Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ટ્રમ્પના સીઝફાયરના ડિસેપ્શનમાં શૅરબજારમાં સુધારાની આગેકૂચ

ટ્રમ્પના સીઝફાયરના ડિસેપ્શનમાં શૅરબજારમાં સુધારાની આગેકૂચ

Published : 26 March, 2026 09:11 AM | IST | Mumbai
Anil Patel

સેન્સેક્સમાં વધુ ૧૨૦૫ પૉઇન્ટની તેજી, માર્કેટકૅપમાં સવાઆઠ લાખ કરોડનો ઉમેરો : ઈરાને શત્રુ દેશ સિવાયના તમામ માટે હોર્મુઝ ખાડી પોતાની શરતોએ ખુલ્લી મૂકી, ક્રૂડના ભાવમાં નરમાઈ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


કી હાઇલાઇટ્સ

  1. ઇર્કોન તથા રેલ વિકાસ નિગમના મર્જરની સરકારની વિચારણા, બન્ને સહિત રેલવે શૅરોમાં સુધારાની ચાલ
  2. ફિનો પેમેન્ટ બૅન્ક આગલા દિવસના કડાકા પછી ઉપલી સર્કિટમાં બંધ
  3. બૅન્કિંગના ૪૧માંથી ૩૯ શૅર પ્લસ

વૉરને લઈને વૈશ્વિક મંચ ઉપર ગજબનો ડ્રામા શરૂ થઈ ગયો છે. ઈરાનની અન-નૉન લીડરશિપ સાથે ફળદાયી વાટાઘાટની વાત માંડી ટ્રમ્પે પાંચ દિવસના સીઝફાયરના વળતા દિવસે ૧૫ પૉઇન્ટ્સના પ્રોગ્રામ સાથે એક મહિનાનો યુદ્ધ-વિરામ જાહેર કરી દીધો છે. આને પગલે યુદ્ધ હવે જલદી બંધ થવાની આશા સર્વત્ર વહેતી થઈ છે. સામે પક્ષે ઈરાન સતત અને સદંતર નો-કૉમ્પ્રોમાઇઝના મૂડમાં છે. ટ્રમ્પ જૂઠાણાં ચલાવે છે, શાંતિ-પ્રસ્તાવ વિશેની કહેવાતી વાટાઘાટો તદ્દન તથ્યવિહોણી છે એમ વારંવાર કહી રહ્યું છે. ઇઝરાયલ સહિતના અન્ય ગલ્ફ દેશો ઉપર એના હુમલા અવિરત ચાલુ છે. દરમ્યાન ઈરાને હોર્મુઝ ખાડી જહાજોની અવરજવર માટે ખુલ્લી મૂકી છે, પરંતુ આ સુવિધા માત્ર નૉન હોસ્ટાઇલ દેશો અર્થાત્ અમેરિકા ઇઝરાયલની પડખે નથી, ઈરાન માટે હમદર્દી છે એવા દેશો પૂરતી જ છે. વળી આ અવરજવર ઈરાન નક્કી કરે એ શરતોને આધીન છે એવી પણ સ્પષ્ટતા કરાઈ છે. રૉઇટર્સનો એક અહેવાલ કહે છે કે સીઝફાયર અને ૧૫ મુદ્દાની ફૉર્મ્યુલાની વાતો કરતું અમેરિકા બીજુ બાજુ ગલ્ફમાં એની લશ્કરી હાજરી વધારી રહ્યું છે. હવાઈ માર્ગે વધુ ને વધુ મિલિટરી ખડકી રહ્યું છે. ગજબનો ખેલ ચાલી રહ્યો છે. આમ છતાં હોપ ફૅક્ટર કામે લાગતાં બ્રેન્ટ ક્રૂડ સાડાપાંચ ટકા ગગડી ૯૫ ડૉલર નીચે આવી ગયું છે. શૅરબજારો ઝડપી સુધારામાં છે. ગઈ કાલે એશિયા ખાતે જપાન પોણાત્રણ ટકા, થાઇલૅન્ડ સાડાત્રણ ટકા, સાઉથ કોરિયા દોઢ ટકા, તાઇવાન અઢી ટકા, ચાઇના સવા ટકો, હૉન્ગકૉન્ગ એક ટકો, સિંગાપોર પોણો ટકો, ઇન્ડોનેશિયા બે ટકા વધીને બંધ હતું. યુરોપ રનિંગમાં દોઢથી બે ટકા તો લંડન ફુત્સી એક ટકો ઉપર હતો. પાકિસ્તાની શૅરબજાર પોણાત્રણ ટકા કે ૪૧૬૦ પૉઇન્ટ વધી ૧,૫૮,૧૪૬ ચાલતું હતું. કૉમેક્સ ગોલ્ડ સાડાત્રણ ટકા વધી ૪૫૮૮ ડૉલર, હાજર સોનું બે ટકા વધીને ૪૫૬૮, ચાંદી સાડાપાંચ ટકાના ઉછાળે ૭૪ ડૉલર નજીક આવી ગઈ છે. ડૉલર સામે રૂપિયો ૯૩.૯૫ ખૂલી ૯૩.૯૦ આસપાસ દેખાયો છે.

