રાજ્યસભાના સંસદસભ્ય પરિમલ નથવાણીએ ગીરના સિંહો પરનું પોતાનું બીજું કૉફી ટેબલ પુસ્તક ‘કૉલ આૅફ ધ ગીર’ પ્રસ્તુત કરીને આ દાવો કર્યો
પરિમલ નથવાણી પોતાના પુસ્તક ‘કૉલ આૅફ ધ ગીર’ સાથે.
ગુજરાતના ગૌરવ સમા ગીરના ડાલામથા સાવજોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને હવે એશિયાટિક સિંહોની સંખ્યા ૯૦૦ને પાર પહોંચી ગઈ હોવાનો ગૌરવપૂર્ણ દાવો થયો છે. રાજ્યસભાના સંસદસભ્ય પરિમલ નથવાણીએ ગીરના સિંહો પરનું પોતાનું બીજું કૉફીટેબલ પુસ્તક ‘કૉલ ઑફ ધ ગીર’ ગઈ કાલે પ્રસ્તુત કરીને આ દાવો કર્યો હતો.
સૌરાષ્ટ્રમાં આવેલા ગીરનાં જંગલો નાનપણથી ખૂંદતા આવેલા પરિમલ નથવાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે ‘મારો પોતાનો અંદાજ અને અનુમાન છે કે ૯૦૦ની ઉપર સિંહોની વસ્તી વધી ગઈ છે. આજે ગુજરાતના આઠ જિલ્લાઓમાં સિંહોનો વસવાટ થઈ ગયો છે. પિપાવાવ પોર્ટ જેવી જગ્યાએ ૫૦ અને પાલિતાણામાં ૬૦–૬૫ જેટલા સિંહ છે. એ ઉપરાંત ખાંભા, વિસાવદર, ધારી, અમરેલીનો વિસ્તાર જુઓ તો સિંહોનું વિસ્તરણ થતું રહ્યું છે. હવે તો સોમનાથથી ચોરવાડ સુધીના દરિયાકિનારે પણ સિંહો ફરવા આવે છે. જામનગર સુધી કોઈક-કોઈક વાર આવી જાય છે. સિંહોને સ્પેસ મળતી નથી એટલે છૂટાછવાયા થતા જાય છે. ભારત સરકાર અને ગુજરાત સરકારને મારું સૂચન છે કે પોરબંદર પાસે બરડાના ડુંગરને વિકસાવવો જોઈએ, સૅન્ક્ચ્યુઅરી બનાવવી જોઈએ; નહીં તો સિંહો ચારે બાજુ જતા રહેશે એવું મારું અનુમાન છે. આ બાબતે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળીને ડિસ્કશન કર્યું હતું. સિંહોનું જતન કેવી રીતે થઈ શકે એ મુદ્દે પણ ચર્ચા કરી છે.’
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ‘કૉલ ઑફ ધ ગીર’ પુસ્તકમાં સિંહોની દુર્લભ તસવીરો છે. ગીરની વનસ્પતિ અને જીવસૃષ્ટિની અલભ્યતા, ગીરનું જીવન, વૃક્ષો, ઝરણાં અને સમૃદ્ધ વન્યજીવ સૃષ્ટિની વાતને બખૂબી આલેખી છે અને તસવીરોમાં ઝીલીને પુસ્તક પ્રસ્તુત કર્યું છે