અરવલ્લી જિલ્લામાં શામળાજી પાસે રોડ-અકસ્માતમાં એક દીપડો ગંભીર રીતે ઘાયલ થયો હતો
દીપડાની સારવાર કરી રહેલી ટીમ.
અરવલ્લી જિલ્લામાં શામળાજી પાસે રોડ-અકસ્માતમાં એક દીપડો ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગાંધીનગરમાં આવેલા ગુજરાત ઇકોલૉજિકલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશનમાં સારવાર માટે લાવવામાં આવેલા આ દીપડાની ૮ મહિના સારવાર કરીને વેટરિનરી ટીમે એને ફરી હરતો-ફરતો કરી દીધો છે.
આ વર્ષે ૧૯ જાન્યુઆરીએ શામળાજી પાસે ખેરંચા-ખોડંબા હાઇવે પર થયેલા અકસ્માતમાં દીપડો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. વનવિભાગની રેસ્ક્યુ ટીમે સુરિક્ષત રીતે દીપડાને વિભાગીય સુવિધા કેન્દ્રમાં ખસેડ્યો હતો જ્યાં પશુપાલન વિભાગના વેટરિનરી અધિકારીઓએ એની સારવાર શરૂ કરી હતી. ૨૦ જાન્યુઆરીએ અરવલ્લી વનવિભાગે ગુજરાત ઇકોલૉજિકલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ દીપડાને હિંમતનગરના રાજપુરમાં આવેલી કામધેનુ યુનિવર્સિટીના રેફરલ સેન્ટર, ટીચિંગ વેટરિનરી ક્લિનિક્લ કૉમ્પ્લેક્સમાં રેડિયોગ્રાફી તપાસ માટે લઈ જવાયો હતો. ઈજાને કારણે દીપડાને લકવો થયો હતો અને એ ઊભો થઈ શકતો નહોતો. કરોડરજ્જુની ઈજા સાથે દીપડાને અન્ય અનેક ઈજાઓ થઈ હતી જેમાં નીચલા જડબાની ગંભીર ઈજાનો સમાવેશ થાય છે. એના નીચલા હોઠ ઢળી ગયા હતા. મોઢા અને પેઢાંની પેશીઓને ગંભીર નુકસાન થયું હતું. લકવાગ્રસ્ત દીપડાને ગાંધીનગરના ઇન્દ્રોડા નેચર પાર્ક ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ફાઉન્ડેશનની વેટરિનરી ટીમે એની સારવાર શરૂ કરી હતી.
ADVERTISEMENT
ગંભીર ઈજા પામેલા દીપડાને ગુજરાત ઇકોલૉજિકલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા મહિનાઓ સુધી આપવામાં આવેલી પશુચિકિત્સા સારવાર અને પુનર્વસન બાદ ફરી વખત હરતો-ફરતો થતાં વન અને પર્યાવરણપ્રધાન અર્જુન મોઢવાડિયાએ ફાઉન્ડેશનની ટીમને અભિનંદન આપ્યાં હતાં.
