નરેન્દ્ર મોદીએ મંદિરમાં રથયાત્રાની પૂર્વસંધ્યાએ મોકલ્યો મગ, કેરી, જાંબુ, મીઠાઈ અને ચૉકલેટનો પ્રસાદ : ભૂપેન્દ્ર પટેલે સંધ્યા-આરતી ઉતારવાનો આધ્યાત્મિક લહાવો લીધો : જગન્નાથ મંદિરમાં વર્ષમાં એક વાર થતા સોનાવેશનાં થયાં દર્શન
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જગન્નાથજી મંદિરમાં આરતી ઉતારી હતી.
ગુજરાતના અમદાવાદમાં આજે જગતના નાથ જગન્નાથજી ભક્તોને દર્શન આપવા સામે ચાલીને નગરયાત્રાએ નીકળશે અને જડબેસલાક પોલીસ-બંદોબસ્ત વચ્ચે હર્ષોલ્લાસ અને ભક્તિભાવના માહોલ વચ્ચે રથયાત્રા યોજાશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે જગન્નાથ મંદિર હંમેશાં આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે ત્યારે ગઈ કાલે જગન્નાથ મંદિરમાં રથયાત્રાની પૂર્વ સંધ્યાએ તેમણે મગ, કેરી, જાંબુ, મીઠાઈ અને ચૉકલેટનો પ્રસાદ મોકલ્યો હતો. ગઈ કાલે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીએ સોનાવેશ ધારણ કર્યો હતો. વર્ષમાં એક જ વાર થતાં સોનાવેશનાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઊમટ્યા હતા. ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ મંદિરમાં આવીને જગન્નાથજીનાં ચરણમાં માથું ટેકવ્યું હતું અને આજે નીકળનારી રથયાત્રાની વિગતો મેળવી હતી. બીજી તરફ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ અમદાવાદના જગન્નાથજીના મંદિરમાં પૂજા-અર્ચના સાથે દર્શન કરીને સંધ્યા-આરતી ઉતારવાનો આધ્યાત્મિક લહાવો લીધો હતો અને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ‘અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી સાથે રથમાં બેસીને નગરચર્યાએ નીકળવાના છે અને લોકોને સામે ચાલીને દર્શન આપવાના છે. આપણી સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં રથયાત્રા નીકળવાની છે ત્યારે સૌને રથયાત્રા નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું છું.’
ADVERTISEMENT
અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, મહેસાણા, મોરબી, ગઢડા સહિત ગુજરાતનાં નાનાં-મોટાં શહેરો અને નગરોમાંથી કુલ ૧૩૬ રથયાત્રાઓ તેમ જ ૭૩ શોભાયાત્રાઓ ભક્તિભાવભર્યા વાતાવરણમાં યોજાશે.

