ગુજરાતના દરિયામાં ૬૮૦થી વધુ ડૉલ્ફિન : શિવરાજપુર અને પોશિત્રાનો દરિયાકિનારો ડૉલ્ફિન માટે બેસ્ટ સ્પૉટ
ગુજરાતના દરિયામાં જોવા મળતી ડૉલ્ફિન
કચ્છનો અખાત ડૉલ્ફિન માટે ઘર બન્યો છે. અહીં ડૉલ્ફિન મુક્ત રીતે દરિયામાં વિહરી રહી છે એટલું જ નહીં, ગુજરાતમાં આવેલા શિવરાજપુર અને પોશિત્રાનો દરિયારિનારો ડૉલ્ફિન માટે બેસ્ટ સ્પૉટ તરીકે ઓળખાય છે. ગુજરાતના દરિયાકિનારે જોવા મળી રહેલી ડૉલ્ફિન હવે દેશ-વિદેશના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
ગુજરાતના વન અને પર્યાવરણપ્રધાન અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે ‘૨૦૨૫ની ગણતરી મુજબ ગુજરાતના ૪૦૮૭ ચોરસ કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં અંદાજે ૬૮૦થી વધુ ડૉલ્ફિન નોંધાઈ છે. કચ્છના અખાતના દક્ષિણ ભાગમાં આવેલા મરીન નૅશનલ પાર્ક અને મરીન સૅન્ક્ચ્યુઅરીના ઓખાથી નવલખી સુધી વિસ્તરેલા ૧૩૮૪ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સૌથી વધુ ૪૯૮ ડૉલ્ફિન હોવાની સંભાવના છે. કચ્છના અખાતના ઉત્તર તરફના ભાગમાં કચ્છ વર્તુળ હેઠળના ૧૮૨૧ ચોરસ કિલોમીટરમાં ૧૬૮, ભાવનગરના ૪૯૪ ચોરસ કિલોમીટરમાં ૧૦ તેમ જ મોરબીના ૩૮૮ ચોરસ કિલોમીટરમાં ૪ ડૉલ્ફિન જોવા મળી છે. કચ્છના અખાતમાં આવેલું આ ભારતનું પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ડૉલ્ફિનનું મુખ્ય ઘર છે. ગુજરાતના પ્રવાસન-સ્થળ શિવરાજપુર અને પોશિત્રાનો દરિયાકિનારો ડૉલ્ફિન માટે બેસ્ટ સ્પૉટ તરીકે ઓળખાય છે. અહીં પાણી ખૂબ જ સ્વચ્છ હોવાથી ડૉલ્ફિન સરળતાથી દેખાય છે.’
ADVERTISEMENT
ગુજરાતના દરિયામાં બે પ્રકારની ડૉલ્ફિન
ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં મુખ્યત્વે ઇન્ડો-પૅસિફિક હમ્પબૅક ડૉલ્ફિન અને બૉટલનોઝ ડૉલ્ફિન સૌથી વધુ જોવા મળે છે. હમ્પબૅક ડૉલ્ફિન એની વિશિષ્ટ ખૂંધ અને વિસ્તરેલી પૂંછડીથી ઓળખી શકાય છે. ડૉલ્ફિન દરિયાની લહેરોમાં કૂદતી અને રમતી જોવા મળે છે. એમનું આ ઍક્રોબેટિક પ્રદર્શન સહેલાણીઓમાં આનંદ કરાવી દે છે. ડૉલ્ફિનના મોઢાનો આકાર બૉટલ જેવો હોવાથી એને સરળતાથી ઓળખી શકાય છે. હમ્પબૅક ડૉલ્ફિન ૨.૫થી ૩.૨ મીટર લાંબી હોય છે અને એનું વજન ૧૫૦થી ૨૫૦ કિલો જેટલું હોય છે. ડૉલ્ફિન થોડી-થોડી મિનિટે પાણીની સપાટી પર માથું બહાર કાઢીને શ્વાસ લેવા આવે છે ત્યારે એ સહેલાણીઓ માટે લહાવો બની રહે છે.
