દક્ષિણ ગુજરાતમાં સુરત ઉપરાંત વલસાડ, નવસારી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુર તેમ જ વડોદરા શહેરમાં પણ કમોસમી વરસાદ પડતાં પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં પ્રસરી
સુરતના લિંબાયત વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જેના કારણે વાહનવ્યવહાર થોડાક સમય માટે થંભી ગયો હતો.
ગુજરાતમાં ગઈ કાલે સુરતમાં જાણે કે ઉનાળે ચોમાસું બેઠું હોય એમ મેઘાવી માહોલ સર્જાયો હતો અને ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો. માત્ર સુરત શહેરમાં જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લો, વલસાડ, નવસારી, ડાંગ ઉપરાંત વડોદરા, દાહોદ, છોટાઉદેપુર પંથકમાં પણ કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા.
સુરત શહેરમાં ગઈ કાલે બે સેશનમાં કમોસમી વરસાદ પડતાં શહેરમાં ઠંડક પ્રસરી હતી. સુરતના અઠવાલાઇન્સ, પાર, અડાજણ, લિંબાયત, મોટા વરાછા, પાંડેસરા, ઊધના, ડીંડોલી સહિતના વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે કમોસમી વરસાદ પડ્યો હતો. વરાછા વિસ્તારમાં જવાહરનગર પાસે નારિયેળીના વૃક્ષ પર વીજળી પડતાં વૃક્ષ પર આગ લાગી હતી. અચાનક પડેલા વરસાદથી સુરતવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે કમોસમી વરસાદના પગલે સુરતવાસીઓને બફારામાંથી છુટકારો મળ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો : ગીરમાં સિંહની તરસ છિપાવવા પીવાના પાણીના ૪૫૧ કૃત્રિમ કુંડ
સુરત ઉપરાંત સુરત જિલ્લાના બારડોલી, પલસાણા, મહુવા, માંગરોળ સહિતના પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. સુરત જિલ્લા ઉપરાંત વલસાડ, નવસારી, ડાંગના સુબીર તેમ જ નર્મદા, વડોદરા, દાહોદ અને છોટાઉદેપુર પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના પગલે કેરી, ચીકુ, ડાંગર તેમ જ ભીંડા, વાલોળ સહિતની શાકભાજીના પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં પ્રસરી હતી. માવઠાના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

સુરતના વરાછા વિસ્તારમાં જવાહરનગર પાસે નારિયેળીના વૃક્ષ પર વીજળી પડતાં વૃક્ષ પર આગ લાગી હતી.


