આદિત્ય ગઢવીએ પોતાના અવાજમાં આ ગીતને ગાયું છે, જ્યારે સંગીતકાર કેદાર અને ભાર્ગવએ પરંપરા અને ફ્યુઝનને એકસાથે લાવતાં અનોખું સંગીત તૈયાર કર્યું છે
તસવીર: યુટ્યુબ
વન્યજીવ પ્રેમી અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા ‘વિશ્વ સિંહ દિવસ’ (World Lion Day 2024) નિમિત્તે “ગીર ગજવતી આવી સિંહણ” નામનું અનોખું ગીત રિલીઝ કર્યું, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્પિત છે. નથવાણીએ આ ગીત દ્વારા ગીરની ગૌરવવંતી સિંહણો અને તેની લાક્ષણિકતાઓને લોકસંગીત શૈલીમાં સુંદર રીતે પ્રગટાવી છે. આ ગીતમાં સૌરાષ્ટ્રના ગીરની લોકસંસ્કૃતિને દર્શાવતાં છંદો અને અલંકારયુક્ત પ્રાદેશિક સાંસ્કૃતિક વારસાનું અદ્વિતીય મિશ્રણ છે.
આ ગીત (World Lion Day 2024)ની શરૂઆત દુહા વડે થાય છે અને સમાપન ચારચરી (ઝડપી સ્વરમાં ગવાતી ચોપાઈ) વડે થાય છે, જે સિનિમા અને લોકગીત શૈલીઓનું અનોખું મિશ્રણ બનાવે છે. આદિત્ય ગઢવીએ પોતાના અવાજમાં આ ગીતને ગાયું છે, જ્યારે સંગીતકાર કેદાર અને ભાર્ગવએ પરંપરા અને ફ્યુઝનને એકસાથે લાવતાં અનોખું સંગીત તૈયાર કર્યું છે. ગીતના શબ્દો પ્રસિદ્ધ અને યુવા ગીતકાર પાર્થ તરપરાના છે, જેમણે ગીરની સિંહણના ગૌરવ અને મહિમાને સુંદર રીતે આલેખી છે.
ADVERTISEMENT
પાર્થ તરપરાએ ફેસબુક પર આ ગીતના બોલ શેર કર્યા છે જે કંઈક આમ છે:
દુહો
જાણે નવખંડ નાથને, ઇ જાણે કોયલ કીર
જંગલની જુની જોગણી, સિંહણ ગજવે ગીર
ગીત
(૧)
વનરાયુના વટની રાણી
વનરાજાની પ્રિત પુરાણી
કૂખે ગીર જનમતું
પેટે પેઢી સાત સમાણી
જંગલની જગજુની જોગણ
ગીર ગજવતી આવી સિંહણ
(૨)
કાખમાં લઇને વાવાઝોડા
આવે, ભાગે બાકર ટોળા
અંદર ભભકે આગ ભયંકર
મુખે ભાવ છે ભોળા
સોના સરખો વાન ફરકતો
જંગલનો દરબાર ઉજળતો
ઠેકતા કુદતા આવતા રમતા
સિંહબાળ સિંહભેળા
હેતથી મુખથી ચાટતી વ્હાલી
બાળુડા હાવજની મમતાળી
આખા વનની એકલી જાણે
માવડી તું મહારાણી
જંગલની જગજુની જોગણ
ગીર ગજવતી આવી સિંહણ
ચર્ચરી છંદ
જબરા જડબા વિશાળ, દાઢે વળગેલ કાળ
જોબનસે જોમ જાળ, જંગલની રાણી
દેખે હરણાંની હાર, એકે પંજે પ્રહાર
કરતી હુંકાર ઠાર, હાવજ પટરાણી
સુંદર શોભાયમાન, તગ-તગતી બે કમાન,
ત્રાટકતી એક ધ્યાન, બીકથી અજાણી
ગરજે મેઘા સમાન, ગ્યરનું ગરવું ગિનાન,
પળમાં ગાળે ગુમાન, જોગમાત જાણી
પાર્થ તરપરાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં જણાવ્યું કે, “સિંહ અને ગીર મારો ગમતો વિષય છે. આ વર્ષે સિંહણ પર લખવાનું થયું છે, જે નવી વાત છે. સાહિત્યમાં સિંહણ પર ખૂબ જ ઓછું લખાયું છે એ કારણસર પણ આ પ્રોજેક્ટમાં કામ કરવાની મજા આવી – નવું એક્સપ્લોર કરવા મળ્યું. સિંહણની લાક્ષણિકતાઓ જાણી અને તેને ગીતમાં ઢાળવું એ પડકારજનક હતું, પરંતુ જેટલા પડકારો એટલું નવું સર્જન. વિશ્વ સિંહ દિવસ પર આ રીતે જ દર વખતે કામ કરવા મળે એવું હું ઈચ્છું છું.”
સાંભળો આ સુંદર ગીત
ઉલ્લેખનીય છે કે, પરિમલ નથવાણીએ અગાઉ સિંહ (World Lion Day 2024) અને ગીરના જંગલ પર બે કૉફી ટેબલ બૂક્સ લખી છે અને તાજેતરમાં “કૉલ ઑફ ધ ગીર” નામનું પુસ્તક પ્રદર્શિત કર્યું છે, જે તેમણે વડાપ્રધાન મોદીને પ્રોજેક્ટ લાયન માટે અર્પણ કર્યું છે. આ પુસ્તકમાં વડાપ્રધાનનો સંદેશ પણ છે, જેમાં ગીરના સિંહોના સંવર્ધનની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.