ગુજરાત બીજેપીએ ચૂંટણી પહેલાં કરેલા સંકલ્પને કરાશે સાકાર : ગુજરાતમાં વિદ્યાર્થીઓને ગીતાજ્ઞાન આપવાની જાહેરાત પણ કરાઈ

સોમનાથ મહાદેવને ચડાવેલાં પીતાંબર ઘેરબેઠાં મેળવી શકાશે
અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં બીજેપીએ તેના સંકલ્પપત્રમાં દેવભૂમિ દ્વારકા કૉરિડોર બનાવવા અને ભગવાન શ્રીકૃષ્ણની વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવવાની જાહેરાત કરી હતી. એને ફળીભુત કરવાની જાહેરાત ગઈ કાલે ગુજરાતની બીજેપી સરકારે કરી હતી અને દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણની વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવવાની સાથે-સાથે ગુજરાતમાં વિદ્યાર્થીઓને ગીતાજ્ઞાન આપવાની જાહેરાત કરી છે.
ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે માહિતી આપતાં કહ્યું હતું કે ‘દેવભૂમિ દ્વારકા કૉરિડોર બનાવવાનો સરકારે સંકલ્પ કર્યો છે, જેમાં ભગવાન શ્રીકૃષ્ણની વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવવામાં આવશે. આ ઉપરાંત થ્રીડી ઇમર્સિવ એટલે કે કાલ્પનિક દુનિયાનો અનુભવ, શ્રીમદ્ ભગવદગીતા એક્સપિરિયન્સ ઝોન તથા વિલુપ્ત દ્વારકા નગરીની વ્યુઇંગ ગૅલરીના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવશે અને ફેઝ-વનનું આવતી જન્માષ્ટમી પહેલાં કામ પૂરું કરી શકીએ એ માટે સૂચના આપવામાં આવી છે. આના માટે આયોજન અને ડિઝાઇનનું કામ શરૂ કરવામાં આવશે.’
ADVERTISEMENT
તેઓએ ગીતાશિક્ષણની વાત કરતાં કહ્યું હતું કે ‘ગીતાનું શિક્ષણ અભ્યાસના માધ્યમથી વિદ્યાર્થીઓના સંસ્કારમાં ઊતરે એ માટે ગીતાશિક્ષણની પણ શરૂઆત કરાશે. એને લગતો અભ્યાસક્રમ તૈયાર થઈ ગયો છે.’
સોમનાથ મહાદેવને ચડાવેલાં પીતાંબર ઘેરબેઠાં મેળવી શકાશે
ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરમાં ભગવાન સોમનાથદાદાને ભક્તિપૂર્વક ચડાવાયેલાં પીતાંબર હવે ઘેરબેઠાં ભાવિકો મેળવી શકશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઑનલાઇન વસ્ત્ર પ્રસાદ સેવા શરૂ કરવામાં આવી છે. મહાદેવજીને ચડાવેલાં પીતાંબર, પાર્વતીમાતાજીને ચડાવેલી સાડી અને મંદિરની ધજા ભાવિકો ઑનલાઇન ઑર્ડર કરીને મેળવી શકશે. ભાવિકોએ છેલ્લા ઘણા સમયથી ટ્રસ્ટ પાસે આ સેવાનો લાભ આપવા અનુરોધ કર્યો હતો.

