સમગ્ર ગુજરાતમાંથી દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારજનો આવશે અમદાવાદ : સિવિલ હૉસ્પિટલમાં પણ થશે પ્રાર્થનાસભા ઃ ૨૬૦ છોડવાઓનું થશે વૃક્ષારોપણ
દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં કમલેશ ચૌધરી અને તેની પત્ની ધાપુબહેન.
એક વર્ષ પહેલાં ૨૦૨૫ની ૧૨ જૂને ગુજરાતના અમદાવાદ ઍરપોર્ટ પરથી ઉડાન ભરીને લંડન જવા માટે ઍર ઇન્ડિયાનું વિમાન હજી તો અમદાવાદના સીમાડા વટાવે એ પહેલાં જ પ્રચંડ વિસ્ફોટ થતાં કાટમાળમાં ફેરવાઈ ગયું હતું અને એકમાત્ર મુસાફર સિવાય બાકીના તમામ મુસાફરો અને ક્રૂ-મેમ્બર્સનાં મોત થયાં હતાં. આ દર્દનાક અને ભૂલી ન શકાય એવી દુર્ઘટનામાં જ્યાં વિમાન તૂટી પડ્યું હતું ત્યાં જઈને આજે મૃત્યુ પામેલા તમામ લોકોના આત્માની શાંતિ માટે હતભાગી પરિવારો પ્રાર્થના કરશે.
ઉત્તર ગુજરાતના ધાનેરા તાલુકાના થાવર ગામમાં રહેતા સવદાન ચૌધરીના દીકરા કમલેશ અને તેની પત્ની ધાપુબહેન પણ આ દુર્ઘટનામાં કાળનો કોળિયો બની ગયાં હતાં. પોતાનો દીકરો અને પુત્રવધૂ ગુમાવનાર થાવર ગામના સવદાન ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો દીકરો ત્રણ વર્ષથી લંડન રહેતો હતો અને ત્યાં સર્વિસ કરતો હતો. અહીં તે આવ્યો હતો અને તેની પત્નીને લઈને લંડન જઈ રહ્યો હતો. મારા દીકરાનાં ૬ મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં, પરંતુ વિમાન-દુર્ઘટનામાં મારા દીકરા અને પુત્રવધૂનાં મૃત્યુ થયાં હતાં. તેમના આત્માની પ્રાર્થના માટે અમે અમદાવાદ જવાના છીએ. અમદાવાદમાં જ્યાં વિમાન તૂટી પડ્યું હતું એ સાઇટ પર જઈને અમે પ્રાર્થના કરવાના છીએ. અંદાજે ૧૫૦ જેટલા પરિવારના સભ્યો અહીં પ્રાર્થના કરવા આવશે.’
ADVERTISEMENT
અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજે સિવિલ હૉસ્પિટલ અને બેરામજી જીજીભોય (BJ) મેડિકલ કૉલેજ દ્વારા ઑડિટોરિયમમાં પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દુર્ઘટનામાં કુલ ૨૬૦ લોકોનાં મૃત્યુ થયાં હતાં જેમાં ૨૪૧ મુસાફરો અને ક્રૂ-મેમ્બર્સ તેમ જ અન્ય ૧૯ લોકો હતા. એમાં ૪ મેડિકલ સ્ટુડન્ટ્સનાં મૃત્યુ થયાં હતાં. આ દુર્ઘટનામાં ૭૧ લોકો ઘાયલ થયા હતા. પ્રાર્થનાસભા ઉપરાંત બ્લડ ડોનેશન કૅમ્પ અને ૨૬૦ છોડવાઓનું વૃક્ષારોપણ કરવામાં આવશે.’
