નરેન્દ્ર મોદી ૨૬ મેએ પહેલું એન્જિન દેશને કરશે સમર્પિત: દાહોદથી નરેન્દ્ર મોદી રેલવે સહિત ગુજરાત સરકારના વિવિધ વિભાગોના ૨૪,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના વિકાસ-પ્રકલ્પોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
આ મેડ ઇન દાહોદ લોકોમોટિવ એન્જિન દેશના રેલવે-ટ્રૅક પર દોડશે.
મધ્ય ગુજરાતના દાહોદમાંથી દેશના રેલવે-ટ્રૅક પર ટૂંક સમયમાં મેડ ઇન દાહોદ લોકોમોટિવ એન્જિન દોડશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૬ મેએ પહેલું એન્જિન દેશને સમર્પિત કરશે ત્યારે રેલવે-ટ્રૅક પર દોડનારા આ લોકોમોટિવ એન્જિન પર ‘મૅન્યુફૅક્ચર્ડ બાય દાહોદ’ લખેલું હશે.
ગુજરાતના પ્રવાસે આવી રહેલા નરેન્દ્ર મોદી ૨૬ મેએ દાહોદના ખરોડમાં યોજાનારા કાર્યક્રમમાં રેલવે સહિત ગુજરાત સરકારના વિવિધ વિભાગોના ૨૪,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના વિકાસ-પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ રેલ મંત્રાલય દ્વારા દાહોદમાં ૨૧,૪૦૫ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા લોકો મૅન્યુફૅક્ચરિંગ શૉપ – રોલિંગ સ્ટૉક વર્કશૉપનું લોકાર્પણ કરશે. દાહોદમાં ૯૦૦૦ HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને અર્પણ કરશે. દાહોદમાં મેક ઇન ઇન્ડિયા અભિગમ સાથે ૨૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટ તૈયાર થયું છે. દાહોદમાં નિર્મિત રેલવે પ્રોડક્શન યુનિટ ૧૦,૦૦૦ લોકો માટે રોજગારીનું માધ્યમ બનવાથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે. દાહોદમાં બનેલું લોકોમોટિવ એન્જિન ૪૬૦૦ ટનના કાર્ગોનું વહન કરી શકશે. આગામી ૧૦ વર્ષમાં ૧૨૦૦ જેટલાં એન્જિન તૈયાર કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.


