વડોદરાની સભામાં નરેન્દ્ર મોદી માટે ગવાયું આ ગીત: પહેલી વાર એવું બન્યું કે નરેન્દ્ર મોદીએ સભામાં રૅમ્પ પરથી એન્ટ્રી કરી અને ચાલતાં-ચાલતાં ગયા સ્ટેજ સુધી: યુવા વર્ગે વડા પ્રધાન સાથે કર્યા હૅન્ડશેક
સભામંડપમાં બનાવેલા રૅમ્પ પરથી ચાલતાં-ચાલતાં આગળ વધી રહેલા નરેન્દ્ર મોદી.
મધ્ય ગુજરાતમાં સંસ્કારી નગરી તરીકેની ઓળખ ધરાવતા વડોદરામાં ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વાર અનોખી રીતે રૅમ્પ પર ચાલતાં-ચાલતાં એન્ટ્રી કરી હતી. એટલું જ નહીં, નરેન્દ્ર મોદીની જ્યારે સભામંડપમાં એન્ટ્રી થઈ ત્યારે ‘હીરાબાના લાલા મારા ભારતના લાલ છે, એણે મને માયા લગાડી રે...’ ગીત વાગ્યું હતું જેના તાલે સભામંડપમાં ઉપસ્થિત યુવાનો સહિત સૌકોઈ ઝૂમી ઊઠ્યા હતા.
વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે વડોદરા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમની વિશેષતા એ બની રહી હતી કે સામાન્ય રીતે નરેન્દ્ર મોદી કોઈ પણ જગ્યાએ સભામાં સ્ટેજ પર જાય તો સ્ટેજની પાછળની સાઇડથી અથવા તો સભામંડપમાં ખુલ્લી જીપમાં સવાર થઈને સ્ટેજ સુધી જતા હતા, પરંતુ વડોદરામાં સભામંડપના છેડાથી સ્ટેજ સુધી વિશેષ રૅમ્પ બનાવ્યો હતો. પહેલી વાર એવું બન્યું કે સભામંડપમાં રૅમ્પ પરથી એન્ટ્રી કરીને અેના પરથી ચાલતાં-ચાલતાં યુવાનો સહિતના લોકોનું અભિવાદન ઝીલતાં-ઝીલતાં નરેન્દ્ર મોદી સ્ટેજ પર પહોંચ્યા હતા. આ દરમ્યાન રૅમ્પ પરથી તેમણે કેટલાય યુવાનો સાથે હાથ મિલાવ્યો હતો તો ઘણા યુવાનોએ તેમની સાથે સેલ્ફી પણ લીધો હતો. ઘણા યુવાનો તો નરેન્દ્ર મોદીનાં પોસ્ટર બનાવીને લાવ્યાં હતાં અે તેમને બતાવી રહ્યાં હતાં.
ADVERTISEMENT
ભગવાન દ્વારિકાધીશ પર બનેલા ભજન ‘દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે...’ની ધૂન પરથી નરેન્દ્ર મોદી માટે બનાવેલું ગીત સભામંડપમાં પ્લે થયું હતું. જ્યારે નરેન્દ્ર મોદીની સભામંડપમાં એન્ટ્રી થઈ ત્યારે મોદી અને તેમનાં માતા હીરાબાને લઈને ગીત વાગ્યું હતું... ‘હીરાબાના લાલા મારા ભારતના લાલ છે, એણે મને માયા લગાડી રે... મોદીજીએ માયા લગાડી રે...’ આ ગીત વાગતાં જ મંડપમાં બેઠેલા લોકોએ અેને તાળીઓથી વધાવી લીધું હતું. એટલું જ નહીં, લોકો આ ગીતને ગાવા પણ લાગ્યા હતા. આ ઉપરાંત એક ગીત હિન્દીમાં વાગ્યું હતું જેમાં શબ્દો હતા ભારત કી આવાઝ મોદી, મોદી, મોદી... એક તરફ નરેન્દ્ર મોદી રૅમ્પ પરથી ચાલતાં-ચાલતાં સૌને મળતાં-મળતાં આગળ વધી રહ્યા હતા તો બીજી તરફ સભામંડપમાં ઉપસ્થિત યંગસ્ટર્સ સહિતના લોકો આ ગીતો પર ઝૂમી ઊઠ્યા હતા. કાર્યક્રમમાં આવેલા યુવાન-યુવતીઓએ તેમના મોબાઇલમાં નરેન્દ્ર મોદીનાં સ્લોગન લખ્યાં હતાં અે દર્શાવતાં હતાં તો ઘણા નરેન્દ્ર મોદીના ફોટો પણ બતાવતા હતા.
પહેલાંની સરકારો દ્વારા બજેટમાં એક-બે ટ્રેનની જાહેરાત થતી હતી, જ્યારે આજે દેશમાં વર્ષ દરમ્યાન એક પછી એક નવી ટ્રેન ચલાવવામાં આવી રહી છે. આજે પણ આ કાર્યક્રમમાં કેટલીયે નવી ટ્રેન શરૂ થઈ છે. વીતેલા એક દશકમાં ભારત રેલ-કોચ, મેટ્રો કોચ, રેલ-એન્જિન બનાવવામાં એક મોટું નિર્માતા બન્યું છે. ૨૦૧૪ પછી અત્યાર સુધીમાં ભારતે ૫૦,૦૦૦ આધુનિક રેલ-કોચ બનાવ્યા છે. જૂની સરકારે ૧૦ વર્ષમાં ૫૦,૦૦૦ ટૉઇલેટ નહોતી બનાવી શકતી. - નરેન્દ્ર મોદી
