Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ૭૫મી વર્ષગાંઠ પર નરેન્દ્ર મોદીને આણંદની બે બહેનોની અનોખી ભેટ

૭૫મી વર્ષગાંઠ પર નરેન્દ્ર મોદીને આણંદની બે બહેનોની અનોખી ભેટ

Published : 17 September, 2025 07:24 AM | IST | Anand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૭૫ ફ‍ુટ લાંબા અને ૭૫ ઇંચ પહોળા કૅન્વસ પર નરેન્દ્ર મોદીનાં ૭૫ પોર્ટ્રેટ અને ૭૫ કવિતાઓનો અનોખો આર્ટ-પીસ અવિરત સેવક: એક બહેને ૭૫ પોર્ટ્રેટ બનાવ્યાં તો બીજી બહેને લખી ૭૫ કવિતા

ગુજરાતના આણંદમાં રહેતી બે બહેનો રાધા અને રંજન ભોઈ

ગુજરાતના આણંદમાં રહેતી બે બહેનો રાધા અને રંજન ભોઈ


નરેન્દ્ર મોદીની આજે ૭૫મી વર્ષગાંઠ છે ત્યારે મધ્ય ગુજરાતના આણંદમાં રહેતી બે બહેનો રાધા અને રંજન ભોઈએ ૭૫ ફુટ લાંબા અને ૭૫ ઇંચ પહોળા કૅન્વસ પર નરેન્દ્ર મોદીનાં ૭૫ પોર્ટ્રેટ અને ૭૫ કવિતાઓનો અનોખો આર્ટ-પીસ ‘અવિરત સેવક’ બનાવ્યો છે. 

નરેન્દ્ર મોદીના જીવનચરિત્ર, પરિશ્રમ, કાર્યશૈલી, રાષ્ટ્રસેવા, સંકલ્પશક્તિ, આત્મનિર્ભરતા, વિકાસકાર્યો સહિતના મુદ્દાઓને આવરી લઈને છેલ્લાં બે વર્ષની મહેનતના અંતે બનાવેલા આ વિશાળ આર્ટ-પીસનું ગઈ કાલે વલ્લભ વિદ્યાનગરમાં આવેલી ચારુતર વિદ્યા મંડળ ફાઇન આર્ટ્સ કૉલેજના કૅમ્પસમાં પ્રદર્શ યોજાયું હતું. 



ચારુતર વિદ્યા મંડળ ફાઇન આર્ટ્‍સ કૉલેજનાં અસિસ્ટન્ટ પ્રોફેસર અને નરેન્દ્ર મોદીનો ૭૫ ફુટ લાંબો આર્ટ-પીસ બનાવનાર રંજન ભોઈએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘હું છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી નરેન્દ્ર મોદીનાં ભાષણો સાંભળતી આવી છું. તેમની સ્પીચ મોટિવેશનલ હોય છે. એમાંથી મને પ્રેરણા મળી અને તેમનાં ચિત્રો બનાવવાનો આઇડિયા આવ્યો. વડા પ્રધાનની રોજબરોજની અપડેટ આવે એ હું અને મારાં મોટાં બહેન રાધા જોતાં હતાં. છેલ્લાં બે વર્ષ દરમ્યાન તેમનાં ઘણાં બધાં ડ્રૉઇંગ્સ મેં બનાવ્યાં છે. દિવસના આશરે દસ-બાર રફ સ્કેચ કરતી અને એમાંથી સારાં પેઇ​ન્ટિંગ્સ સિલેક્ટ કરીને ૭૫ પોર્ટ્રેટમાં મૂક્યાં છે. ઑપરેશન સિંદૂર તેમ જ અમદાવાદમાં પ્લેન ક્રૅશ થયું અને નરેન્દ્ર મોદી ત્યાં આવ્યા હતા એ પ્રસંગને પણ આ આર્ટવર્કમાં સામેલ કર્યો છે. તેમની ૭૫મી વર્ષગાંઠ હોવાથી તેમના જીવનને અનુલક્ષીને ૭૫ પોર્ટ્રેટ બનાવવાનું આયોજન કરીને ૭૫ પોર્ટ્રેટ બનાવ્યાં છે જે ૭૫ ફુટ લાંબા અને ૭૫ ઇંચ પહોળા કૅન્વસ પર લગાડ્યાં છે. મારાં પોર્ટ્રેટની સાથે મારાં બહેન રાધાની કવિતાઓને પણ એમાં સ્થાન આપ્યું છે.’ 


રાધા કોકિલા ભોઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું નૉટરી-ઍડ્વોકેટ તરીકે કાર્યરત છું, પરંતુ મને કવિતા લખવાનો શોખ છે. નરેન્દ્ર મોદીની કાર્યશૈલી સારી છે એટલે મને થયું કે તેમની કાર્યશૈલી પર કવિતા લખું. નરેન્દ્ર મોદીના જીવનચરિત્ર ઉપરાંત તેમનાં વિકાસકાર્યો અને વિવિધ યોજનાઓ પર મેં ૭૫ કવિતા લખી છે. છેલ્લા એક વર્ષથી કવિતા લખી રહી છું. નરેન્દ્ર મોદીની કારકિર્દી સારી રહી છે અને તેમની ૭૫મી વર્ષગાંઠ આવી રહી છે એટલે અમે તેમને તેમનાં પોર્ટ્રેટ અને કવિતાઓનો આર્ટ-પીસ ગિફ્ટ કરીએ છીએ.’ 


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2025 07:24 AM IST | Anand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK