અમદાવાદમાં બુધવારે મોડી સાંજે બનેલી આ ઘટનામાં બે સગીરની ડેડ-બૉડી મળી, એકની તપાસ ચાલુ : બ્રેકની જગ્યાએ એક્સેલરેટર દબાઈ જવાથી અકસ્માત થયો હોવાની શંકા
કનૅલ તરફ આગળ ધપતી (ઉપર) અને પછી પાણીમાંથી બહાર કાઢવામાં આવેલી ગાડી.
અમદાવાદમાં રીલ બનાવવાની ઘેલછામાં બે કિશોરોએ જીવ ગુમાવવો પડ્યો છે. ૩૫૦૦ રૂપિયામાં ગાડી ભાડે લઈને રીલ બનાવવા જતાં એ કનૅલમાં ખાબકી હતી અને બે કિશોરનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે અન્ય એક યુવાનની ડેડ-બૉડી ગઈ કાલે રાત સુધી મળી નહોતી. આ ગમખ્વાર અકસ્માતમાં પોલીસે એવી આશંકા વ્યક્ત કરી છે કે બ્રેકની જગ્યાએ એક્સેલરેટર દબાઈ જવાથી અકસ્માત થયો હશે.
ADVERTISEMENT
બુધવારે સાંજના સમયે યશ સોલંકી, યક્ષ ભંકોડિયા તેમ જ ક્રિશ દવે તેમના અન્ય મિત્રો સાથે અમદાવાદમાં વાસણા વિસ્તારમાં ફતેવાડી કનૅલ પર રીલ બનાવવા ગયા હતા. આ મિત્રોએ ૩૫૦૦ રૂપિયામાં ચાર કલાક માટે કાર ભાડે લીધી હતી. અકસ્માત થયો ત્યારે યશ સોલંકી, યક્ષ ભંકોડિયા અને ક્રિશ દવે કારમાં હતા અને કનૅલ રોડ પરથી અચાનક કાર કનૅલમાં ખાબકી હતી. આ ઘટના બનતાં અન્ય મિત્રો હેબતાઈ ગયા હતા. દરમ્યાન, આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ કૉન્સ્ટેબલ મનોજ મકવાણા તેમ જ મિત્રો અને અન્ય કેટલાક યુવાનોએ કનૅલમાં કૂદીને કારમાં તપાસ કરી હતી. જોકે તેમને કારમાંથી કોઈ મળી આવ્યું નહોતું. કાર કનૅલમાં ખાબકી ત્યારે એમાં ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો એટલે કારની બારીમાંથી આ મિત્રોએ બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હોય અને ધસમસતા પાણીમાં તેઓ તણાઈ ગયા હોય. પોલીસે પાણીના પ્રવાહને બંધ કરાવીને ડૂબી ગયેલા કિશોરોની શોધખોળ કરી હતી. એમાં ઘટનાસ્થળથી થોડે દૂરથી યક્ષનો તેમ જ તેનાથી થોડે દૂર યશનો મૃતદેહ મળ્યો હતો, જ્યારે ક્રિશ દવેનો મૃતદેહ મળ્યો નહોતો.
પોલીસ અધિકારી શિવમ વર્માએ મીડિયાને કહ્યું હતું કે ‘કારમાં બે માઇનર હતા. તેમની ડેડ-બૉડી મળી છે, જ્યારે એક યુવાનની તપાસ ચાલુ છે. બે સગીરમાંથી એક સગીર ડ્રાઇવિંગ-સીટ પર બેઠો હતો. આ મિત્રો કાર ભાડે લઈને આવ્યા હતા. CCTV કૅમેરાનું ફુટેજ જોતાં લાગી રહ્યું છે કે ચાલકે બ્રેકની જગ્યાએ એક્સેલરેટર પર પગ દબાવી દેતાં આ અકસ્માત થયો હશે.’