સેન્સેક્સ ૧૩૭૨ પૉઇન્ટની આગલા દિવસની ઇનિંગ્સ આગળ વધારતાં ૫૮૪ પૉઇન્ટ પ્લસ, ૭૪,૬૫૨ ખૂલી છેવટે ૧૨૦૫ પૉઇન્ટની મજબૂતીમાં ૭૫,૨૭૩ તથા નિફ્ટી ૩૯૪ પૉઇન્ટ ઊંચકાઈ ૨૩,૩૦૬ બંધ થયો છે. શૅરઆંક નીચામાં ૭૪,૫૫૦ અને ઉપરમાં ૭૫,૮૫૦ થયો હતો. સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થ સાથે NSEમાં વધેલા ૨૪૨૬ શૅર સામે ૮૫૫ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૮.૨૫ લાખ કરોડના ઉમેરામાં ૪૩૧.૦૩ લાખ કરોડ થયું છે. સેન્સેક્સ નિફ્ટીના ૧.૬ ટકાની સામે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ૩.૩ ટકા, રિયલ્ટી અઢી ટકા, મેટલ અઢી ટકા, કૅપિટલ ગુડ્સ બે ટકા, ઑટો સવાબે ટકા, ટેલિકૉમ ૧.૪ ટકા, હેલ્થકૅર બે ટકા, FMCG બે ટકા, ફાઇનૅન્સ ૨.૨ ટકા, બૅન્ક નિફ્ટી ૨.૧ ટકા કે ૧૧૦૨ પૉઇન્ટ તો પીએસયુ બૅન્ક નિફ્ટી ૨.૭ ટકા વધ્યો છે. IT ઇન્ડેક્સ ૦.૩ ટકા સુધર્યો છે.



