Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ૨૦૦૦+ માઈભક્તો સાઇકલ ચલાવીને મુંબઈથી પહોંચશે માતાના મઢે દર્શન કરવા

૨૦૦૦+ માઈભક્તો સાઇકલ ચલાવીને મુંબઈથી પહોંચશે માતાના મઢે દર્શન કરવા

Published : 05 October, 2026 07:11 AM | IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

ભક્તિ, આસ્થા અને શ્રદ્ધાનો સંગમ કરીને આશાપુરા માતાજીનાં દર્શન કરવા જઈ રહ્યા છે ૧૧૦૦ કિલોમીટર દૂર સાઇકલ ચલાવીને

અંબાજી ગ્રુપના સભ્યો ગઈ કાલે સાઇકલ પર થાણેથી કચ્છ માતાના મઢે જવા નીકળ્યા હતા. મરોલ-અંધેરીથી સાઇકલ પર કચ્છ જવા નીકળેલા જયશ્રી ચામુંડા ટાઇગર ગ્રુપના માઈભક્તો ગઈ કાલે અંકલેશ્વર પહોંચ્યા હતા.

અંબાજી ગ્રુપના સભ્યો ગઈ કાલે સાઇકલ પર થાણેથી કચ્છ માતાના મઢે જવા નીકળ્યા હતા. મરોલ-અંધેરીથી સાઇકલ પર કચ્છ જવા નીકળેલા જયશ્રી ચામુંડા ટાઇગર ગ્રુપના માઈભક્તો ગઈ કાલે અંકલેશ્વર પહોંચ્યા હતા.


નવરાત્રિનું પર્વ આવી પહોંચ્યું છે ત્યારે મુંબઈથી કચ્છમાં આવેલા માતાના મઢ સુધી સાઇકલયાત્રા શરૂ થઈ છે. ભક્તિ, આસ્થા અને શ્રદ્ધાનો સંગમ કરીને મુંબઈના માઈભક્તો આશાપુરા માતાજીનાં દર્શન કરવા અંદાજે ૧૧૦૦થી વધુ કિલોમીટર દૂર સાઇકલ ચલાવીને જઈ રહ્યા છે. મુંબઈના જુદા-જુદા વિસ્તારોમાંથી ૨૦૦૦થી વધુ માઈભક્તો સાઇકલ ચલાવીને માતાના મઢે આશાપુરી માતાજીનાં દર્શન કરવા પહોંચશે. મરોલથી ૩૧ સાઇકલસવારો કચ્છ જવા નીકળ્યા છે તો ગઈ કાલે થાણેથી બીજા ૫૧ સાઇકલસવારો આશાપુરી માતાજીનાં દર્શન કરવા નીકળ્યા હતા.

ઘાટકોપરમાં રહેતા જયેશ રાજપૂતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારું અંબાજી ગ્રુપ છે. ગ્રુપના ૫૧ સભ્યોએ ગઈ કાલે આરતી કરી, માતાજીના આશીર્વાદ લઈને થાણેથી સાઇકલ ચલાવીને માતાના મઢે દર્શન કરવા પ્રસ્થાન કર્યું છે. અમે બધા કચ્છના છીએ અને આશાપુરા માતાજી અમારાં કુળદેવી છે એટલે નવરાત્રિમાં માતાજીનાં દર્શન કરવા માટે સાઇકલ ચલાવીને જઈ રહ્યા છીએ. અંદાજે ૧૧૦૦ કિલોમીટરથી વધુનું અંતર કાપીને, સાઇકલ ચલાવીને કચ્છ જઈ રહ્યા છીએ એમાં માતાજી અમને શક્તિ આપી રહે છે. માતાજી પર અમને આસ્થા અને શ્રદ્ધા છે કે અમને સુખરૂપ પહોંચાડી દેશે. આ યાત્રામાં અમે રોજ અંદાજે ૧૫૦ કિલોમીટર સાઇકલ ચલાવીશું. બપોરે ૩ કલાક અને રાત્રે ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધી આરામ કરવાનો. અમારા અંબાજી ગ્રુપના સભ્યો છેલ્લાં ૧૬ વર્ષથી નવરાત્રિ આવે ત્યારે સાઇકલ પર કચ્છ જાય છે. અમે શરૂઆત કરી ત્યારે ૧૫ જણ હતા. એ પછી ૩૦ જણ થયા અને હવે ૫૧ લોકો સાઇકલયાત્રામાં જોડાયા છે. અમારા ગ્રુપમાં ઘણા એવા લોકો છે જેમને માતાજીની બાધા હોય છે, જ્યારે મારા સહિત ઘણા એવા છે જેમને આશાપુરા માતાજીમાં શ્રદ્ધા છે એટલે સાઇકલ ચલાવીને કચ્છ જઈએ છીએ.’  



૧૬થી વધુ ગ્રુપ જશે કચ્છ 
જયેશ રાજપૂતે કહ્યું હતું કે ‘મુંબઈના જુદા-જુદા વિસ્તારોમાંથી અંદાજે ૧૬થી વધુ ગ્રુપો કચ્છ જવા નીકળે છે. આ વર્ષે ૨૦૦૦થી વધુ યાત્રિકો સાઇકલ ચલાવીને કચ્છ માતાના મઢે દર્શન કરવા જઈ રહ્યા છે. અમે થાણેથી નીકળ્યા છીએ. એવી રીતે ફોર્ટ, અંધેરી, દાદર, ડોમ્બિવલી સહિતના વિસ્તારોમાંથી અલગ-અલગ ગ્રુપો સાઇકલ ચલાવીને કચ્છ જશે. કોઈ ગ્રુપ ૫૧ સાઇકલસવારો સાથે તો કોઈ ગ્રુપ ૭૫ સાઇકલસવારો સાથે તો કોઈ ગ્રુપ ૧૦૦ સાઇકલસવારો સાથે કચ્છ જશે. તેમની સાથે સેવાભાવી લોકો પણ આવતા હોય છે. યાત્રામાં માતાજીનો રથ હોય છે. માતાજીના ગરબા અને ભજનોની રમઝટ બોલાવતા ભક્તિ કરતાં-કરતાં બધા કચ્છ દર્શન કરવા જાય છે.’  


જયશ્રી ચામુંડા ટાઇગર ગ્રુપ પહોંચ્યું અંકલેશ્વર
મરોલ-અંધેરીથી કચ્છ જવા સાઇકલ પર નીકળેલા જયશ્રી ચામુંડા ટાઇગર ગ્રુપના સભ્યો ગઈ કાલે સાંજે અંકલેશ્વર પહોંચી ગયા હતા. સાઇકલ ચલાવીને કચ્છ જતા અને અંધેરીમાં રહેતા ભાવેશ ઢાઢી અને દાદરમાં રહેતા નીલેશ ગામીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મરોલ-અંધેરીથી શુક્રવારે અમારા જયશ્રી ચામુંડા ટાઇગર ગ્રુપના ૩૧ સભ્યો સાઇકલ ચલાવીને કચ્છ આશાપુરા માતાજીના મંદિરે જવા નીકળ્યા છે. અમારી સાથે અંધેરી, જોગેશ્વરી, સાંતાક્રુઝ, દાદર સહિતના વિસ્તારના લોકો જોડાયા છે. બધા મળીને કુલ ૪૦થી વધુ લોકો કચ્છ જવા નીકળ્યા છીએ. રોજ સરેરાશ ૧૨૦થી ૧૨૫ કિલોમીટર સાઇકલ ચલાવીને ૧૩ ઑક્ટોબર સુધીમાં કચ્છ માતાના મઢે પહોંચી જઈશું. જોકે અમે પહેલાં ચોટીલા અને દ્વારકા જઈશું. ત્યાં દર્શન કરીને માતાના મઢે જઈશું એટલે અમારે આશરે ૧૩૦૦ કિલોમીટર જેટલું અંતર થશે.’  

સાથે રાખ્યા છે ૩ હાડવૈદ્ય  
આટલે દૂર સુધી સાઇકલ લઈને જઈ રહ્યા છીએ, પરંતુ એના માટે પ્રૅક્ટિસ કરી નથી એમ જણાવીને નીલેશ ગામીએ કહ્યું હતું કે ‘અમને આશાપુરા માતાજી પર શ્રદ્ધા છે એટલે સાઇકલ લઈને નીકળ્યા છીએ અને માતાજી સલામત રીતે અમને પહોંચાડી દેશે. અમે વીસથી પચીસ કિલોમીટરનું અંતર કાપ્યા પછી રેસ્ટ લઈએ છીએ. રસ્તામાં લાઇટ જમવાનું લઈએ છીએ. સાઇકલ ચલાવતાં હાથ-પગ દુખે તો એના માટે ૩ હાડવૈદ્ય પણ સાથે રાખ્યા છે. તેમને કચ્છથી બોલાવ્યા છે. રિલૅક્સ થવા અમે સારી જગ્યા જોઈને આરામ કરીએ છીએ.’   


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2026 07:11 AM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK