ગાંધીનગરની પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં મુકેશ અંબાણીએ વડા પ્રધાનનાં વખાણ કર્યાં
મુકેશ અંબાણી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન મુકેશ અંબાણીએ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યાં હતાં અને કહ્યું હતું કે આ ભારતીય નેતા અવિરત નિશ્ચય અને અમર્યાદ ઊર્જા ધરાવે છે. ગાંધીનગરની પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (PDEU)ના બારમા દીક્ષાંત સમારોહમાં બોલતાં મુકેશ અંબાણીએ મોદીના નેતૃત્વને ઉદાહરણીય ગણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે તેમની પાસે વિચારોને વાસ્તવિકતામાં બદલવાની ક્ષમતા છે. વાંચો બીજું શું-શું બોલ્યા મુકેશ અંબાણી...
આપણા પ્રિય વડા પ્રધાન પાસેથી શીખવા જેવી ઘણી બાબતો છે. મોદી ક્યારે પણ સારા વિચારને વ્યર્થ જવા દેતા નથી. તેમની ‘મન કી બાત’ અનિવાર્યપણે તેમના ‘મનનો સંકલ્પ’ બની જાય છે. તેમનો સંકલ્પ હંમેશાં વજ્ર સંકલ્પ હોય છે. તેમનો સંકલ્પ હીરા જેવો કઠોર હોય છે. તેઓ સંકલ્પ કરીને આરામ કરતા નથી. તેમને ખબર હોય છે કે સંકલ્પને સફળતામાં કેવી રીતે પરિવર્તિત કરવાનો છે.
ADVERTISEMENT
વિશ્વએ મોદીની અમર્યાદ ઊર્જામાંથી શીખવું જોઈએ. મોદીનું નામ અનંત શક્તિ-અનંત ઊર્જા માટે વપરાય છે. લોકો વારંવાર સવાલ પૂછે છે કે મોદી ક્યારે આરામ કરે છે અથવા તેઓ આરામ કરે છે કે નહીં? મારી પાસે આનો જવાબ છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીએ જે કહ્યું છે એમાં જવાબ છે. તેમણે કહ્યું હતું કે ‘કામ મેં બદલાવ હી વિશ્રાંતિ હૈ.’ આપણા વડા પ્રધાનનું આ સૂત્ર છે.
મુકેશ અંબાણીએ સ્ટુડન્ટ્સને આપ્યા પાંચ ગાઇડિંગ પ્રિન્સિપલ્સ
આ સમારોહમાં મુકેશ અંબાણીએ સ્ટુડન્ટ્સને પાંચ માર્ગદર્શક સિદ્ધાંતો આપ્યા હતા...
૧. તમારા સાચા જુસ્સાને શોધો, તમારા આત્માને જે ઉત્તેજિત કરે છે એ શોધો. જ્યારે તમે તમારી ઊર્જા તમને મનગમતી વસ્તુ માટે સમર્પિત કરો છો ત્યારે કાર્ય આનંદ બની જાય છે અને પડકાર વિકાસની તક બની જાય છે.
૨. આજીવન શિક્ષણથી પ્રતિબદ્ધ રહો. ઝડપથી ટેક્નૉલૉજીની પ્રગતિના આ યુગમાં સતત શીખવાની ઇચ્છા એ કોઈ વિકલ્પ નથી, એ અસ્તિત્વ અને સફળતા માટે આવશ્યક છે. એથી જિજ્ઞાસાને અપનાવો અને ક્યારેય શીખવાનું બંધ ન કરો.
૩. વહેંચણીનો ગુણ કેળવો. જાણો કે જ્યારે જ્ઞાન વહેંચવામાં આવે છે ત્યારે એ વધે છે. અન્ય લોકોને આગળ આવવામાં મદદ કરીને તમે તમારી જાતને ઉન્નત કરો છો અને પરસ્પર વિકાસ અને પ્રગતિનો સમુદાય બનાવો છો.
૪. અર્થપૂર્ણ સંબંધોમાં રોકાણ કરો. સાચાં જોડાણો કે જેને હું ‘દિલ કે રિશ્તે’ કહું છું, એ વ્યક્તિગત અને વ્યાવસાયિક સફળતાનો પાયો છે. વિશ્વાસ બનાવો, સન્માન આપો, ચારિત્ર્યનિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરો અને સમયની કસોટી પર ઊભેલા સંબંધોનું જતન કરો.
૫. તમારા કૌટુંબિક બંધનોને વહાલ કરો અને એનું જતન કરો. કુટુંબ જ જીવનને હેતુ અને દિશા આપે છે; એ કુટુંબની અંદર જ છે કે તમે કાળજી, સહાનુભૂતિ, સ્થિતિસ્થાપકતા અને ગુણો જેવાં મૂલ્યો શીખો છો, જે તમારી સફળતાની સફરને આકાર આપશે.


