સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ વિમલ વ્યાસે સજા ફરમાવવાની સાથે ચુકાદામાં દિલ્હીના નિર્ભયા કેસનો ઉલ્લેખ કરીને નોંધ્યું કે આરોપીનું વર્તન અમાનુષીભર્યું, નિષ્ઠુર, પશુઓ જેવું ધિક્કારજનક
સુરતમાં ગઈ કાલે ગ્રીષ્મા વેકરિયાની હત્યા બદલ ફેનિલ ગોયાણીને ફાંસીની સજા અપાયા બાદ કોર્ટમાંથી તેને લઈ જતી પોલીસ.
માત્ર ૨૦ વર્ષની ઉંમરે સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ બનીને ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપીને નિર્મમ હત્યા કરનાર આરોપી ફેનિલ પંકજ ગોયાણીને તકસીરવાર ઠરાવીને મૃત્યુદંડની સજા એટલે કે આરોપીના ગળે ફાંસો નાખી તે મૃત્યુ પામે ત્યાં સુધી લટકાવીને ફાંસીની સજા, ઉપરાંત પાંચ હજાર રૂપિયાના દંડની સજા સુરતના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ વિમલ વ્યાસે ગઈ કાલે કરી હતી. એટલું જ નહીં, કોર્ટે ચુકાદામાં દિલ્હીના નિર્ભયા કેસનો ઉલ્લેખ કરીને નોંધ્યું હતું કે આરોપીનું વર્તન અમાનુષીભર્યું, નિષ્ઠુર, પશુઓ જેવું ધિક્કારજનક છે.
આ કેસમાં ફરિયાદ પક્ષ તરફથી કોર્ટમાં દલીલ કરનાર જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આ કેસની વિગત આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોર્ટે આ કેસને રેર ઑફ ધ રેરેસ્ટ ગણાવ્યો છે. ૨૦૨૨ની ૧૨ ફેબ્રુઆરીએ સુરતમાં સાંજે આરોપી ફેનિલ ગોયાણીએ મૃત્યુ પામનાર ગ્રીષ્મા વેકરિયાને ગળાથી પકડી લઈને છરા વડે તેનું ગળું કાપી નાખીને જાહેરમાં નિર્મમ હત્યા કરી ગુનો કર્યો હતો. જે લોકો તેને સમજાવવા ગયા હતા તેમના પર પણ ફેનિલ ગોયાણીએ છરા વડે હુમલો કર્યો હતો. આ કેસમાં તપાસ કરનાર અધિકારીઓએ આરોપી વિરુદ્ધ ૧૦ દિવસમાં ચાર્જશીટ કરી હતી. સેશન્સ કોર્ટમાં કેસ કમિટ થતાં સરકાર પક્ષ તરફથી દસ્તાવેજી પુરાવાઓનું લિસ્ટ રજૂ કરવામાં આવ્યું હતું અને આરોપી સામે તહોમતનામું ફરમાવવામાં આવ્યું હતું. સરકાર પક્ષ તરફથી ૭૫ સાહેદો તપાસવામાં આવ્યા હતા. ફરિયાદી પક્ષ તરફથી મેં કોર્ટમાં દલીલો કરી અને હાઈ કોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ૧૦ ચુકાદા રજૂ કરીને ગુનાની ગંભીરતા જોતાં મહત્તમમાં મહત્તમ સજા કરવા આરોપી ફેનિલને ફાંસીની સજા માટેની દલીલ કરી હતી. આ કેસની સુનાવણી પૂરી થયા બાદ જજ વી. કે. વ્યાસે આરોપી ફેનિલ ગોયાણીને મૃત્યુદંડની સજા ફરમાવી હતી. નયન સુખડવાલાએ વધુમાં કહ્યું હતું કે કોર્ટે આ કેસને રેર ઑફ ધ રેરેસ્ટ ગણ્યો હતો અને ૫૦૬ પાનાંનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ ઉપરાંત જુદી-જુદી કલમો હેઠળ આરોપીને દોષી ઠરાવીને અલગ-અલગ સજા ફરમાવી છે. આ ઉપરાંત કોર્ટે વિક્ટિમ કમ્પોઝેશન સ્કીમ હેઠળ મૃત્યુ પામનાર ગ્રીષ્માનાં માતા-પિતાને ત્રણ લાખ તથા ઈજા પામનાર સુભાષભાઈ અને ધ્રુવભાઈને એક એક લાખ રૂપિયા વચગાળાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.
ADVERTISEMENT
કસબનો ચુકાદો ટાંકી કોર્ટે નોંધ્યું કે ફેનિલના ચહેરા પર કોઈ રંજ નહતો
સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યાકેસમાં આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફરમાવવાની સાથે કોર્ટે ચુકાદામાં મોહમ્મદ અજમલ કસબનો ચુકાદો ટાંકીને નોંધ્યું છે કે કસબે જે રીતે નિર્દય લોકોની હત્યા કરી અને એનો તેના ચહેરા પર સહેજ પણ રંજ નહોતો એ જ હાલના કેસમાં ફેનિલે તમામ વ્યક્તિઓની વિનંતી કાકલૂદી તથા આજીજીને ઠોકર મારી દઈને કસાઈ પશુનું ગળું કાપે એ રીતે મરનાર ગ્રીષ્મા વેકરિયાનું ગળું કાપી તેની હત્યા કરી છે. હત્યા કર્યા બાદ તેના ચહેરા પર કોઈ રંજ નહોતો.