HDFC બૅન્ક ૨.૨ ટકાની આગેકૂચમાં ૭૮૨ બંધ આપી બજારને ૨૧૩ પૉઇન્ટ લાભદાયી નીવડી છે. સ્ટેટ બૅન્ક ૨.૯ ટકા અને ઍક્સિસ બૅન્ક અઢી ટકા વધીને કુલ ૧૭૫ પૉઇન્ટ ફળી છે. ICICI બૅન્ક ૦.૭ ટકો તો કોટક બૅન્ક ૧.૧ ટકા વધીને શ્રીરામ ફાઇનૅન્સ ૫.૮ ટકા, ટ્રેન્ટ ૩.૩ ટકા, ટાઇટન ૩.૫ ટકા, બજાજ ફાઇનૅન્સ ૩.૮ ટકા, અલ્ટ્રાટેક ૪.૪ ટકા, મહિન્દ્ર ત્રણ ટકા, લાર્સન ૩.૮ ટકા, સનફાર્મા ૨.૯ ટકા, તાતા સ્ટીલ ૩ ટકા, ઇન્ડિગો ૩.૫ ટકા, એશિયન પેઇન્ટસ ૨.૩ ટકા, અદાણી પોર્ટ્સ ૨.૩ ટકા, ગ્રાસિમ ૩.૯ ટકા, અદાણી એન્ટર ૩.૮ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૩.૪ ટકા વધી સેન્સેક્સ નિફ્ટીમાં મોખરે હતી. રિલાયન્સ નહીંવત્, ઇન્ફી નજીવી પ્લસ તથા TCS પોણો ટકા નરમ રહી છે. ટેક મહિન્દ્ર ૧.૭ ટકા ઘટી ૧૪૦૯ હતી.


એથનૉલના ભાવવધારાની શક્યતા, શુગર શૅર મજબૂત

સરકાર એની ૭૨.૮ ટકા માલિકીની રેલ વિકાસ નિગમ તથા ૬૫.૨ ટકા માલિકીની ઇર્કોન ઇન્ટરનૅશનલનું મર્જર કરવા સક્રિય બની હોવાના અહેવાલ છે. ગઈ કાલે રેલ વિકાસ નિગમ ઉપરમાં ૨૭૩ થઈ ૪ ટકા વધીને ૨૬૯ બંધ થઈ છે જ્યારે ઇર્કોન ઇન્ટરનૅશનનલ ૩ ગણા કામકાજમાં ૧૨૭ વટાવી ૪.૩ ટકાની મજબૂતીમાં ૧૨૪ હતી. ઇર્કોનના બેના શૅરની બુકવૅલ્યુ ૬૯.૫૦ નજીકની છે. તો રેલ વિકાસ નિગમનો ૧૦નો શૅર ૪૭ પ્લસની બુક વૅલ્યુ ધરાવે છે. ઇર્કોનનું માર્કેટકૅપ ૧૧૬૪૩ કરોડનું અને રેલવિકાસ નિગમનું માર્કેટકૅપ ૫૬,૦૨૪ કરોડ છે. IRFC અઢી ટકા વધી ૯૫, આઇઆરસીટીસી ૧.૭ ટકા વધી ૫૨૪, BEML ૩.૭ ટકા વધી ૧૫૦૦, ટિટાગર રેલ સવાબે ટકા વધી ૬૨૯, જ્યુપિટર વેગન્સ પોણો ટકો સુધરી ૨૬૧, ટેક્સમાકો રેલ નજીવો ઘટી ૮૮, કારનેક્સ માઇક્રો સવા ટકો વધી ૯૩૮ તો હિન્દ રેક્ટિફાયર્સ પાંચ ટકા ઊછળીને ૧૫૮૫ બંધ થઈ છે.


ક્રૂડના વધતા ભાવથી એથનૉલના ઉત્પાદકો પણ લાભમાં રહેવાની ગણતરી પાછળ શુગર શૅરોમાં વધઘટે કરન્ટ ચાલુ છે. ગઈ કાલે ઉદ્યોગના ૩૪માંથી ૨૮ શૅર પ્લસ હતા. સરશાદી લાલ પાંખા કામકાજે ઉપરમાં ૨૬૬ બતાવી ૯.૬ ટકા ઊંચકાઈ ૨૫૩ થઈ છે. ત્રિવેણી એન્જિનિયરિંગ આઠ ટકા, બલરામપુર ચીની ૬.૨ ટકા, અવધ શુગર ૩.૩ ટકા, ઝુખારી ઇન્ડસ્ટ્રીઝ ૪.૬ ટકા પોનીઇરોડ ૪.૨ ટકા, ઉગર શુગર ૫.૮ ટકા, દ્વારકેશ શુગર ૬.૭ ટકા, શ્રી રેણુકા શુગર ૩.૩ ટકા, દાલમિયા શુગર ૬.૬ ટકા, બજાજ હિન્દુસ્તાન ૩ ટકા, મગધ શુગર ૨.૮ ટકા, મવાણા શુગર સવા ટકો, ઉત્તમ શુગર ૬.૧ ટકા મીઠી બની છે. SBEL શુગર સવાત્રણ ટકા અને રાવલગાંવ ૨.૮ ટકા ડાઉન હતી.

નોવસ લૉયલ્ટીમાં નજીવો લિસ્ટિંગ ગેઇન, ઇનોવિઝન વધ્યો

હરિયાણાના ગુડગાંવની નોવસ લૉયલ્ટી ૧૦ના શૅરદીઠ ૧૪૬ની ઇશ્યુ પ્રાઇસ અને ઝીરો પ્રીમિયમ સામે ગઈ કાલે BSEમાં ૧૪૬ ખૂલી નીચલી સર્કિટમાં ૧૩૯ નીચે જઈને ૧૪૯ બંધ થતાં એમાં ૧.૯ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. આગલા દિવસે સવાઅગિયાર ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૩૫૬ બંધ થયેલી અમદાવાદી GSP ક્રૉપ સાયન્સિસ ગઈ કાલે ૩૭૫ નજીક નવી ટૉપ બનાવી ૨.૭ ટકા ગગડી ૩૪૬ રહી છે. ઇનોવિઝન ઉપરમાં ૩૮૪ વટાવી ૪.૯ ટકા વધીને ૩૭૪ થઈ છે.

મેઇનબોર્ડમાં જે ૩ ભરણાં મંગળવારે ખૂલ્યાં છે એમાં મુંબઈની પાવરિકા લિમિટેડનો પાંચના શૅરદીઠ ૩૯૫ના ભાવનો ૧૧૦૦ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ચાર ટકા, સાંઈ પેરન્ટલ્સનો પાચંના શૅરદીઠ ૩૯૨ના ભાવનો ૪૦૯ કરોડનો ઇશ્યુ કુલ ૪૦ ટકા તથા નવી દિલ્હીની અમીરચંદ જગદીશકુમાર એક્સપોર્ટ્‍સનો ૧૦ના શૅરદીઠ ૨૧૨ના ભાવનો ૪૪૦ કરોડનો ઇશ્યુ દોઢગણો ભરાયો છે. હાલ પાવરકામાં ૩ રૂપિયા, સાંઈ પેરન્ટલ્સમાં ઝીરો તથા અમીરચંદમાં ૭ રૂપિયા પ્રીમિયમ ગ્રેમાર્કેટમાં બોલાય છે.

SME સેગમેન્ટમાં નવી મુંબઈની વિવિડ ઇલેક્ટ્રોમેકનો ૧૩૧ કરોડનો NSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં એક ટકા સહિત કુલ ૪૦ ટકા ભરાયો છે. પ્રીમિયમ શરૂ થયું નથી. મુંબઈના અંધેરીની હાઇનેસ માઇક્રો ઇલેક્ટ્રૉનિક્સનો ૧૦ના શૅરદીઠ ૧૨૦ના ભાવનો ૨૨ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ આઠગણો ભરાઈ ગયો છે. પ્રીમિયમ ૨૮ ચાલે છે. જ્યારે ટિપ્કો એન્જિનિયરિંગનો ૧૦ના શૅરદીઠ ૮૯ના ભાવનો ૬૧ કરોડનો BSE SME ઇશ્યુ આખા દિવસે રીટેલમાં ૬૫ ટકા સહિત કુલ ૧.૭ ગણો ભરાઈ પૂરો થયો છે. પ્રીમિયમ પહેલેથી ઝીરો છે. સેન્ટ્રલ માઇનસમા પ્રીમિયમ વધીને અત્યારે ૯ રૂપિયા થઈ ગયું છે.

