મેયર રિતુ તાવડેએ BMCના અધિકારીઓને આ બાબતે વૉર્ડ-ઑફિસરો સાથે મળી વહેલી તકે પગલાં લઈને ખાડા પૂરી લેવાનો આદેશ આપ્યો હતો
ફાઇલ તસવીર
મુંબઈગરાના લાડકા ગણપતિબાપ્પાની સવારી આવવાની હવે તૈયારી છે ત્યારે મુંબઈના રસ્તાઓ પર પડેલા ખાડા એમના આગમન વખતે અડચણરૂપ ન બને એ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ આ બાબતને ગંભીરતાથી લઈને પાંચ જ દિવસમાં ૧૦૨૭ ખાડા પૂરી દીધા હોવાનો દાવો કર્યો છે.
ગણેશ મંડળ સાર્વજનિક સમન્વય સમિતિના ચૅરમૅન નરેશ દહિબાવકરે આ બાબતે કહ્યું હતું કે ‘અમે ૧૪ ઑગસ્ટે મેયર રિતુ તાવડેને મળીને આ બાબતે રજૂઆત કરી હતી. ગણપતિબાપ્પાના આગમન અને વિસર્જન વખતે રસ્તા પરના ખાડા બહુ જ જોખમી હોય છે. એ વખતે ગણેશમૂર્તિને નુકસાન થવાની શક્યતાઓ હોય છે. એથી અમે રસ્તા પરના ખાડા પૂરી લેવા વિનંતી કરી હતી. અમારી એ રજૂઆત પછી મેયર રિતુ તાવડેએ BMCના અધિકારીઓને આ બાબતે વૉર્ડ-ઑફિસરો સાથે મળી વહેલી તકે પગલાં લઈને ખાડા પૂરી લેવાનો આદેશ આપ્યો હતો.’
ADVERTISEMENT
આંકડાબાજી
૮૧૮૭ ખાડા પડ્યા હોવાની ફરિયાદો ૧૦ જૂનથી ૨૧ ઑગસ્ટ દરમ્યાન મળી હતી.
૮૦૨૯ ફરિયાદોનો નિકાલ લાવીને ખાડા પૂરી લેવાયા છે.
૧૫૮ ફરિયાદોના ખાડા પૂરવાના બાકી છે.
૨૧ દિવસમાં ૩૩૭૬ ફરિયાદો મળી હતી.
૧૦૨૭ ફરિયાદોનો નિકાલ લાવીને છેલ્લા પાંચ દિવસમાં ખાડા પૂરી લેવાયા હતા.
- સાર્થક મહેતા
