ.
૨. પરમાણુ શસ્ત્રો નહીં : ઈરાને લેખિત ગૅરન્ટી આપવી પડશે કે એ ક્યારેય પરમાણુ શસ્ત્રો વિકસાવશે નહીં.
૩. બધી પરમાણુ ક્ષમતાઓનો નાશ કરવો : ઈરાનની હાલની પરમાણુ સુવિધાઓનો સંપૂર્ણપણે નાશ કરવો અથવા નિષ્ક્રિય કરવી.
૪. યુરેનિયમનો સ્ટૉક : ઈરાનના સમૃદ્ધ યુરેનિયમનો સંપૂર્ણ સ્ટૉક દેશની બહાર (અમેરિકા અથવા ત્રીજા દેશમાં) મોકલવો આવશ્યક છે.
૫. યુરેનિયમ સંવર્ધન બંધ કરવું : ઈરાની ભૂમિ પર કોઈ પણ સ્તરના યુરેનિયમ સંવર્ધનને સંપૂર્ણપણે બંધ કરવું.
૬. ઈરાનની બહાર ન્યુક્લિયર સુવિધાઓ : જો નાગરિક પરમાણુ કાર્યક્રમ ચલાવવાનો હોય તો આવી સુવિધાઓ ઈરાનની બહાર અને યુનાઇટેડ નેશન્સની દેખરેખ હેઠળ કરવામાં આવશે.
૭. બૅલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમ સમાપ્ત કરો : ઈરાનની બૅલિસ્ટિક મિસાઇલો અને સંબંધિત લશ્કરી માળખાનો નાશ કરો.
૮. પ્રૉક્સી જૂથોને ટેકો આપવાનું બંધ કરો : હિઝબુલ્લાહ અને હમાસ સહિત તમામ પ્રૉક્સી જૂથોને શસ્ત્રો અને ભંડોળ પૂરું પાડવાનું બંધ કરો.
૯. ઇઝરાયલ પર હુમલાનો અંત લાવો : ગૅરન્ટી આપો કે હિઝબુલ્લાહ સહિત કોઈ પણ જૂથ દ્વારા ઇઝરાયલ પર હુમલાઓ બંધ થશે.
૧૦. હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલો : હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ખુલ્લું અને બિનદુશ્મન જહાજો માટે સુરક્ષિત રાખો. ઈરાન ટ્રાન્ઝિટ-ફી વસૂલ કરી શકે છે.
૧૧. અમેરિકન અને ઇઝરાયલી જહાજોની સુરક્ષા : હોર્મુઝ દ્વારા અમેરિકન અને ઇઝરાયલી જહાજો માટે સલામત માર્ગની ખાતરી આપો.
૧૨. આંશિક પ્રતિબંધોમાં રાહત : કેટલાક આર્થિક પ્રતિબંધો હટાવી શકાય છે, પરંતુ રાહતભંડોળનો ઉપયોગ ફક્ત માનવતાવાદી હેતુઓ (દવાઓ, ખાદ્ય પુરવઠો) માટે થવો જોઈએ.
૧૩. યુનાઇટેડ નેશન્સ મૉનિટરિંગ : સમગ્ર કરારનું નિરીક્ષણ યુનાઇટેડ નેશન્સ અથવા આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા કરવામાં આવશે.
૧૪. આર્થિક સહયોગની શક્યતા : જો શરતો પૂરી થાય છે તો ઈરાનના અર્થતંત્રને ફરી બેઠું કરવામાં મદદ કરવા માટે કેટલાક આર્થિક સહયોગ શક્ય છે.
૧૫. કાયમી શાંતિ અને ચકાસણી : લાંબા ગાળાનાં ઉલ્લંઘનો ન થાય એની ખાતરી કરવા માટે કડક ચકાસણી પદ્ધતિ સ્થાપિત કરો.
ડોનલ્ડ ટ્રમ્પનો ૧૫ મુદ્દાનો પ્રસ્તાવ પાકિસ્તાને ઈરાનને સોંપ્યો
પાકિસ્તાને અમેરિકા તરફથી ઈરાનને ઔપચારિક રીતે ૧૫ મુદ્દાનો યુદ્ધવિરામ પ્રસ્તાવ પહોંચાડ્યો હતો, જે મધ્યપૂર્વ સંઘર્ષ તીવ્ર બનતાં બૅકચૅનલ ડિપ્લોમસીમાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. એક તરફ વૉશિંગ્ટન વાટાઘાટો માટે દબાણ કરી રહ્યું છે ત્યારે તેહરાને સીધી વાતચીતના વિચારને જાહેરમાં નકારી કાઢ્યો છે, જ્યારે પરોક્ષ સંદેશવ્યવહાર ચૅનલો સક્રિય બની છે. ઇસ્લામાબાદના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પ્રસ્તાવ પાકિસ્તાની મધ્યસ્થી દ્વારા ઈરાનને સોંપવામાં આવ્યો હતો, જે બે વિરોધીઓ વચ્ચે સંભવિત મધ્યસ્થી તરીકે ઇસ્લામાબાદની ઊભરતી ભૂમિકા પર ભાર મૂકે છે.
