ગઈ કાલે પણ ગુજરાતના ૩૧ તાલુકાઓમાં પડ્યો વરસાદઃ વાવેતર સમયે વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશાલીનો માહોલ ઃ ૬ દિવસ દરમ્યાન વરસાદ પડવાની આગાહી
બુધવારે રાતે બાલાસિનોરમાં ૬ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, ગઈ કાલે બે ઇંચ વરસાદમાં નડિયાદ જાણે કે પાણી-પાણી થઈ ગયું
ગુજરાતમાં સત્તાવાર રીતે વરસાદનું આગમન થયું છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બુધવારે મેઘો મન મૂકીને વરસ્યો હતો જેમાં બાલાસિનોરમાં ૬ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. એટલું જ નહીં, ગઈ કાલે બે ઇંચ વરસાદમાં નડિયાદ જાણે કે પાણી-પાણી થઈ ગયું હતું. વાવેતર સમયે વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશહાલીનો માહોલ છવાઈ ગયો છે. બીજી તરફ ગુજરાતમાં ૬ દિવસ દરમ્યાન વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
ગઈ કાલે ગુજરાતના ૩૧ તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ પડ્યો હતો. નડિયાદમાં બે ઇંચથી વધુ, બરવાળામાં સવા ઇંચ, વડાલીમાં ૧ ઇંચ અને જામનગરમાં ૧ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પંચમહાલ, ભાવનગર, અમદાવાદ, વડોદરા, દાહોદ, સુરત, નવસારી, રાજકોટ, ખેડા, મહીસાગર, તાપી સહિતના જિલ્લાઓમાં કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. નડિયાદ, બરવાળા અને જામનગરમાં વરસાદી પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓ પરેશાનીમાં મુકાયા હતા.
ADVERTISEMENT
બુધવારે રાતે વરસાદ પડ્યો
બુધવારે રાતે ૬૩ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો જેમાં બાલાસિનોરમાં ૬ ઇંચ જેટલો, ભીલોડામાં ૩ ઇંચ, સતલાસણામાં ૩ ઇંચ જેટલો, ધનસુરા, ગલતેશ્વર, કપડવંજ, ઘોઘંબા અને જાંબુઘોડામાં બે-બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
કામચલાઉ કૉઝવે ધોવાતાં લોકો અટવાયા
મધ્ય ગુજરાતમાં મહુધા તાલુકાના હેરંજ નજીક શેઢી નદી પર નવા બ્રિજનું કામ ચાલી રહ્યું છે જેના કારણે એની બાજુમાં કામચલાઉ કૉઝવે બનાવ્યો હતો. જોકે બુધવારે રાતે પડેલા વરસાદના પગલે પાણી આવતાં આ કામચલાઉ કૉઝવે ધોવાઈ ગયો હતો જેના કારણે ખેડા અને આણંદ વચ્ચેનો વાહનવ્યવહાર ખોરવાયો હતો.
