પાકિસ્તાનના બલૂચિસ્તાનના લ્યારી તાલુકાના મકરાણાના તટીય ક્ષેત્રમાં આવેલા હિંગળાજ માતાજીના મંદિરમાં નવરાત્રિની આઠમે વાજતેગાજતે હિંગળાજ માતાજીની મૂર્તિ સામે ભક્તિભાવથી શ્રીયંત્ર મુકાયું ઃઅન્ય શક્તિપીઠોમાં પણ શ્રીયંત્રની પ્રતિકૃતિ મુકાશે
પાકિસ્તાનમાં આવેલા શક્તિપીઠ હિંગળાજ માતાજીના મંદિરે નવરાત્રિની આઠમે હિંગળાજ માતાજીની મૂર્તિ સામે શ્રીયંત્રની પ્રતિકૃતિની સ્થાપના કરવામાં આવી હતી
આદ્યશક્તિ જગતજનનીનાં નવલાં નોરતાં દરમ્યાન પહેલી વાર એવી ધાર્મિક ઘટના બની હતી જેમાં અમદાવાદના માઈભક્ત દીપેશ પટેલે બનાવેલું શ્રીયંત્ર પાકિસ્તાનમાં આવેલા હિંગળાજ માતાજીના શક્તિપીઠમાં સ્થાપિત થયું છે. પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આવેલા હિંગળાજ માતાજીના મંદિરમાં નવરાત્રિની આઠમે માઈભક્તોએ વાજતેગાજતે હિંગળાજ માતાજીની મૂર્તિ સામે ભક્તિભાવથી શ્રીયંત્ર મૂકીને હિંગળાજ માતાજીનો જયઘોષ કર્યો હતો.
અમદાવાદના જયભોલે ગ્રુપના દીપેશ પટેલે સોના, ચાંદીસહિત પંચધાતુમાંથી શક્તિપીઠ અંબાજીમાં મૂકવા વિશ્વનું સૌથી મોટુ શ્રીયંત્ર બનાવ્યું છે અને બીજાં ૫૦ શક્તિપીઠોમાં એની પ્રતિકૃતિ મૂકવાનો સંકલ્પ કરીને શ્રીયંત્રો બનાવ્યાં છે. પાકિસ્તાનસ્થિત હિંગળાજ માતાજીના મંદિરના ટ્રસ્ટી તાજેતરમાં અમદાવાદ આવ્યા ત્યારે તેમણે આ શ્રીયંત્રની પ્રતિકૃતિ તેમને આપીને મંદિરમાં સ્થાપના કરવાની ઇચ્છા દર્શાવી હતી, જે પૂરી કરાતાં દીપેશ પટેલના આનંદનો પાર નથી રહ્યો.
ADVERTISEMENT
શક્તિપીઠ હિંગળાજ માતાજીના મંદિરે શ્રીયંત્ર મોકલવા પાછળનું કારણ જણાવતાં અમદાવાદના દીપેશ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિશ્વ-કલ્યાણ અને શાંતિના હેતુથી શક્તિપીઠ અંબાજીમાં વિશ્વનું સૌથી મોટું સાડાચાર ફુટ ઊંચું સોના, ચાંદીસહિત પંચધાતુમાંથી બનેલું શ્રીયંત્ર સ્થાપિત કરવાના છીએ ત્યારે અન્ય ૫૦ શક્તિપીઠોમાં પણ શ્રીયંત્રની રિપ્લિકા મૂકવાનો સંકલ્પ લીધો હતો. ત્રિપુરામાં આવેલું લલિતા ત્રિપુરા સુંદરીદેવીના શક્તિપીઠમાં જઈને અમે શ્રીયંત્રનું સ્થાપન કર્યું હતું. પાકિસ્તાનમાં આવેલા હિંગળાજ માતાજીના શક્તિપીઠનાં ટ્રસ્ટી ત્રણ મહિના પહેલાં અમદાવાદ આવ્યાં હતાં એની જાણ થતાં હું તેમને મળ્યો હતો અને પાકિસ્તાનમાં આવેલા શક્તિપીઠ હિંગળાજ માતાજીના મંદિરમાં શ્રીયંત્ર સ્થાપન કરવાની ઇચ્છા દર્શાવી હતી. તેઓ શ્રીયંત્ર ખુશીથી લઈ ગયાં હતાં અને કહ્યું હતું કે આ શ્રીયંત્રની નવરાત્રિમાં સ્થાપના કરીશ. તેમણે નવરાત્રિની આઠમે મંદિરમાં શ્રીયંત્રની સ્થાપના કરી છે એનો અમને આનંદ છે. આપણે પાકિસ્તાન જઈ શક્તા નથી, પરંતુ ત્યાંના શક્તિપીઠમાં શ્રીયંત્ર મૂકવાનો સંકલ્પ કર્યો હતો એ પૂરો થયો છે. અમે બનાવીને મોકલાવેલા શ્રીયંત્રની પાકિસ્તાનમાં પહેલી વાર બલૂચિસ્તાનમાં આવેલા શક્તિપીઠ હિંગળાજ માતાજીના મંદિરમાં સ્થાપના થઈ એનો આનંદ છે. માતાજીના મંદિરમાં શ્રીયંત્રની પ્રતિકૃતિની ધામધૂમથી સ્થાપના કરી એના ફોટા અને વિડિયો ટ્રસ્ટીએ મોકલી આપ્યા હતા.’

સૌથી મોટા શ્રીયંત્ર પાસે હાથમાં શ્રીયંત્રની પ્રતિકૃતિ સાથે દીપેશ પટેલ
શ્રીયંત્રની પ્રતિકૃતિ મૂકવા પાછળનું કારણ જણાવતાં દીપેશ પટેલે કહ્યું હતું કે ‘શ્રીયંત્રથી એક પ્રકારે પૉઝિટિવ ઊર્જા મળે છે. ૫૧ શક્તિપીઠોમાં શ્રીયંત્ર મૂકવાનો સંકલ્પ પૂરો થશે ત્યારે શક્તિપીઠોની શક્તિનું બ્રહ્યાંડની શક્તિ સાથે મિલન થશે અને એક પ્રકારથી દિવ્ય શક્તિનું સર્જન થશે, બ્રહ્યાંડની શક્તિનું સર્જન થશે જેના થકી વિશ્વની શાંતિ અને કલ્યાણના ભાવ સાથે શ્રીયંત્રનું સ્થાપન કરવાનું શરૂ કર્યું છે.’
પાકિસ્તાનમાં સતીમાતાનું માથું પડ્યું હતું
પાકિસ્તાનમાં બલૂચિસ્તાન પ્રાંતમાં કરાંચીથી ૧૨૦ કિમી. દૂર ઉત્તર–પશ્ચિમ દિશામાં હિંગોલ નદીના તટ પર લ્યારી તાલુકાના મકરાણાના તટીય ક્ષેત્રમાં હિંગળાજ માતાજીનું મંદિર આવેલું છે. ૫૧ શક્તિપીઠોમાંનું આ એક શક્તિપીઠ છે. સતીમાતાના શરીરના ૫૧ ટુકડા થયા એમાંથી સતીમાતાનું બ્રહ્મરંધ્ર એટલે કે માથું અહીં પડ્યું હતું. પાકિસ્તાનમાં રહેતા હિન્દુ પરિવારો અહીં માતાજીનાં દર્શન કરવા આવે છે. નવરાત્રિ-પર્વ સહિતના તહેવારોમાં એનાં દર્શન કરીને તેઓ ધન્યતા અનુભવે છે.


