માસાસસરા સાથે બોલાચાલી બાદ વિવાદ વકરતાં વહુએ ૧૮૧ મહિલા હેલ્પ લાઇનને ફોન કરતાં પોલીસે મામલો થાળે પાડ્યો
પ્રતીકાત્મક તસવીર
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની ફાઇનલ મૅચે કરોડો ક્રિકેટરસીકોના હાર્ટ-બ્રેક કર્યા છે ત્યારે નવસારી જિલ્લાના એક ગામમાં વર્લ્ડ કપની ફાઇનલ મૅચને લઈને થયેલા વિવાદમાં સમજાવટના કારણે એક ફૅમિલી તૂટતી બચી ગઈ છે. ફૅમિલી સૌ સાથે મળીને મૅચ જોઈ રહ્યા હતા એ વખતે વર્લ્ડ કપની મૅચ ભારત હારશે એવું વહુએ કહેતાં સાસરિયાં સાથે બબાલ થઈ હતી. આ ઝઘડો એવો તો ઉગ્ર બન્યો કે વહુએ ૧૮૧ અભયમ, મહિલા હેલ્પ લાઇનને ફોન કરતાં પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો અને વહુ અને સાસરિયાં વચ્ચે સમાધાન કરાવ્યું હતું.
ગણદેવી તાલુકાના એક ગામમાં સાથે મળીને સૌ મૅચ જોઈ રહ્યા હતા એ દરમ્યાન વહુએ એવું કહ્યું હતું કે ભારત મૅચ હારી જશે. આ સાંભળીને તેના માસાસસરા અને પરિવારના બીજા સભ્યો ઉશ્કેરાઈ ગયા હતા અને આવું કેમ કહ્યું એમ કહીને વહુની સાથે ઝઘડો કર્યો હતો. આ વિવાદ વકરતાં વહુએ ૧૮૧ મહિલા હેલ્પ લાઇનમાં મદદ માટે ફોન કર્યો હતો.
ADVERTISEMENT
નવસારીમાં ૧૮૧ મહિલા હેલ્પ લાઇનનાં કાઉન્સેલર કૃપાલી પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગણદેવી તાલુકાના ધમડાચા ગામે રહેતા એક પરિવારના સભ્યો સૌ સાથે મળીને તેમના મામાના ઘરે વર્લ્ડ કપની મૅચ જોવા એકઠા થયા હતા. આ દરમ્યાન આ ઘરની વહુએ એમ કહ્યું હતું કે ભારત હારી જશે. આમ બોલતાં જ તેમના માસાસસરા સાથે બોલાચાલી થઈ હતી. અમને આ ઘટનાની જાણ ફોન દ્વારા થતાં બે ફૅમિલીના સભ્યોને એકઠા કરીને સમજાવ્યા હતા કે આ ગેમ છે જેમાં કોઈ એક ટીમ જીતે અને બીજી ટીમ હારે, ખેલદિલી રાખીને મૅચ જોવી જોઈએ. ૩૫થી ૪૦ મિનિટ સુધી બન્ને પક્ષોને સાંભળીને તેમનો મામલો થાળે પાડ્યો હતો અને બન્ને પક્ષ વચ્ચે સુમેળભર્યું વાતાવરણ ઊભું કરીને વહુને તેના સાસરે મોકલી હતી.’