બોરીવલી અને કાંદિવલી સહિતના વિસ્તારોમાં રહેતા સેવાભાવી કાર્યકરોએ પદયાત્રીઓ માટે કરી સેવા
સેવા-કૅમ્પમાં પદયાત્રીઓને પીરસાતો નાસ્તો.
મુંબઈના આઈશ્રી મા આશાપુરા પરિવાર અસોસિએશને કચ્છના ભુજ પાસે મિરજાપર હાઇવે પર યોજ્યો સેવા-કૅમ્પ, આ વખતે ૨૩મું વર્ષ ઃ બોરીવલી અને કાંદિવલી સહિતના વિસ્તારોમાં રહેતા સેવાભાવી કાર્યકરોએ પદયાત્રીઓ માટે કરી સેવા ઃ ૨૪ કલાક નાસ્તા સાથે ભોજન તેમ જ પગની માલિશ-મસાજની સગવડ
આદ્યશક્તિ જગદ જનનીની નવરાત્રિ આવી પહોંચી છે ત્યારે, કચ્છના વિશ્વવિખ્યાત યાત્રાધામ માતાના મઢમાં બિરાજમાન આશાપુરા માનાં દર્શન માટે લાખ્ખો માઈભક્તો પગપાળા માતાના મઢ પહોંચી રહ્યા છે ત્યારે દેશ-વિદેશથી આવતા પદયાત્રીઓની સેવા માટે મુંબઈના આઈશ્રી આશાપુરા પરિવાર અસોસિએશને ભુજ પાસે મિરજાપર હાઇવે પર સેવા-કૅમ્પ યોજ્યો છે. આ સેવા-કૅમ્પમાં પદયાત્રીઓને મુંબઈના સ્પેશ્યલ વડાપાઉંનો સ્વાદ દાઢે વળગ્યો છે.
ADVERTISEMENT


સેવા-કૅમ્પમાં પદયાત્રીઓના પગની માલિશ અને મસાજ કરતા સેવાભાવીઓ.
કચ્છમાં વર્ષોથી સેવા-કૅમ્પ કરતાં મુંબઈના આઈશ્રી આશાપુરા પરિવાર અસોસિએશનનાં સભ્ય અને બોરીવલીમાં રહેતાં આરતી નથવાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈથી અમે ૩૦થી વધુ કાર્યકરો તેમ જ રસોઈ કરવા માટે મહારાજને સાથે લઈને પદયાત્રીઓની સેવા માટે કચ્છ આવ્યા છીએ. અમારા કૅમ્પમાં ૨૪ કલાક ગરમ નાસ્તો તેમ જ બે ટાઇમ ભોજન કરાવીએ છીએ. એ ઉપરાંત પદયાત્રીઓને પગની માલિશ કરી આપીએ છીએ. અમારા કૅમ્પમાં પદયાત્રીઓ વિસામો લઈ શકે એ માટે પણ વ્યવસ્થા કરી છે. કૅમ્પમાં ફૂડ-કાઉન્ટર ૨૪ કલાક ખુલ્લું હોય છે. રોજ ગરમ નાસ્તો અને જમવાનું મહારાજ બનાવે છે. પૌંઆ અને ઉપમા સહિતના અલગ-અલગ નાસ્તાની સાથે મુંબઈનાં ફેમસ બટાટાવડાં પદયાત્રીઓ માટે ખાસ બનાવીએ છીએ. પહેલાં અમે દરરોજ અલગ-અલગ નાસ્તો બનાવતા હતા એટલે કૅમ્પ દરમ્યાન બટાટાવડાં એક દિવસ બનાવતા હતા, પરંતુ પદયાત્રીઓ અમને કહે છે કે અમે ખાસ મુંબઈનાં સ્પેશ્યલ બટાટાવડાં ખાવા તમારા કૅમ્પમાં આવીએ છીએ એટલે અમે પદયાત્રીઓની ડિમાન્ડ પર છેલ્લાં કેટલાંક વર્ષથી કૅમ્પ દરમ્યાન રોજ વડાપાંઉ પીરસીએ છીએ. અલગ-અલગ નાસ્તા સાથે પૂરી-શાક, દરરોજ એક મિષ્ટાન્ન ઉપરાંત ભજિયાં, ભાજીપાઉં, દાબેલી, બ્રેડબટર, પાપડી, ફરસી પૂરી, ગાંઠિયા, બૂંદી સહિતના નાસ્તા બનાવીએ છીએ. મુંબઈથી અમે કચ્છમાં પદયાત્રીઓ માટે કૅમ્પ કરવા આવીએ ત્યારે ૧૦૦થી ૧૫૦ કિલો થેપલાં અને ૧૦૦ કિલો અથાણું લઈ આવીએ છીએ. અમે ચાર દિવસ કૅમ્પ કરીએ છીએ.’

સેવા-કૅમ્પમાં મુંબઈનાં પ્રીતિ સંઘવી, આરતી નથવાણી અને રિયા મહાજન.
કેમ્પમાં પદયાત્રીઓ માટે પ્રાથમિક મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ છે એ વિશે વાત કરતાં આરતી નથવાણીએ કહ્યું હતું કે ‘કૅમ્પમાં અમે પ્રાથમિક દવા રાખીએ છીએ જેમાં તાવ, ઊલટી, પેટમાં દુખાવો થાય એના સહિતની દવાઓ રાખીએ છીએ. પદયાત્રીઓ ચાલી-ચાલીને થાકી જતા હોય કે તેમના પગમાં તકલીફ થઈ હોય એવા પદયાત્રીઓના પંજાની સફાઈ કરીને મલમપટ્ટી કરીએ છીએ તેમ જ પગની માલિશ કરીને પદયાત્રીઓને હળવાફૂલ બનાવીએ છીએ જેથી તેઓ માતાજીના મંદિર સુધી તેમની પદયાત્રા પૂરી કરી શકે.’
રજા લઈને સેવાકાર્યો
સેવા-કૅમ્પમાં ઘણા લોકો નોકરીમાં રજા મૂકીને સેવા માટે આવે છે એ વિશે વાત કરતાં આરતી નથવાણીએ કહ્યું હતું કે ‘ગુરુમાના આશીર્વાદથી અમે પદયાત્રીઓની સેવા કરીએ છીએ. સેવા-કૅમ્પનું આ અમારું ૨૩મું વર્ષ છે. અમીષા જોશી, મનીષ મહાજન, મહેશ નથવાણી, કૌશલ ઉપરાંત દેસાઈ ફૅમિલી, મહાજન ફૅમિલી, પારેખ ફૅમિલી અને ટંડન પરિવારના સભ્યો સેવા-કૅમ્પમાં સેવા કરવા આવે છે. ઘણા લોકો જૉબ કરે છે, પણ આ દિવસોમાં તેઓ રજા મૂકીને પદયાત્રીઓની સેવા માટે કૅમ્પમાં જોડાવા મુંબઈથી કચ્છ આવે છે. સેવા-કૅમ્પમાં અમે જાતે ખર્ચ કરીએ છીએ તેમ જ ઘણા દાતાઓ અમને ડોનેશન પણ આપે છે.’


