તાપી નદીના ઝંઝાવાતી જળનું પૂર જળબિલાડી અને બિલાડાને ખેંચી લાવ્યું હતું જેને શરૂઆતમાં સુરતના નેચર પાર્કમાં પનાહ મળી. જોકે આ જોડી થકી અનાયાસ જળબિલાડીના સંવર્ધનનું કામ શરૂ થયું.
જળબિલાડી
વર્ષ ૨૦૦૬નો એ ગોઝારો દિવસ સુરતવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. તાપી નદીમાં આવેલા ઝંઝાવાતી પૂરે સુરતની ‘સૂરત’ બગાડી નાખીને જાણે કે બદસૂરત બનાવી દીધું હતું. તાપી નદીના કિનારે બે-બે ત્રણ-ત્રણ માળ સુધી પૂરનાં પાણી ભરાઈ ગયાં હતાં. કંઈકેટલાય લોકો મૃત્યુ પામ્યા હતા. પૂરના પ્રકોપથી સુરતવાસીઓ બચવા માટે પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે અમરોલી વિસ્તારમાં ભરાયેલા પાણીમાંથી જળબિલાડીની જોડી મળી આવી હતી. માનવોને બચાવવાની કામગીરી વચ્ચે આ અબોલ જીવને પણ બચાવવા રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું અને બન્નેને સરથાણા નેચર પાર્કમાં મોકલી આપવામાં આવ્યા. ત્યાં એની શુશ્રૂષા કરવામાં આવી. દેખભાળ રાખવાથી આ બે અબોલ જીવનો જીવ બચી જતાં પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે જળબિલાડીની જોડી સુરતના નેચર પાર્ક માટે આશીર્વાદરૂપ બની ગઈ છે. જળબિલાડીની પેરને નેચર પાર્કમાં એવું તો વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું કે એક સમયે સુરતમાં એક પણ જળબિલાડી જોવા મળતી નહોતી ત્યાં આજે જળબિલાડીની સંખ્યા ધીરે-ધીરે કરીને ૪૨ ઉપર પહોંચી છે અને દેશભરમાંથી ઝૂવાળાઓ જળબિલાડી તેમને ત્યાં મોકલી આપવા માટે માગણી કરી રહ્યા છે ત્યારે સુરતમાં જન્મ લેતી જળબિલાડીઓની દુનિયામાં આજે ડોકિયું કરીએ.