જયપુરની એમિયાક ટેક્નૉલૉજીઝ શુક્રવારે SME IPO લાવશે

શુક્રવારે જયપુરની એમિયાક ટેક્નૉલૉજીઝ ૧૦ના શૅરદીઠ ૯૮ રૂપિયાની અપરબૅન્ડમાં કુલ ૩૨ કરોડનો BSE SME ઇશ્યુ કરવાની છે. ઇશ્યુમાં માર્કેટમેકર માટે બે કરોડના શૅર અલગ રખાયા છે. QIB પોર્શન ૪૬.૭ ટકા તથા રીટેલ પોર્શન ૩૩.૭ ટકા છે. કંપની ડિજિટલ માર્કેટિંગ સેગમેન્ટમાં કામ કરે છે. કંપનીએ ગયા વર્ષે ૨૭૨ ટકા વધારામાં ૨૦૦૬ લાખની આવક ઉપર ૪૦૨ ટકા વૃદ્ધિદરથી ૪૨૨ લાખ નેટ નફો બતાવ્યો છે. ચાલુ વર્ષના પ્રથમ ૬ મહિનામાં આવક ૧૪૪૯ લાખ અને નફો ૪૫૫ લાખ દર્શાવી દીધો છે. દોઢ વર્ષ પહેલાં દેવું શૂન્ય હતું. આજે એ ૧૩૦ લાખ છે. ઇશ્યુમાંથી કંપની ૫૭૨ લાખના કૉમ્પ્યુટર્સ, લૅપટૉપ તથા અન્ય સંબંધિત સામગ્રી ખરીદશે. ૫૪૨ લાખ રૂપિયા નવા માણસોની ભરતી કરવા પાછળ વાપરશે તથા ૮૮૦ લાખ વર્કિંગ કૅપિટલ પેટે કામમાં લેશે. ૩૯૦ લાખ રૂપિયા બ્રાન્ડિંગ કરવા અને જાહેરખબર કરવામાં ખર્ચી નાખશે. કંપનીના પે-રોલ ઉપર હાલ ૩૮ માણસ છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર બહુધા ૩.૯૦ રૂપિયા છે. ઇશ્યુ બાદ ૯ કરોડની ઇક્વિટી વધીને ૧૨૨૪ લાખ થશે. ગયા વર્ષની સુપર અર્નિંગ પછી ઇશ્યુ પ્રાઇસ ૨૮.૫નો પીઇ બતાવે છે અને ચાલુ વર્ષના ૬ મહિનામાં છપ્પર ફાડ નફા પછી પીઇ ૧૩.૨નો બેસે છે. પિઅર ગ્રુપમાં જયપુરની એડકાઉન્ટી મીડિયા વર્ષ ૬૯ કરોડની આવક ઉપર ૧૩૭૫ લાખનો નફો કરે છે એનો શૅર હાલ ૧૩૩ના ભાવે ૧૪.૪ના પીઇ ઉપર મળે છે. આ કંપની ગયા વર્ષે જૂનમાં ૧૦ના શૅરદીઠ ૮૫ના ભાવે ૫૧ કરોડનો BSE SME IPO લાવી હતી. બીજી કંપની મેકપોઝર લિમિટેડ જે નવી દિલ્હીની છે એ જાન્યુઆરી ૨૦૨૪માં ૧૦ના શૅરદીઠ ૩૩ના ભાવે ૨૦ કરોડનો NSE SME IPO લાવી હતી. વર્ષે ૫૪ કરોડ રૂપિયાની આવક ઉપર ૮૩૮ લાખ નફો કરતી આ કંપની હાલ ૩૫ રૂપિયામાં ૧૦.૪ના પીઇમાં મળે છે. મેક્સ પોઝરનો ઇશ્યુ ૯૮૭ ગણો છલકાયો હતો. લિસ્ટિંગ ૧૪૫ના ભાવે થયું હતું.

