ચીનમાં વસ્તીની દૃષ્ટિએ બીજા નંબરના પ્રાંત શેનડોંગના બ્લડ સેન્ટરે તાજેતરમાં બે બ્લડ ટાઇપ્સના અપૂરતા સ્ટોરેજને લઈને રેડ અલર્ટ વૉર્નિંગ ઇશ્યુ કરી હતી
પ્રતીકાત્મક તસવીર
બીજિંગ : ચીનમાં કોરોનાના કેસમાં થયેલા અત્યંત વધારાના કારણે અહીં અનેક પ્રાંત અને શહેરોની હૉસ્પિટલોમાં લોહીની શૉર્ટેજ સર્જાઈ છે, જેનાથી આ દેશના આરોગ્યતંત્રે કેવા પડકારોનો સામનો કરવો પડે છે એનો ખ્યાલ આવે છે. ચીનમાં વસ્તીની દૃષ્ટિએ બીજા નંબરના પ્રાંત શેનડોંગના બ્લડ સેન્ટરે તાજેતરમાં બે બ્લડ ટાઇપ્સના અપૂરતા સ્ટોરેજને લઈને રેડ અલર્ટ વૉર્નિંગ ઇશ્યુ કરી હતી.
સરકારી મીડિયાએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે કોરોના અને ઠંડીના કારણે બહુ થોડા લોકો ઘરની બહાર પગ મૂકે છે. બીજી તરફ યુનિવર્સિટીઓમાં વહેલી રજાઓ આપી દેવાના કારણે પણ સ્ટુડન્ટ ડોનર્સની સંખ્યા ઘટી છે. ચીનના એક સીનિયર આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે ચીનના એક જ સિટીમાં પાંચ લાખ જેટલા લોકો દરરોજ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. ચીનનાં શહેરો કોરોનાની મહામારીની ભયાનકતાનો સામનો કરી રહ્યા છે. જ્યાં ફાર્મસી સ્ટૉર્સ તો ખાલી છે, પરંતુ હૉસ્પિટલો દરદીઓથી ઊભરાઈ રહી છે. આ દેશમાં છેલ્લા ૨૦ દિવસમાં ૨૫ કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.


