મુંબઈ-અમદાવાદ હાઇવેના વર્સોવા બ્રિજ પર પક્ષીઓને ખાવાનું આપતા લોકો સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી
ઘોડબંદર પાસેના વર્સોવા બ્રિજ પર ઊડી રહેલાં સીગલ પક્ષીઓ અને વાહન ઊભાં કરનારાને દંડ ફટકારી રહેલી પોલીસ.
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર ઘોડબંદર પાસેના વર્સોવા બ્રિજ પર લોકો સીગલ પક્ષીઓને ખાવાની વસ્તુઓ આપે છે જેને લીધે અહીં સેંકડો પક્ષીઓ ભેગાં થાય છે. આ પક્ષીઓ બ્રિજ અને આસપાસ ઊડે છે જેને લીધે મોટરસાઇકલચાલકો સાથે અથડાવાનું જોખમ રહે છે. એ ઉપરાંત લોકો બ્રિજ પર વાહન ઊભાં રાખીને પક્ષીઓ સાથે સેલ્ફી લેતા હોય છે એને લીધે બ્રિજ પર ટ્રૅફિક જૅમ થઈ રહ્યો હોવાની ફરિયાદ પોલીસને મળી છે.
ADVERTISEMENT
અનેક લોકોની ફરિયાદ મળ્યા બાદ મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસના કાશીમીરા ટ્રૅફિક વિભાગે બ્રિજ પર વાહન ઊભાં કરનારાઓ સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. એક ટ્રૅફિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ‘મોટર વેહિકલ ઍક્ટ મુજબ અત્યાર સુધી પક્ષીઓને ખાવાનું આપવા માટે વાહનો ઊભાં રાખનારા ૩૨૫ વાહનચાલકો સામે કાર્યવાહી કરીને તેમની પાસેથી ૩.૮૦ લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. એક વખત વાહન ઊભું કરનારાને ૫૦૦ રૂપિયા અને જેઓ વારંવાર આવું કરે છે તેમને ૧૫૦૦ રૂપિયાનો દંડ કરીએ છીએ. બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોને સીગલ પક્ષીઓને ખાવાનું ન આપવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે.’

