પોલીસે અગ્નિકાંડના ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને ૧૪ દિવસના રિમાન્ડ મેળવ્યા
આરોપીઓ
સૌરાષ્ટ્રના વડા મથક રાજકોટમાં ગેમ-ઝોનમાં બનેલી કાળજું કંપાવતી આગની દુર્ઘટનામાં જીવતા સળગી ગયેલા ૨૮ નિર્દોષ લોકોનાં કમોતથી નાગરિકોનાં કાળજાં હચમચી ગયાં છે ત્યારે રાજકોટ બાર અસોસિએશન આ ઘટનાના આરોપીઓનો કેસ નહીં લડે. બીજી તરફ રાજકોટ પોલીસે ગેમ-ઝોન અગ્નિકાંડના ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને ૧૪ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
ગેમ-ઝોન અગ્નિકાંડમાં કમકમાટી ઊપજાવે એવી ઘટનામાં ૨૮ નિર્દોષ જિંદગીઓના જીવ આગમાં હોમાઈ જતાં ચારે તરફ અરેરાટી ફેલાઈ ગઈ છે ત્યારે ગઈ કાલે રાજકોટ બાર અસોસિએશને જીવ ગુમાવનારી ૨૮ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપીને ઠરાવ કર્યો હતો કે આ ઘટનાના આરોપીઓ વતી બાર અસોસિએશનના કોઈ પણ વકીલ કેસ લડશે નહીં. ગુજરાતમાં આવા બનાવો વારંવાર બને છે ત્યારે તંત્રને જગાડવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે તેમ જ સૌરાષ્ટ્રના કોઈ વકીલ આ આરોપીઓનો કેસ ન લડે એ માટે અપીલ કરી છે.
બીજી તરફ ગઈ કાલે સાંજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગેમ-ઝોન અગ્નિકાંડના ત્રણ આરોપી યુવરાજ સિંહ સોલંકી, નીતિન જૈન અને રાહુલ રાઠોડને ચુસ્ત પોલીસબંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કર્યા હતા અને ૧૪ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. કહેવાય છે કે આરોપી યુવરાજ સિંહ સોલંકી કોર્ટમાં રડી પડ્યો હતો.


