ગીર ગઢડા પંથકમાં કમોસમી વરસાદ : કેરી, કઠોળ સહિતના પાકને નુકસાનની ભીતિ, ત્રણ દિવસ દરમ્યાન દક્ષિણ, ઉત્તર ગુજરાત તેમ જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કમોસમી વરસાદ ગુજરાતનો પીછો નથી છોડતો. ભરઉનાળે ગઈ કાલે પણ ગીર ગઢડા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને કેરી, કઠોળ સહિતના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ હતી.
ગીર ગઢડામાં આવેલાં ઝાંખિયા, થોરડી, બાબરિયા સહિતનાં ગામોમાં ગઈ કાલે ભારે પવન ફૂંકાયો હતો અને ગ્રામજનો કંઈ સમજે એ પહેલાં કમોસમી વરસાદનું ઝાપટું તૂટી પડ્યું હતું. વરસાદને પગલે કેટલાય ખેડૂતોના ખેતરમાં વરસાદનાં પાણી ભરાઈ ગયાં હતાં. આટલું ઓછું હોય એમ હજી પણ ગુજરાતમાં ૨૬, ૨૭ અને ૨૮ એપ્રિલ દરમ્યાન કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ૨૬ એપ્રિલે દાહોદ, તાપી, ડાંગ અને નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડી શકે છે. ૨૭ એપ્રિલે દાહોદ, તાપી, ડાંગ, નર્મદા ઉપરાંત અમરેલી, રાજકોટ અને કચ્છ જિલ્લામાં અને ૨૮ એપ્રિલે ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ અને કચ્છમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.


