Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકાએ આઝાદીના ૨૫૦મા વર્ષે ફિલાડેલ્ફિયામાં ૧૦ ફુટ ઊંડે દફનાવી ખાસ ટાઇમ કૅપ્સ્યુલ

અમેરિકાએ આઝાદીના ૨૫૦મા વર્ષે ફિલાડેલ્ફિયામાં ૧૦ ફુટ ઊંડે દફનાવી ખાસ ટાઇમ કૅપ્સ્યુલ

Published : 06 July, 2026 11:08 AM | IST | Philadelphia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડબલ લેયર સુરક્ષા  આ કૅપ્સ્યુલની સુરક્ષા માટે બહાર એક વધારાનું સ્ટીલનું સિલિન્ડર પણ લગાવવામાં આવ્યું છે

ફિલાડેલ્ફિયામાં શનિવારે જમીનની અંદર ટાઇમ કૅપ્સ્યુલ દાટવામાં આવી હતી.

ફિલાડેલ્ફિયામાં શનિવારે જમીનની અંદર ટાઇમ કૅપ્સ્યુલ દાટવામાં આવી હતી.


અમેરિકાની આઝાદીનાં ૨૫૦ વર્ષ પૂરાં થવાના ઐતિહાસિક અવસરે અમેરિકાએ ભવિષ્યની પેઢીઓ માટે એક અનોખો અને અમૂલ્ય દસ્તાવેજ તૈયાર કર્યો હતો. રવિવારે ૪ જુલાઈએ ફિલાડેલ્ફિયાના ઇન્ડિપેન્ડન્સ નૅશનલ હિસ્ટોરિકલ પાર્કમાં આશરે ૪૦૮ કિલો વજનની એક સ્પેશ્યલ ટાઇમ કૅપ્સ્યુલ જમીનની અંદર ૧૦ ફુટ ઊંડે દફનાવવામાં આવી હતી. આ કૅપ્સ્યૂલ બરાબર ૨૫૦ વર્ષ બાદ એટલે કે ૨૨૭૬માં ખોલવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ માત્ર વસ્તુઓ સુરક્ષિત રાખવાનો નથી, પરંતુ ૨૦૨૬ના અમેરિકાની વિચારસરણી, અદ્યતન ટેક્નૉલૉજી, સંસ્કૃતિ અને સામાજિક જીવનની આબેહૂબ ઝલક આગામી પેઢીઓ સુધી પહોંચાડવાનો છે.

ઐતિહાસિક સ્થળની પસંદગી  ફિલાડેલ્ફિયા શહેરમાં જ ૧૭૭૬ની ૪ જુલાઈએ અમેરિકાના સ્વતંત્રતા ઘોષણાપત્રને મંજૂરી મળી હોવાથી આ સ્થળને અમેરિકન લોકશાહી અને આઝાદીના પ્રતીક તરીકે પસંદ કરવામાં આવ્યું છે.



અનોખી વસ્તુઓનો સંગ્રહ  કૅપ્સ્યુલમાં દેશનાં તમામ ૫૦ રાજ્યો અને સામાન્ય નાગરિકોની ભાગીદારીથી પસંદ કરાયેલી વસ્તુઓ જેવી કે વ્હેલનું હાડકું, દુનિયાના સૌથી મોટા જિપ્સમ રણની રેતી અને રાઇટ બ્રધર્સના ઐતિહાસિક વિમાનનું કાપડ રાખવામાં આવ્યાં છે.


ભવિષ્યની ટેક્નૉલૉજી અને દસ્તાવેજ  આજના સમયની ઓળખ આપવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ને લગતી ભવિષ્યવાણીઓ અને મહત્ત્વના ઐતિહાસિક દસ્તાવેજો પણ સામેલ કરવામાં આવ્યા છે.

ખાસ વૈજ્ઞાનિક ડિઝાઇન  સદીઓ સુધી ભેજ, પાણી અને કાટથી સુરક્ષિત રાખવા માટે આ કૅપ્સ્યુલને ખાસ સ્ટેનલેસ સ્ટીલમાંથી નળાકાર આકારમાં બનાવવામાં આવી છે, કારણ કે નળાકાર રચનાના ખૂણા ન હોવાથી એના પર દબાણ ઓછું આવે છે.


ઍર-ટાઇટ સીલિંગ  કૅપ્સ્યુલને સીલ કરવા માટે ઇન્ડિયમ નામની દુર્લભ અને અત્યંત મુલાયમ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ઢાંકણ બંધ કરતી વખતે ઝીણામાં ઝીણી દરારને પણ ભરી દઈને હવા-પાણીનો પ્રવેશ અટકાવે છે.

આંતરિક વાતાવરણનું નિયંત્રણ  કૅપ્સ્યુલની અંદર ભેજનું પ્રમાણ આશરે ૩૫ ટકા જેટલું સચોટ રીતે નિયંત્રિત રાખવામાં આવ્યું છે, જેથી અંદર રાખેલા કાગળો અને અન્ય સામગ્રી લાંબા સમય સુધી સડી ન જાય.

ડબલ લેયર સુરક્ષા  આ કૅપ્સ્યુલની સુરક્ષા માટે બહાર એક વધારાનું સ્ટીલનું સિલિન્ડર પણ લગાવવામાં આવ્યું છે, જે ગમે એવા પૂર કે ભૂગર્ભ જળના સ્તરમાં વધારા સામે પણ વસ્તુઓને સદીઓ સુધી અડીખમ રાખશે.

Whatsapp-channel Whatsapp-channel

06 July, 2026 11:08 AM IST | Philadelphia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK