ગાંધીનગરમાં જાણે ૧૫ ઑગસ્ટ અને ૨૬ જાન્યુઆરીની ઉજવણી થતી હોય એવા દેશભક્તિના માહોલ સાથે ઑપરેશન સિંદૂરની સફળતાને લોકોએ વધાવી
ગાંધીનગરના રોડ-શોમાં લોકોનું અભિવાદન ઝીલી રહેલા નરેન્દ્ર મોદી, એક જ કલરની સાડી પહેરીને અસંખ્ય મહિલાઓ રોડ-શોમાં આવી હતી.
ગાંધીનગરમાં જાણે ૧૫ ઑગસ્ટ અને ૨૬ જાન્યુઆરીની ઉજવણી થતી હોય એવા દેશભક્તિના માહોલ સાથે ઑપરેશન સિંદૂરની સફળતાને લોકોએ વધાવી : એકસાથે એક જ રૂટ પર દોઢથી બે કિલોમીટર સુધી હજારોની સંખ્યામાં લોકોએ સેનાના સન્માનમાં તિરંગો લહેરાવ્યો : નરેન્દ્ર મોદી પર પુષ્પોની વર્ષા કરીને જનજને અભિવાદન કરીને આવકાર્યા
ઑપરેશન સિંદૂર દ્વારા ભારતે પાકિસ્તાનને પછાડ્યા બાદ પહેલી વાર દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર આવતાં ગઈ કાલે યોજાયેલા રોડ-શોમાં જાણે કે ગાંધીનગરમાં ૧૫ ઑગસ્ટ અને ૨૬ જાન્યુઆરીની ઉજવણી થતી હોય એવા દેશભક્તિના માહોલ સાથે ઑપરેશન સિંદૂરની સફળતાને લોકોએ વધાવી હતી અને નરેન્દ્ર મોદી પર પુષ્પોની વર્ષા કરીને જનજને તેમનું અભિવાદન કરીને આવકાર્યા હતા. એટલું જ નહીં, એકસાથે એક જ રૂટ પર દોઢથી બે કિલોમીટર સુધી હજારોની સંખ્યામાં લોકોએ સેનાના સન્માનમાં નરેન્દ્ર મોદી સામે તિરંગો લહેરાવી પોતાની લાગણી વ્યક્ત કરવાની સુખદ ઘટના બની હતી.
ADVERTISEMENT

રફાલ વિમાન સહિતનાં સેનાનાં યુદ્ધ-જહાજો અને શસ્ત્રોની પ્રતિકૃતિ મુકાઈ હતી.

સેનાના જવાનો અને નરેન્દ્ર મોદીને આવકારતાં પ્લૅકાર્ડ સાથે લોકો ઊમટ્યા હતા.
ગાંધીનગરમાં સ્વર્ણિમ પાર્કથી મહાત્મા મંદિર સુધીના દોઢથી બે કિલોમીટરના રોડ-શોમાં કેસરી કલરની જીપમાં નરેન્દ્ર મોદી સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પ્રધાન સી. આર. પાટીલ તેમની સાથે જોડાયા હતા. ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ રોડ-શોમાં પદયાત્રા કરી હતી. આ રોડ-શો જ્યાંથી શરૂ થયો ત્યાંથી લઈને મહાત્મા મંદિર સુધી હજારો લોકોએ હાથમાં તિરંગો લઈને હરખભેર લહેરાવ્યો હતો. એની સાથે-સાથે ભારત માતા કી જયના જયઘોષ સાથે દેશભક્તિનાં ગીતો સાથે અને લોકોના ઉલ્લાસના પગલે સમગ્ર રૂટ પર દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. ખુલ્લી જીપમાં ઊભા રહીને લોકોનું અભિવાદન જીલી રહેલા નરેન્દ્ર મોદીને લોકોએ તેમના મોબાઇલમાં કૅપ્ચર કર્યા હતા. બીજી તરફ જબરદસ્ત શૌર્ય બતાવીને પાકિસ્તાનનાં નવ સ્થળોએ સેનાએ હવાઈ હુમલા કરીને પાકિસ્તાનને હચમચાવી દેતાં લોકો જવાનોને નમન કરતાં અને તેમની બહાદુરીને બિરદાવતાં પ્લૅકાર્ડ સાથે ઊમટ્યા હતા. ‘સેનાને શત-શત વંદન, મોદીજીને દેશનું સંપૂર્ણ સમર્થન’ના લખાણ સાથેનાં પ્લૅકાર્ડ લઈને લોકો ઊભા હતા.

ભારતીય આર્મ્ડ ફોર્સિસની વીરાંગનાઓના વેશમાં આવી હતી કેટલીક યુવતીઓ.

લોકોએ નરેન્દ્ર મોદીને પોતાના મોબાઇલમાં કૅપ્ચર કરવાની તક છોડી નહોતી.
રોડ-શો દરમ્યાન ઘણી બધી મહિલાઓ સાંકેતિક રીતે સિંદૂરી કલરની સાડી પહેરીને આવી હતી અને નરેન્દ્ર મોદીને ગુલાબની પાંખડીઓથી વધાવ્યા હતા. માર્ગમાં ઊભા કરાયેલાં ૧૫ સ્ટૅન્ડમાં દેશપ્રેમની થીમ આધારિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતાં હૉર્ડિંગ્સ, ભારતીય સેનાની બ્રહ્મોસ મિસાઇલ અને રફાલ વિમાનની પ્રતિકૃતિ સહિત વિવિધ ઝાંખીઓ મુકાઈ હતી જેના પગલે આખું ગાંધીનગર જાણે કે રાષ્ટ્રપ્રેમ સાથે દેશ પ્રથમની ભાવનામાં ઓતપ્રોત બન્યું હતું. રોડ-શો પૂરો થતાં લોકો દેશભક્તિનાં ગીતો પર ઝૂમી ઊઠ્યા હતા તો કેટલીક જગ્યાઓએ ગરબે ઘૂમીને લોકોએ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.


