Navratri 2025: ટ્રાઇબવાઇબ એન્ટરટેઇનમેન્ટ ગરબાની ટિકિટને લઈને થઇ રહેલા ગેરકાયદેસર પુનર્વેચાણ તેમજ કાળાબજારની સખત નિંદા કરે છે
આદિત્ય ગઢવી
સમગ્ર દેશમાં ધામધૂમથી નવરાત્રિ (Navratri 2025)ની ઉજવણી કરવામાં આવી. જેમાં ગુજરાત તો ગરબાનો ગઢ કહેવાય. અમદાવાદ, બરોડા સહીતના અનેક સ્થળોએ મોટા પાયે ગરબાનું આયોજન થયું. આ વચ્ચે ગરબા આયોજકો દ્વારા થતી છેતરપીંડીની વાત પણ સામે આવી હતી. ગરબા આયોજકો એન્ટ્રી પાસનાં ધરખમ ભાવ રાખી ખેલૈયાઓને લૂંટતા હોવાની વાત પણ સામે આવી હતી. એટલું જ નહીં પણ ગરબા આયોજકો ગરબા ઉપરાંત ફૂડ અને બીજી અન્ય સર્વિસના નામે બમ્પર કમાણી કરતા હોવાનું પણ જાણવા મળ્યું હતું.
આ જ બાબત જીએસટી વિભાગના પણ ધ્યાનમાં આવી હતી. તાજેતરમાં જ અમદાવાદમાં વિવિધ ગરબા આયોજન સ્થળોએ જીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા. જીએસટીપાત્ર ટિકિટના રેટ્સ હોવા છતાં પણ જીએસટી સ્વરૂપે કશું જ જમા ન થવાથી જીએસટી વિભાગે તપાસ હાથ ધરી હતી. તપાસના ભાગરૂપે અમદાવાદની અંદર જાણીતા લોકગાયક આદિત્ય ગઢવી (Navratri 2025) તેમજ જીગરદાન ગઢવીના ગરબા આયોજક રંગ મોરલા, સુવર્ણ અને સ્વર્ણિમ નગરી ગરબા જેવા આયોજનસ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
આ સમગ્ર તપાસ હાથ ધરીને જીએસટી વિભાગ આવક દર્શાવતા ડોક્યુમેન્ટ્સ ઇન્કમટેક્સ વિભાગને સોંપે તેવી પણ શક્યતા વર્તાઈ રહી હતી. આમ, અમદાવાદમાં જ્યારે બરાબરની નવરાત્રિનો રંગ જામ્યો હતો ત્યારે આ રીતે જીએસટી વિભાગે દરોડા પાડીને ગરબાના આયોજકો દ્વારા ગરબા (Navratri 2025)ને નામે જે ધૂમ કમાણી કરવામાં આવે છે તેને ખુલ્લો પાડવાનો પ્રયાસ કરાયો હતો. જીએસટી વિભાગને જાણવામાં આવ્યું હતું કે ગરબાસ્થળો પર મર્યાદિત ક્ષમતા હોવાનું કહીને ઉંચી કિંમતે એન્ટ્રી પાસ વેચીને કાળાબજાર થઇ રહ્યું છે.
ટ્રાઇબવાઇબ એન્ટરટેઇનમેન્ટ પ્રા. લિ.એ સત્તાવાર નિવેદનમાં શું કહ્યું?
અમદાવાદમાં (Navratri 2025) `રંગ મોરલા`ના આયોજનમાં આદિત્ય ગઢવીના સૂરે ખેલૈયાઓએ ખૂબ ધમાલ કરી હતી. પરંતુ જીએસટી વિભાગના દરોડા પછી ટ્રાઇબવાઇબ એન્ટરટેઇનમેન્ટ પ્રા. લિ. તરફથી સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. ટ્રાઇબવાઇબ એન્ટરટેઇનમેન્ટના પ્રવક્તાએ આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે "ટ્રાઇબવાઇબ એન્ટરટેઇનમેન્ટ ગરબાની ટિકિટને લઈને થઇ રહેલા ગેરકાયદેસર પુનર્વેચાણ તેમજ કાળાબજારની સખત નિંદા કરે છે. અમદાવાદમાં આદિત્ય ગઢવીને સંગે અમારા `રંગ મોરલા`ના આયોજનમાં ટિકિટોના પુનર્વેચાણને લઈને અમારો કોઈ અનધિકૃત અથવા તૃતીય પક્ષ વ્યક્તિઓ/પ્લેટફોર્મ સાથે કોઈ સંબંધ નથી. અમે નિયમિત તપાસના ભાગરૂપે આ કાર્યક્રમની મુલાકાત લેનારા જીએસટીના અધિકારીઓને પણ પુરેપૂરો સહકાર આપ્યો હતો. અમે અમારા તમામ કાર્યક્રમો વતી પારદર્શક રીતે કામ કરી રહ્યા છીએ અને કાયદાનું સંપૂર્ણ પાલન કરીએ છીએ. અમે ખેલૈયાઓને છેતરપિંડીથી બચવા માટે માત્ર અધિકૃત ચેનલો દ્વારા જ ટિકિટ ખરીદવાની સલાહ આપીએ છીએ"
Navratri 2025: તમને જણાવી દઈએ કે ગુજરાતનો ખૂબ જ જાણીતો અને માનીતો લોકગીતોનો અવાજ એટલે આદિત્ય ગઢવી. આ વર્ષે અમદાવાદમાં આદિત્ય સાથે ખેલૈયાઓએ મનમૂકીને ગરબા ખેલ્યા.