કુશનર કે વિટકૉફ સાથે નહીં, વાઇસ પ્રેસિડન્ટ જે. ડી. વૅન્સ સાથે વાટાઘાટો કરવા માગે છે ઈરાન
ઈરાની પ્રતિનિધિઓએ બુધવારે ટ્રમ્પ પ્રશાસનને જણાવ્યું હતું કે તેઓ અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકૉફ અને પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર સાથે વાટાઘાટો ફરી શરૂ કરવા માગતા નથી અને અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે. ડી. વૅન્સ સાથે વાતચીત કરવાનું પસંદ કરશે. આ મુદ્દે એક અહેવાલમાં જણાવાયું છે કે ઈરાન માને છે કે વિટકૉફ અને કુશનરને લગતી ચર્ચાઓ ફળદાયી રહેશે નહીં, કારણ કે ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન સામે લશ્કરી કાર્યવાહી શરૂ કરી એ પહેલાંની વાટાઘાટો તૂટી ગયા પછી હવે આ બે વ્યક્તિઓ સામે વિશ્વાસનો અભાવ છે. બીજી તરફ એક બીજા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિટકૉફ, કુશનર અને વિદેશપ્રધાન માર્કો રુબિયો કરતાં પણ યુદ્ધનો અંત લાવવા માગતા હોય એવા લોકોમાં જે. ડી. વૅન્સને વધુ સહાનુભૂતિશીલ માનવામાં આવે છે અને તેઓ આ યુદ્ધને ખરેખર સમાપ્ત કરવા માટે ઇરાદો ધરાવે છે.
ઈરાને પાકિસ્તાનના જહાજને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર ન થવા દીધું
એક તરફ અમેરિકાએ ૧૫ મુદ્દાનો પ્રસ્તાવ પાકિસ્તાન દ્વારા ઈરાનને સોંપ્યો છે, પણ ખુદ પાકિસ્તાનના એક જહાજને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી મળી નહોતી. આ મુદ્દે કાબુલમાં ઈરાની દૂતાવાસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી મેળવવામાં નિષ્ફળ ગયા બાદ ઈરાને પાકિસ્તાનના કરાચી જતું એક જહાજ પાછું મોકલી દીધું હતું. કન્ટેનર જહાજ સેલેનને ઇસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ્સ કૉર્ઝ (IRGC) નેવી દ્વારા કાનૂની પ્રોટોકૉલનું પાલન કરવામાં નિષ્ફળતા અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની પરવાનગીના અભાવને કારણે પાછું મોકલી દેવામાં આવ્યું હતું. આ જળમાર્ગ પરથી કોઈ પણ જહાજ પસાર થવા માટે ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાનના દરિયાઈ સત્તાવાળાઓ સાથે સંપૂર્ણ સંકલનની જરૂર છે.
IRGC નેવીએ પાછળથી પુષ્ટિ કરી કે એણે હસ્તક્ષેપ કર્યો હતો કારણ કે જહાજ કાનૂની પ્રોટોકૉલનું પાલન કરવામાં નિષ્ફળ ગયું હતું. અમેરિકા અને ઇઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે તેહરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે કેટલાંક જહાજો પાસેથી બે મિલ્યન ડૉલર (આશરે ૧૮.૮ કરોડ રૂપિયા) વસૂલવાનો નિર્ણય લીધો છે.
ઈરાની નૌસેનાનો દાવો : અમેરિકાના વૉરશિપ અબ્રાહમ લિન્કન પર મિસાઇલો છોડી
અમેરિકાની નૌસેનાએ તાત્કાલિક શિપની પોઝિશન બદલી નાખી, ઈરાને કહ્યું કે જો ફરી રેન્જમાં આવશે તો હુમલો કરીશું
ગઈ કાલે ઈરાને મોટો દાવો કરતાં કહ્યું હતું કે એની નૌસેનાએ અમેરિકાના સૌથી શક્તિશાળી વૉરશિપ અબ્રાહમ લિન્કનને નિશાન બનાવીને મિસાઇલો છોડી હતી. ઈરાનના તટવિસ્તારની ક્રૂઝ મિસાઇલોએ સમુદ્રમાં તહેનાત અબ્રાહમ લિન્કનને ટાર્ગેટ કર્યું હતું. આ હુમલો કરતાં પહેલાં જ ઈરાની નૌસેનાના પ્રમુખ શહરામ ઈરાનીએ અમેરિકાને ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘અમારી નજર અમેરિકન કૅરિયર સ્ટ્રાઇક શિપની દરેક ગતિવિધિ પર છે. જો આ વૉરશિપ અમારી મિસાઇલની રેન્જમાં આવી તો એના પર શક્તિશાળી હુમલા કરવામાં આવશે.’આ ચેતવણી આપ્યાના એક જ કલાકમાં ઈરાને USS અબ્રાહમ લિન્કનને નિશાન બનાવતી કાદેર ક્રૂઝ મિસાઇલો છોડી હતી. અલબત્ત, અમેરિકાની નૌસેનાએ તરત જ અબ્રાહમ લિન્કનની પોઝિશન બદલીને ઈરાનના કિનારાથી સેફ ડિસ્ટન્સ કરી લીધું હતું એવો ઈરાનનો દાવો છે. આ દાવા પર હજી સુધી અમેરિકા તરફથી આ વિશેની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ.
