ઓડિશાથી આવેલા સૅન્ડ-આર્ટિસ્ટે સોમનાથ મંદિર અને શિવતાંડવની કૃતિઓ બનાવી : સોમનાથમાં વહેલી પરોઢથી દેવાધિદેવની થશે પૂજા-અર્ચના : આજે ૧૩ લાખથી વધુ શિવભક્તો ઘેરબેઠાં કરાવશે બિલ્વપૂજા
રેતશિલ્પ
સૌરાષ્ટ્રમાં આવેલા જગવિખ્યાત યાત્રાધામ સોમનાથમાં મહાશિવરાત્રિના પર્વને લઈને પહેલી વાર ૬૦ ટન રેતીમાંથી રેતશિલ્પ બનાવ્યાં છે. ઓડિશાથી આવેલા સૅન્ડ-આર્ટિસ્ટોએ બનાવેલી આ કલાકૃતિઓએ શિવભક્તોમાં આકર્ષણ જમાવ્યું છે. આજે મહાશિવરાત્રિના અવસરે સોમનાથ મંદિરમાં વહેલી પરોઢથી પૂજા-અર્ચના થશે. સોમનાથ મંદિરમાં આજે ૧૩ લાખથી વધુ શિવભક્તોની બિલ્વપૂજા કરવામાં આવશે.
મહાશિવરાત્રિના પર્વમાં ભગવાન સોમનાથદાદાનાં દર્શન કરવા માટે અગણિત શિવભક્તો ઊમટી રહ્યા છે. સોમનાથમાં ઓડિશાથી આવેલા સૅન્ડ-આર્ટિસ્ટ નારાયણ સાહુ અને તેમની ટીમે બનાવેલી કલાકૃતિઓએ આકર્ષણ જમાવ્યું છે. આ કલાકારોએ રેતશિલ્પના માધ્યમથી તેમની કલાનું પ્રદર્શન કર્યું છે. આ રેતશિલ્પ તૈયાર કરવામાં ૬૦ ટન રેતી અને બેથી ત્રણ હજાર લીટર પાણીનો ઉપયોગ થયો છે. ૩ દિવસમાં જુદાં-જુદાં આર્ટ તૈયાર કરવામાં આવ્યાં છે જેમાં ગણપતિ, શિવ-પાર્વતી અને કાર્તિકેયનાં સ્કલ્પ્ચર્સ, સોમનાથ મંદિર અને શિવતાંડવની કૃતિઓ તૈયાર કરી છે.


