ચાર કલાકમાં રાજકોટ પહોંચાડતા હાઇવે પર ચાલતું ઓવરબ્રિજનું કામ લંબાઈ જતાં છેલ્લા ત્રણ દિવસથી ટ્રાફિક જૅમને લીધે રોજ છથી આઠ કલાક લાગે છે
તસવીર : દર્શન ચોટલિયા
અમદાવાદ-રાજકોટ નૅશનલ હાઇવેને સિક્સલેન કરવાનો અને સાથોસાથ એના પર ઓવરબ્રિજ બનાવવાનો પ્રોજેક્ટ એટલો લાંબો ખેંચાયો છે કે હવે ખરેખર આ હાઇવે નરક સમાન લાગવા માંડ્યો છે. બેતાળીસ ઓવરબ્રિજ બનાવવાનો આ પ્રોજેક્ટ ૨૦૧૮માં શરૂ થયો, પણ હજી સુધી એનું કામ પૂરું થયું ન હોવાથી અને મૉન્સૂન શરૂ થતાં છેલ્લા ત્રણ દિવસથી આ નૅશનલ હાઇવે પર એ સ્તર પર ટ્રાફિક જૅમ થાય છે કે જેને લીધે રાજકોટ પહોંચવામાં જે ચાર કલાક લાગતા હતા એને બદલે હવે છથી આઠ કલાક લાગવા માંડ્યા છે. ગઈ કાલે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પાસે પાણી ભરાતાં કફોડી હાલતમાં ઉમેરો થયો અને છ કિલોમીટરથી પણ લાંબો ટ્રાફિક જૅમ થઈ ગયો, જેને લીધે અમદાવાદ-રાજકોટનો ચાર કલાકનો રસ્તો છ કલાક વધીને દસ કલાકથી પણ વધારે સમયમાં માંડ પૂરો થતો હતો.
બપોરે ચાર વાગ્યે ટ્રાફિક કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટે ટ્રાફિક જૅમ હટાવ્યો, પણ એ પછી ફરીથી વરસાદ અને વરસાદને લીધે પાણી ભરાતાં પાછો ટ્રાફિક જૅમ થયો, જે ગઈ કાલે રાતે સવાનવ વાગ્ય સુધી હટ્યો નહોતો.
ટ્રાફિક જૅમને કારણે રીતસર લોકો હેરાનપરેશાન થઈ ગયા હતા. નાનાં બાળકો સાથે ટ્રાવેલ કરતા લોકોએ તો રીતસર વાહનમાંથી નીચે આવી પાણી શોધવા માટે નીકળવું પડ્યું હતું તો અનેક લોકો બાળકો માટે નાસ્તો શોધવા માટે ચારથી પાંચ કીલોમીટર ચાલતા પણ ગયા હતા.


