મધ્ય ગુજરાતમાં ચાલી રહેલી ઉત્તરવાહીની પંચકોશી નર્મદા પરિક્રમા દરમ્યાન વીક-એન્ડની રજામાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ પરિક્રમાર્થીઓ આવ્યા : વહીવટી તંત્રએ અપીલ કરવી પડી કે શનિવાર-રવિવાર કરતાં સપ્તાહના ચાલુ દિવસોમાં પરિક્રમા કરવા આવો
નર્મદા પરિક્રમા માટે વીક-એન્ડમાં મોડી રાતથી જ ધાર્મિકજનોનો ધસારો થયો હતો.
મધ્ય ગુજરાતના વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીની ઉત્તરવાહીની પંચકોશી પરિક્રમા કરવા માટે વીક-એન્ડમાં લાખ્ખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ ઊમટતાં પરિક્રમા માર્ગ પર ધાર્મિકજનોનો ભારે જમાવડો થયો હતો. વીક-એન્ડમાં લાખ્ખોની સંખ્યામાં લોકો પરિક્રમા કરવા આવતાં જિલ્લા વહીવટી તંત્રએ લોકોને અપીલ કરવી પડી હતી કે શનિવાર–રવિવાર કરતાં સપ્તાહના ચાલુ દિવસોમાં પરિક્રમા કરવા આવો.
ADVERTISEMENT
પરિક્રમા કરીને ધન્યતા અનુભવી રહેલા ધાર્મિકજનો.
નર્મદા નદી નર્મદા જિલ્લામાં લગભગ છ કિલોમીટર સુધી ઉત્તર દિશામાં વહે છે અને એથી જ દર વર્ષે ચૈત્રી મહિનામાં ઉત્તરવાહીની પંચકોશી નર્મદા પરિક્રમા યોજાય છે જેનું વિશેષ માહાત્મ્ય છે. નદીના બન્ને છેડા પર થઈને કુલ ૧૪ કિલોમીટરની પરિક્રમા થાય છે અને એ એક જ દિવસમાં પૂરી થાય છે. આ વર્ષે ૨૯ માર્ચથી શરૂ થયેલી ઉત્તરવાહીની પંચકોશી નર્મદા પરિક્રમા અગામી ૨૭ એપ્રિલ સુધી ચાલશે. અત્યાર સુધીમાં અંદાજે આઠથી ૧૦ લાખ લોકો પરિક્રમા કરી ચૂક્યા છે અને એમાં પણ ગયા શુક્રવારે, શનિવારે અને રવિવારે લાખ્ખોની સંખ્યામાં લોકો પરિક્રમા કરવા ઊમટતાં નર્મદા નદી કિનારો તેમ જ પરિક્રમાનો માર્ગ ધાર્મિકજનોથી ભરાઈ ગયો હતો. ખાસ કરીને વીક-એન્ડમાં વહેલી સવારથી જ લોકો ઠંડા પહોરમાં પરિક્રમા કરવા ઊમટ્યા હતા. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિતનાં રાજ્યોમાંથી પણ લોકો પરિક્રમા કરવા આવ્યા છે અને આવી રહ્યા છે.

