દાહોદમાં પ્રથમ ઇલેક્ટ્રિક લોકોમોટિવ અને હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરીને નરેન્દ્ર મોદીએ મેડ ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ પર ભાર મૂક્યો અને આપણા તહેવારોમાં વધુ ને વધુ ભારતીય ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું લોકોને આહ્વાન કર્યું
નરેન્દ્ર મોદી
ગઈ કાલે ગુજરાતના દાહોદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૪,૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો અને એ પછી સભાને સંબોધતાં તેમણે યાદ અપાવ્યું હતું કે ૨૦૧૪ની ૨૬ મેના દિવસે તેમણે પહેલી વાર વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. આ ખાસ દિવસ માટે તેમણે ગુજરાતના લોકોના અતૂટ સમર્થન અને આશીર્વાદનો હૃદયપૂર્વક સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘મને ગર્વ છે કે દાહોદ માટે મેં જે સપનાં જોયાં હતાં એને મારી નજર સમક્ષ સાકાર થતાં જોવાનું સૌભાગ્ય મને મળ્યું છે અને હું વિશ્વાસ સાથે કહું છું કે જો કોઈને ભારતમાં આદિવાસી બહુલ જિલ્લાનો વિકાસ કેવી રીતે થઈ શકે એનું મૉડલ જોવું હોય તો તેમણે મારા દાહોદ આવવું જોઈએ. જ્યારે આદિવાસી જિલ્લામાં સ્માર્ટ સિટી બનાવવાની વાત આવે છે ત્યારે આ જ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.’
મોદી બીજું શું-શું બોલ્યા દાહોદમાં?
ADVERTISEMENT
આજે ભારતમાં આટલાં બધાં આધુનિક વાહનો દોડી રહ્યાં છે એનું એક મોટું કારણ એ છે કે હવે આ દેશના યુવાનો, આપણી યુવા પેઢી, ભારતમાં નવી ટેક્નૉલૉજી વિકસાવી રહી છે. કોચ ભારતમાં બને છે, લોકોમોટિવ ભારતમાં બને છે. આ બધી વસ્તુઓ આપણે પહેલાં વિદેશથી આયાત કરવી પડતી હતી. આજે પૈસા આપણા છે, પરસેવો આપણો છે અને પરિણામ પણ આપણું છે. આજે ભારત રેલવે સંબંધિત ઘણી વસ્તુઓનું ઉત્પાદન કરીને વિશ્વમાં મોટો નિકાસકાર બની રહ્યું છે. તમને જાણીને ખુશી થશે કે જો તમે ઑસ્ટ્રેલિયા જશો તો ત્યાં દોડતી મેટ્રોના કોચ ગુજરાતમાં બનેલા છે. ઇંગ્લૅન્ડ જાઓ, સાઉદી અરેબિયા જાઓ, ફ્રાન્સ જાઓ; ઘણા દેશોમાં દોડતી આધુનિક ટ્રેનોના કોચ ભારતમાં બનાવવામાં આવી રહ્યા છે. મેક્સિકો, સ્પેન, જર્મની અને ઇટલી જેવા દેશોમાં રેલવે માટે જરૂરી ઘણાં નાનાં-મોટાં સાધનો ભારતમાંથી બનીને જઈ રહ્યાં છે. આપણા પૅસેન્જર કોચનો ઉપયોગ મોઝૅમ્બિક અને શ્રીલંકા જેવા ઘણા દેશોમાં થઈ રહ્યો છે. ભારતમાં બનેલાં લોકોમોટિવ્સ અને ભારતમાં બનેલાં એન્જિનો, ભારત હવે એમને ઘણા દેશોમાં નિકાસ કરી રહ્યું છે. હવે મને કહો, ભારતમાં બનેલાં આ ઉત્પાદનો વિશ્વમાં પ્રખ્યાત થયાં છે તો શું આપણે હવે આપણાં ઘરોમાં વિદેશી ઉત્પાદનોનો ઉપયોગ બંધ કરવો જોઈએ કે નહીં? ત્રિરંગો લહેરાવો અને મને કહો કે આપણે એ કરવું જોઈએ કે નહીં? આપણા પોતાના લોકોની વાત ભૂલી જાઓ, જ્યારે ગણેશ ચતુર્થી આવે છે ત્યારે નાની આંખોવાળા ગણપતિ કેમ લાવીએ છીએ? આપણા પોતાના ગણપતિ નહીં પણ વિદેશી ગણપતિ. જ્યારે હોળી, દિવાળી આવે છે ત્યારે તેમને ત્યાંથી ફટાકડા અને પાણીની બંદૂકો લાવીએ છીએ. શું આપણે ભારતમાં બનેલાં ઉત્પાદનોનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં? શું આપણે ભારતીયોને કમાણી કરાવવી જોઈએ કે નહીં? જો ભારતે પ્રગતિ કરવી હોય તો દરેક ભારતીય પાસે આ સંકલ્પ હોવો જોઈએ કે નહીં?
હું એ દિવસ જોઈ શકું છું જ્યારે ગુજરાતમાં સાઇકલથી લઈને મોટરસાઇકલ, રેલવે એન્જિન અને વિમાન બધું જ બનશે અને આ બધું ગુજરાતના યુવાનો દ્વારા અને ગુજરાતની ધરતી પર બનાવવામાં આવશે. આટલો હાઈ-ટેક એન્જિનિયરિંગ મૅન્યુફૅક્ચરિંગ કૉરિડૉર દુનિયામાં ભાગ્યે જ જોવા મળે છે. વડોદરાથી દાહોદ, હાલોલ, કાલોલ, ગોધરા, દાહોદ સુધી આટલું સારું નેટવર્ક બનાવવામાં આવી રહ્યું છે.

