આવો કડક નિયમ લાગુ કરનારો પ્રથમ આરબ દેશ બન્યો
પ્રતીકાત્મક તસવીર
બાળકોને ડિજિટલ દુનિયાનાં જોખમોથી બચાવવા માટે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ની કૅબિનેટે એક મોટો અને અભૂતપૂર્વ નિર્ણય લીધો છે. UAE સરકારે હવે બાળકો માટે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મનો ઉપયોગ કરવા માટેની લઘુતમ ઉંમર ૧૫ વર્ષ નક્કી કરતો પ્રસ્તાવ મંજૂર કર્યો છે. આ પ્રકારનો કડક સુરક્ષા-નિયમ લાવનારો એ પ્રથમ આરબ દેશ બન્યો છે. આ નવા નિયમો હેઠળ ૧૫ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો પોતાનું પર્સનલ સોશ્યલ મીડિયા અકાઉન્ટ ખોલી કે ઑપરેટ કરી શકશે નહીં તેમ જ તેમના માટે ઍપ્સનાં કેટલાંક ચોક્કસ ફીચર્સ પર પણ પ્રતિબંધ રહેશે.
આ નવી ગાઇડલાઇન્સમાં બાળકોને સાઇબર બુલિંગ, હાનિકારક કન્ટેન્ટ અને પ્રાઇવસીનાં જોખમોથી સુરક્ષિત રાખવા માટે વય-આધારિત કન્ટેન્ટ કન્ટ્રોલ, અજાણ્યા યુઝર્સ સાથે વાતચીત પર પ્રતિબંધ અને સ્ક્રીન-ટાઇમ લિમિટ જેવાં પર્સનલ પ્રોટેક્શન ફીચર્સ સામેલ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત વાલીઓ બાળકોની ઑનલાઇન પ્રવૃત્તિઓ પર સરળતાથી નજર રાખી શકે એ માટે પેરન્ટલ મૉનિટરિંગ ટૂલ્સ પણ આપવામાં આવશે. ૨૦૨૪ના એક સર્વે અનુસાર UAEમાં બાળકો દરરોજ સરેરાશ આશરે ૩ કલાક જેટલો સમય સોશ્યલ મીડિયા પાછળ વિતાવે છે જે તેમના માનસિક વિકાસ માટે ચિંતાનો વિષય બન્યો હતો.
એક વર્ષની ડેડલાઇન
ADVERTISEMENT
સરકારે સ્નૅપચૅટ, ટિકટૉક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને X (ટ્વિટર) જેવાં પ્લૅટફૉર્મ્સને આ નવા નિયમો અને તકનીકી ફેરફારો અપનાવવા માટે એક વર્ષનો સમય આપ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં બાળકો માટે સોશ્યલ મીડિયાના નિયમનનો વૈશ્વિક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેમાં તાજેતરમાં જ બ્રિટન, ઑસ્ટ્રેલિયા અને મલેશિયાએ પણ કડક વયમર્યાદા નક્કી કરી છે. જોકે આ પ્રતિબંધમાંથી વૉટ્સઍપ અને સિગ્નલ જેવી પર્સનલ મેસેજિંગ સેવાઓને મુક્તિ આપવામાં આવી છે.
