વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૦૧ની ૭ ઑક્ટોબરે ગુજરાતના ૧૪મા મુખ્ય પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો એ ઐતિહાસિક પળને ગઈ કાલે ૨૪ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે ગુજરાતમાં ઠેર-ઠેર લોકોએ ભારતના વિકાસ માટે શપથ લીધા
નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા એને ૨૪ વર્ષ પૂરાં થતાં ગુજરાતમાં ગઈ કાલથી ૧૫ ઑક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થયો હતો. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રધાનો તેમ જ મુખ્ય સચિવ સહિતના અધિકારીઓએ વિધાનસભા પોડિયમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે એને સાકાર કરવામાં પોતાના યોગદાન માટે તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવની સામૂહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. અમદાવાદ, વડોદરા, સુરત, દાહોદ, રાજપીપળા સહિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં સરકારી કચેરીઓમાં બધાએ પ્રતિજ્ઞા લીધી હતી.
શું પ્રતિજ્ઞા લેવાઈ?
ADVERTISEMENT
ગુજરાતમાં બધાએ એ પ્રતિજ્ઞા લીધી હતી કે...
હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ. હું સ્વનો વિચાર કરતાં પહેલાં સૌનો વિચાર કરીશ. દેશનાં બધાં જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ. દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ. જ્ઞાતિ, ધર્મ કે જાતિનાં તમામ બંધનોમાંથી મુક્ત રહીને બંધુતાની ભાવના સાથે મારે દેશને પ્રાધાન્ય આપીશ. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના મંત્ર દ્વારા આત્મનિર્ભર ભારતના નિર્માણમાં હું મારું શ્રેષ્ઠ યોગદાન આપીશ. રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવીને મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું પ્રયાસરત રહીશ.