એક્સ બોનસની પૂર્વસંધ્યાએ હિન્દ રેક્ટિફાયર્સ મજબૂત

હિન્દ રેક્ટિફાયર્સ ૨૭મીએ શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસ થવાની હોવાથી શૅર ત્રણગણા કામકાજે ગઈ કાલે ઉપરમાં ૧૬૨૫ થઈ પાંચ ટકા ઊંચકાઈ ૧૫૮૫ બંધ થયો છે. મુંબઈના ભાંડુપ ખાતેની કંપનીનું આ ચોથું બોનસ છે. મેનબ્રો ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરના એકમાં વિભાજનમાં એક્સ સ્પ્લિટ થતાં ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૯૫ નજીક જઈને ત્યાં જ બંધ થઈ છે. વીટુ રીટેલ ૧૦ના શૅરના એકમાં વિભાજનમાં એક્સ સ્પ્લિટ થતાં ઉપરમાં ૨૨૦ નજીક જઈ ૧.૪ ટકાના કરન્ટમાં ૧૯૪ થઈ છે. દિલ્હીની અવાક્સ અપૅરલ્સ ૧૦ના શૅરના પાંચ રૂપિયામાં વિભાજનમાં ૨૭મીએ એક્સ સ્પ્લિટ થશે. શૅર ઉપરમાં ૩૩૦ બતાવી ૪.૮ ટકા વધી ત્યાંજ  છે. રીગલ એન્ટરટેઇનમેન્ટ ૧૦ શૅરદીઠ ૧૯ શૅરના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૧૪ના ભાવથી રાઇટમાં એક્સ રાઇટ થતાં ગઈ કાલે પાંચ ટકા વધીને ૨૨.૨૦ હતી.

અગાઉ ફિલિપ્સ કાર્બન બ્લૅક તરીકે ઓળખાતી PCBL કેમિક્સ ૪૦ ગણા કાકાજે ઉપરમાં ૨૭૭ બતાવી ૧૫.૯ ટકા ઊછળીને ૨૭૦ બંધમાં એ-ગ્રુપમાં ઝળકી છે. અવાન્ટેલ સાડાસાત ટકા, બિરલા કૉર્પ ૧૦.૩ ટકા, ગૉડફ્રે ફિલિપ્સ ૮.૬ ટકા, દીપક ફર્ટિલાઇઝર્સ ૭.૮ ટકા ઊંચકાઈ છે. એથર ઇન્ડસ્ટ્રીઝ નીચામાં ૧૧૪૧ થઈ સાડાપાંચ ટકા ગગડી ૧૧૫૭ રહી છે. મેટ્રોપૉલિશ હેલ્થકૅર પોણાત્રણ ટકા, વનસોર્સ સ્પેશ્યલિટીઝ ૭ ટકા, આલ્કલી એમાઇન્સ ૩.૫ ટકા ડાઉન હતી.

ગઈ કાલે બૅન્કિંગના ૪૧માંથી ૩૯ શૅર પ્લસ હતા. આગલા દિવસે ૨૦ ટકા તૂટેલી ફિનો પેમેન્ટ બૅન્ક ૧૦ ટકાની નવી લિમિટમાં ઉપલી સર્કિટે ૧૨૩ નજીક બંધ આવી છે. ઉજ્જીવન બૅન્ક ૫.૭ ટકા, ઇન્ડિયન બૅન્ક સાડાચાર ટકા, સાઉથ ઇન્ડિયન બૅન્ક સવાછ ટકા, સિટી યુનિયન બૅન્ક પાંચ ટકા, કરુર વૈશ્ય સવાચાર ટકા પ્લસ હતી. તમામ સરકારી બૅન્કો તથા ૨૦માંથી ૨૦ ખાનગી બૅન્કો વધીને બંધ હતી. 

Whatsapp-channel Whatsapp-channel

26 March, 2026 09:11 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK